Morbi Farmers Protest: મોરબીના જેતપર ગામમાં ખાનગી વીજ કંપની દ્વારા ખેડૂતોની સંમતિ અને યોગ્ય વળતર ચૂકવ્યા વિના ખેતરોમાં વીજપોલ ઊભા કરવાની કામગીરી સામે ખેડૂતોનો આક્રોશ ફાટી નીકળ્યો છે. આજે મોટી સંખ્યામાં ખેડૂતોએ ટ્રેક્ટર રેલી યોજી કલેક્ટર કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કર્યું હતું. જેતપર ગામમાં ખાનગી કંપની દ્વારા વીજ લાઈન નાખવા માટે પોલ ઊભા કરવામાં આવી રહ્યા છે.
ખેડૂતોનો આરોપ છે કે, કંપની દ્વારા તેમની જમીનનો ઉપયોગ કરવા બદલ કોઈ વળતર ચૂકવવામાં આવ્યું નથી, કે વળતરની રકમ બાબતે પણ કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. ખાનગી કંપની તેમની જમીન પર અતિક્રમણ કરી રહી છે.
આ પણ વાંચો
છેલ્લા બે-ત્રણ દિવસથી ખેડૂતો કામગીરી અટકાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ દરમિયાન પોલીસ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ પણ થયું હતું. આ વિવાદને પગલે આજે જેતપર ગામના ખેડૂતોએ આક્રમક વલણ અપનાવ્યું હતું.

'જય જવાન-જય કિસાન'ના નારા સાથે જંગી રેલી નીકળી
આજે 100થી વધુ ટ્રેક્ટરો સાથે ખેડૂતોએ 'જય જવાન, જય કિસાન'ના નારા સાથે રેલી કાઢી હતી. રેલી જેતપરથી મોરબી કલેક્ટર કચેરી સુધી પહોંચી હતી, જ્યાં ખેડૂતોએ કલેક્ટરને આવેદનપત્ર સુપરત કરી તાત્કાલિક અસરથી કામગીરી બંધ કરવાની માંગ કરી હતી.
જ્યાં સુધી યોગ્ય વળતર નક્કી ન થાય અને ચૂકવવામાં ન આવે, ત્યાં સુધી વીજપોલ નાખવાની કામગીરી તાત્કાલિક સ્થગિત કરવામાં આવે. જમીન સંપાદન કે ઉપયોગના નિયમોનું પારદર્શક પાલન કરવામાં આવે.
