Morbi robbery-rape case: મોરબી તાલુકામાંથી એક અત્યંત ચકચારી અને કંપાવનારી ઘટના સામે આવી છે. રાત્રીના સમયે ચોરી અને લૂંટના ઈરાદે નીકળેલી મામા-ભાણેજની 5 સભ્યોની ટોળકીએ બે જુદા-જુદા ગામમાં શ્રમિક દંપતીઓ પર હુમલો કરી મહિલાઓ પર છરીની અણીએ દુષ્કર્મ અને ગેંગરેપ આચર્યો છે. આ મામલે પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને 3 આરોપીને ઝડપી લીધા છે, જ્યારે મુખ્ય સૂત્રધાર હજી પોલીસ પકડથી દૂર છે.
લૂંટમાં નિષ્ફળ જતા છરીની અણીએ આચર્યું દુષ્કર્મ
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, ગત 4 જૂનની રાત્રે 10 થી 11:30 વાગ્યાના અરસામાં 5 શખ્સોની ટોળકી લૂંટના ઈરાદે હથિયારો સાથે મોરબી તાલુકાના જેતપર અને ચકમપર ગામની સીમમાં વાડી વિસ્તારમાં ઘૂસી ગઈ હતી. જોકે, શ્રમિક દંપતીઓ પાસેથી રોકડ કે કોઈ કિંમતી દાગીના ન મળતા આ લૂંટારાઓ ઉશ્કેરાઈ ગયા હતા.
લૂંટારૂ ટોળકીના સાગરીતો અહીં જ ન અટક્યા, અને લૂંટ કરતા પણ વધુ ગંભીર કૃત્ય આચરવાનો નિર્ણય લીધો હતો. આરોપીઓએ શ્રમિક પતિના ગળા પર છરી અને ધોકા જેવા હથિયારો રાખીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. અને ત્યારબાદ ટોળકીએ મહિલાઓ પર અત્યાચાર ગુજાર્યો હતો, જેમાં એક મહિલા પર તો ગેંગરેપ કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો

જેતપર અને ચકમપરમાં આચરવામાં આવ્યું પાપ
આ ટોળકીએ એક જ રાતમાં મોરબી તાલુકાના જેતપર અને ચકમપર એમ બે ગામમાં આતંક મચાવ્યો હતો. આ મામલે પીડિતો દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે 2 અલગ-અલગ ગુના નોંધીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.
- જેતપર ગામ: સૌપ્રથમ ગેંગે જેતપર ગામની સીમમાં આવેલી વાડીને નિશાન બનાવી હતી. જ્યાં લૂંટમાં કંઈ ન મળતા 5 પૈકીના એક શખ્સે પતિને બંધક બનાવીને પરિણીતા પર દુષ્કર્મ આચર્યું હતું.
- ચકમપર ગામ: ત્યારબાદ આ ટોળકી ચકમપર ગામના વાડી વિસ્તારમાં પહોંચી હતી અને ત્યાં પણ પતિને છરી બતાવી બંધક બનાવ્યા બાદ મહિલા સાથે ગેંગના 3 શખ્સોએ સામૂહિક દુષ્કર્મ (Gangrape) આચર્યું હતું.
પોલીસ કાર્યવાહી: ત્રણ આરોપી ઝડપાયા, 1 સગીર
મોરબી SC-ST સેલના DySP વિરલ દલવાડીએ માહિતી આપતા જણાવ્યું કે, આ ગુનામાં પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને કડીયાણા ગામના રહેવાસી નવઘણ કાળુ વાધેલા, દિલીપ કેશા વાજેલીયા અને મુન્ના ગંગરામ વાજેલીયાની ધરપકડ કરી છે. આરોપીઓને કોર્ટમાં રજૂ કરીને પોલીસે વધુ પૂછપરછ માટે રિમાન્ડ મેળવ્યા છે. આ ઉપરાંત, આ ગુનામાં સામેલ 16 વર્ષના સગીરને પણ કસ્ટડીમાં લઈને બાળ સુધારણા ગૃહમાં મોકલી દેવાયો છે.
આ પણ વાંચો: Morbi: ટંકારામાં ડબલ મર્ડરની ઘટના, જમીનના ડખ્ખામાં ઝાલા પરિવારના કાકા-ભત્રીજાની ક્રૂર હત્યા
મુખ્ય માસ્ટરમાઈન્ડ દિનેશ જખાનીયા ફરાર
પોલીસ તપાસમાં ખૂલ્યું છે કે, આ સમગ્ર ષડયંત્રનો માસ્ટરમાઈન્ડ દિનેશ મધુ જખાનીયા છે, જેને પકડવાનો હજુ બાકી છે. પકડાયેલા ત્રણેય આરોપીઓ અને સગીર સંબંધમાં દિનેશના ભાણેજ થાય છે. દિનેશે જ આ તમામને 'ઘેટું લેવા જવું છે' એટલે કે ચોરી કરવા જવું છે તેવો કોડવર્ડ આપીને ચરાડવા ગામ પાસે બોલાવ્યા હતા. ત્યાંથી તેઓ 2 મોટરસાઈકલ પર સવાર થઈને જેતપર તરફ ગયા હતા.
જેતપરની વાડીમાં દિનેશે જ મહિલા પર દુષ્કર્મ આચર્યું હતું. જ્યારે ચકમપરમાં નવઘણ, દિલીપ અને મુન્નાએ સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું. ચોંકાવનારી બાબત એ છે કે મુખ્ય આરોપી દિનેશ જખાનીયા અગાઉ ધ્રાંગધ્રા તાલુકા વિસ્તારમાં પણ સામૂહિક દુષ્કર્મના કેસમાં સંડોવાયેલ હિસ્ટ્રીશીટર છે. હાલ પોલીસ ટીમો ફરાર આરોપીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કરી રહી છે.
