Kishor Chikhaliya passes away: મોરબી જિલ્લામાંથી એક અત્યંત દુઃખદ સમાચાર સામે આવ્યા છે. મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચીખલિયાનું 58 વર્ષની વયે હાર્ટ એટેક આવવાથી આકસ્મિક નિધન થયું છે. તેમના અચાનક નિધનના પગલે ચીખલિયા પરિવાર અને સમગ્ર કોંગ્રેસ પરિવારમાં ઘેરા શોકનું મોજું ફરી વળ્યું છે.
હાર્ટ એટેકથી થયું કિશોરભાઈનું નિધન
પ્રાપ્ત વિગતો અનુસાર, ગત રાત્રીના સમયે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચિખલીયા હાઉસિંગ બોર્ડથી મહેન્દ્રનગર ખાતે વોર્ડ નંબર 4 માં એક આગેવાનને મળવા ગયા હતા. તેઓ ત્યાં બેસીને વાતો કરી રહ્યા હતા, તે જ વખતે અચાનક તેમને મેજર હાર્ટ એટેક આવ્યો હતો.
કિશોરભાઈને સારવાર અર્થે સમર્પણ હોસ્પિટલ પહોંચાડવામાં આવે તે પહેલાં જ તેમનું નિધન થયું હતું. નોંધનીય છે કે, કિશોરભાઈએ ચક્ષુદાન કર્યું હોવાથી તેમના પાર્થિવ દેહને મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો. આ સમાચાર મળતા જ સિવિલ હોસ્પિટલ ખાતે મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો અને આગેવાનો દોડી આવ્યા હતા.
આજે 11:30 વાગ્યે નીકળશે અંતિમયાત્રા
સ્વર્ગસ્થ કિશોરભાઈ ચીખલિયાની સ્મશાન યાત્રા આજે 31 માર્ચ, મંગળવારના રોજ સવારે 11:30 વાગ્યે મોરબીના રવાપર રોડ સ્થિત તેમના નિવાસસ્થાન 'વ્રજવાટીકા' થી નીકળશે. આ અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં રાજકીય આગેવાનો, કાર્યકરો અને સ્નેહીજનો જોડાઈને તેમને અંતિમ શ્રદ્ધાંજલિ અર્પણ કરશે.
સરવડથી મોરબી સુધીની સંઘર્ષમય સફર
મૂળ માળિયા મિયાણા તાલુકાના સરવડ ગામના વતની કિશોરભાઈ આશરે 32 વર્ષ પહેલા મોરબીમાં સ્થાયી થયા હતા. જીવનના શરૂઆતના તબક્કામાં તેમણે મોરબીમાં સિંગની દુકાન શરૂ કરીને આર્થિક સંઘર્ષ કર્યો હતો, જે દુકાન આજે પણ કાર્યરત છે. સમય જતાં વ્યવસાયિક ક્ષેત્રે પ્રગતિ કરીને તેઓ સિરામિક ઉદ્યોગમાં પણ ભાગીદાર બન્યા હતા. પરિવારની વાત કરીએ તો, તેઓ ત્રણ ભાઈઓ હતા અને પરિવારમાં તેમને એક દીકરો તથા એક દીકરી છે.
સામાન્ય કાર્યકરથી જિલ્લા પંચાયત પ્રમુખ
રાજકીય ક્ષેત્રે કિશોરભાઈ હંમેશા એક મિલનસાર અને લડાયક નેતા તરીકેની ઓળખ ધરાવતા હતા.
- 2010: જ્યારે મોરબી જિલ્લો રાજકોટનો ભાગ હતો, ત્યારે તેઓ પ્રથમ વખત રાજકોટ જિલ્લા પંચાયતના સભ્ય તરીકે ચૂંટાયા હતા.
- 2013: મોરબીને અલગ જિલ્લાનો દરજ્જો મળ્યા બાદ નવી જિલ્લા પંચાયતમાં તેમની સક્રિયતાને કારણે તેમને વિરોધ પક્ષના નેતા બનાવવામાં આવ્યા હતા.
- 2015: મોરબી જિલ્લા પંચાયતની ચૂંટણીમાં તેઓ ફરી વિજેતા બન્યા અને અઢી વર્ષ માટે કારોબારી ચેરમેન તથા ત્યારબાદ અઢી વર્ષ માટે મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે શાનદાર સેવા આપી.
સંગઠન પર મજબૂત પકડ હોવાને કારણે તેઓ મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકેની જવાબદારી નિભાવી રહ્યા હતા. તેમનો સરળ સ્વભાવ અને સામાન્ય કાર્યકરો સાથેનો સીધો સંપર્ક તેમને અન્ય રાજકીય નેતાથી અલગ પાડતો હતો.
