શિક્ષણપ્રેમની અનોખી મિસાલ: મોરબીના માળિયામાં બાળકોના ભવિષ્ય માટે ખેડૂતે પોતાની કિંમતી જમીન દાન કરી

મોરબીના માળિયામાં બાળકોના ભવિષ્ય માટે ખેડૂત સુભાનભાઈ સંધવાણીએ 1300 ચો.મી. કિંમતી જમીન દાનમાં આપી. CM કાર્યાલય અને જિલ્લા કલેક્ટર દ્વારા સન્માન કરાયું.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Wed, 17 Jun 2026 09:25 AM (IST)Updated: Wed, 17 Jun 2026 09:25 AM (IST)
morbi-farmer-donates-land-for-school-maliya-bhoolipat-vandh

Morbi News: મોરબી જિલ્લાના માળિયા (મિયાણા) તાલુકાના ભોળીપાટ વાંઢ વિસ્તારમાંથી માનવતા અને શિક્ષણપ્રેમની સુવાસ ફેલાવતો એક પ્રેરણાદાયી કિસ્સો સામે આવ્યો છે. બાળકોનું શિક્ષણ અટકે નહીં તે માટે એક સ્થાનિક ઉદારદિલ દાતાએ પોતાની કિંમતી જમીન દાનમાં આપીને વહીવટી તંત્રની મોટી સમસ્યાનો કાયમી ઉકેલ આણ્યો છે.

શું હતી સમગ્ર સમસ્યા?

મોરબી જિલ્લા શિક્ષણ સમિતિ હસ્તકની ભોળીપાટ વાંઢ પ્રાથમિક શાળા માટે સરકાર દ્વારા 2 નવા શૈક્ષણિક ઓરડાની મંજૂરી આપવામાં આવી હતી. પરંતુ, આ રુમોના બાંધકામ માટે શાળાની આસપાસ કોઈ સરકારી પડતર કે ખરાબાની જમીન ઉપલબ્ધ નહોતી. પરિણામે, ઓરડાના નિર્માણ માટે મોટો પ્રશ્નાર્થ ઉભો થયો હતો.

દાતા સુભાનભાઈની ઉમદા પહેલ

આ સ્થિતિમાં બાળકોના ભવિષ્યની ચિંતા કરીને સ્થાનિક દાતા સુભાનભાઈ બાવાભાઈ સંધવાણી વહારે આવ્યા હતા. તેમણે મોટું મન રાખીને માળિયાના સર્વે નંબર 832 પૈકી 1/2 વાળી પોતાની માલિકીની જમીનમાંથી કુલ 1300 ચોમી જેટલી કિંમતી જમીન શાળાના નવા મકાન માટે સ્વૈચ્છિક રીતે દાનમાં આપી દીધી હતી.

"બાળકોનું શિક્ષણ ન અટકે અને તેમનું ભવિષ્ય ઉજ્જવળ બને તે જ સાચું પુણ્ય છે." - સુભાનભાઈ સંધવાણી

CM કાર્યાલય અને જિલ્લા પ્રશાસન દ્વારા સન્માન

શિક્ષણનો વ્યાપ વધે માટે, પોતાનો સ્વાર્થ છોડીને જમીનનું દાન કરનારા સુભાનભાઈની ઉમદા કામગીરીની નોંધ મુખ્યમંત્રી કાર્યાલયે નોંધ લીધી છે.

તેમજ, મોરબી જિલ્લા વહીવટી તંત્રે તેમની પ્રેરણાદાયક કામગીરીને બિરદાવી હતી. ઉપરાંત, મોરબી જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા કલેક્ટર દ્વારા સુભાનભાઈનું સનમાન કરીને હ્રદયપૂર્વક આભાર માન્યો હતો.