Morbi Greenfield Airport: સિરામિકનગરી તરીકે વિશ્વભરમાં પ્રખ્યાત મોરબીને હવે અન્ય શહેરો અને વિદેશો સાથે હવાઈ માર્ગે જોડવા માટે રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા કવાયત તેજ કરવામાં આવી છે. 'ઉડાન 2.0' (UDAN 2.0) યોજના હેઠળ મોરબીમાં ગ્રીનફિલ્ડ એરપોર્ટ બનાવવાની જાહેરાત કરવામાં આવી છે.
મોરબી ગ્રીનફિલ્ડ એરપોર્ટ: પ્રગતિના નવા આયામ
અગાઉ નાગરિક ઉડ્ડયન મંત્રી બલવંતસિંહ રાજપૂતે આપેલી માહિતી મુજબ, મોરબી ગ્રીનફિલ્ડ એરપોર્ટનું નિર્માણ આગામી 30 વર્ષના આયોજનને ધ્યાનમાં રાખીને કરવામાં આવશે. આ આધુનિક હવાઈપટ્ટીનો પ્રોજેક્ટ ગુજરાત સરકાર અને એરપોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (AAI) ના 11 નવા ગ્રીનફિલ્ડ એરપોર્ટ વિકસાવવાના સમજૂતી કરારનો (MoU) એક ભાગ છે.
1,500 મીટરનો રન-વે અને ખાનગી જમીન સંપાદન
એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા મોરબી ગ્રીનફિલ્ડ એરપોર્ટ માટે પ્રી-ફિઝિબિલિટી સ્ટડી પૂર્ણ કરી દેવામાં આવી છે. પ્રી-ફિઝિબિલિટી સ્ટડીના રિપોર્ટ મુજબ, મોરબી ખાતે 1,500 મીટરની લંબાઈ ધરાવતો રન-વે બનાવવાનું આયોજન છે, જેના માટે ઉપલબ્ધ જમીનને અડીને આવેલી વધારાની ખાનગી જમીન પણ સંપાદન કરવામાં આવશે.
ત્રણ તબક્કામાં થશે આધુનિક એરપોર્ટનું નિર્માણ
મોરબી ગ્રીનફિલ્ડ એરપોર્ટ પ્રોજેક્ટની કામગીરી મુખ્યત્વે ત્રણ તબક્કામાં વહેંચવામાં આવી છે.
- પ્રથમ તબક્કો: આ તબક્કામાં રનવે, ટેક્સી-વે, એપ્રન અને જમીન સમતળ કરવાની કામગીરી થશે. શરૂઆતમાં અહીં 70 અને 90 બેઠક ધરાવતા વિમાનોનું ઉતરાણ કરવામાં આવશે.
- બીજો તબક્કો: ટર્મિનલ બિલ્ડીંગ, ATS કંટ્રોલ ટાવર, વહીવટી બિલ્ડીંગ, ફ્યુલ સ્ટેશન, MRO હેંગર અને ઈલેક્ટ્રીકલ રૂમ જેવી માળખાગત સુવિધા ઉભી કરાશે.
- ત્રીજો તબક્કો: રનવે લાઈટ, એવિએશન ઇક્યુપમેન્ટ, ગાર્ડનિંગ અને પાર્કિંગ વગેરે સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે.
આ હવાઈ પટ્ટી શરૂ થવાથી પાયલોટ તાલીમ, ફ્લાઈંગ ઓપરેશન અને વિમાન ઈજનેરીની વ્યવસ્થા પણ ઉભી કરવામાં આવશે, જેનાથી સ્થાનિક યુવાનો માટે રોજગારીની નવી તકો સર્જાશે. આ એરપોર્ટ મોરબીને માત્ર ગુજરાત જ નહીં, પણ વિશ્વના બિઝનેસ મેપ પર મજબૂત રીતે સ્થાપિત કરશે.

સિરામિક ઉદ્યોગ માટે આશીર્વાદરૂપ
AAI દ્વારા હાથ ધરાયેલા પ્રી-ફિઝિબિલિટી અભ્યાસમાં મોરબી સ્થળ એરપોર્ટ માટે શક્ય જણાયું છે. આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ્ય મોરબીના તેજીમય સિરામિક ઉદ્યોગને વ્યાપારી હવાઈ જોડાણ પૂરું પાડવાનો અને લોજિસ્ટિક્સમાં સુધારો કરી ઔદ્યોગિક વિકાસને ઉત્તેજન આપવાનો છે.
જોકે, આ તમામ આયોજનોની રૂપરેખા જાહેર કરવામાં આવી હોવા છતાં, આ એરપોર્ટનું કામ ક્યારે શરૂ થશે અને ક્યારે પૂર્ણ થશે તે અંગે હજુ સુધી કોઈ જ સ્પષ્ટતા કરવામાં આવી નથી. તેમ છતાં મોરબીના ઔદ્યોગિક વિકાસને વૈશ્વિક ફલક પર લઈ જવા માટે ગ્રીનફિલ્ડ એરપોર્ટનું નિર્માણ એક મહત્વનું કદમ બની રહેશે.
મોરબી એરપોર્ટથી વર્તમાન સ્થિતિ
- પ્રી-ફિઝિબિલિટી સ્ટડી: એરપોર્ટ માટે પ્રારંભિક સર્વે અને ફિઝિબિલિટી રિપોર્ટ પૂર્ણ
- રન-વેની લંબાઈ: પ્રાથમિક તબક્કે 1500 મીટર લાંબો રન-વે બનાવવાનું આયોજન
- નિર્માણ પ્રક્રિયા: સંપૂર્ણ કામગીરી ત્રણ મુખ્ય તબક્કામાં વહેંચવામાં આવી
એરપોર્ટથી થનારા મુખ્ય ફાયદા
- સિરામિક ઉદ્યોગ: મોરબીના સિરામિક ઉદ્યોગ અને એક્સપોર્ટને વધુ વેગ મળશે.
- ઔદ્યોગિક વિકાસ: નવા રોકાણ અને ઔદ્યોગિક માળખામાં ઝડપી સુધારો થશે.
- હવાઈ કનેક્ટિવિટી: દેશ-વિદેશના ઉદ્યોગપતિઓ-વ્યાવસાયિકો માટે સીધું હવાઈ જોડાણ.
- લોજિસ્ટિક્સ: માલ-સામાનની ઝડપી હેરફેર સાથે લોજિસ્ટિક્સ ખર્ચમાં લાંબાગાળે ઘટાડો થશે.
