Surat SBI Bank Robbery: સુરત પોલીસની અદભુત કોઠાસૂઝ અને કોઈ બોલિવૂડ ક્રાઈમ થ્રિલર ફિલ્મને પણ ટક્કર મારે તેવા ઓપરેશને સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી છે. સુરતના વરાછા વિસ્તારમાં આવેલી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની લંબે હનુમાન રોડ બ્રાન્ચમાં ગત 27 એપ્રિલના રોજ ધોળા દિવસે ₹50 લાખની સનસનાટીભરી લૂંટ થઈ હતી. આ હાઈટેક લૂંટનો ભેદ ઉકેલવામાં સુરત પોલીસે મહત્વની ભૂમિકા ભજવી છે.
સુરત સિટી પોલીસે 2000 કિલોમીટર દૂર દક્ષિણ ભારતના ઘનઘોર જંગલોમાં વેશપલટો કરીને આ આખી ગેંગના મુખ્ય સૂત્રધાર અને એથિકલ હેકર એવા માસ્ટરમાઇન્ડને ઝડપી પાડ્યો છે.
બિહારની બેઉર જેલમાંથી ઘડાયું લૂંટનું ષડયંત્ર
પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે, સુરત વરાછા લૂંટનો પ્લાન બિહારની બેઉર જેલમાં બંધ રીઢા ગુનેગાર કુંદન ભગતના મગજની ઉપજ હતી. કુંદને જેલમાંથી જ અત્યંત સુરક્ષિત અને એન્ક્રિપ્ટેડ ગણાતી 'Signal Application' દ્વારા તેના મામીના દીકરા વિકાસ કુમાર ઉર્ફે ચંદન ઉર્ફે જેક (રહે. મુઝફ્ફરપુર, બિહાર) નો સંપર્ક કર્યો હતો.
એથિકલ હેકર માસ્ટરમાઇન્ડ: લૂંટની કમાન્ડ સંભાળનાર ચંદન કોઈ સામાન્ય ગુનેગાર નથી. તેણે સુરતની એલ. પી. સવાણી કોલેજમાંથી એથિકલ હેકિંગનો કોર્સ કરેલો છે. ડિજિટલ નેટવર્ક અને સાયબર સિક્યોરિટીની સમજ હોવાને કારણે તેણે પોલીસ પકડથી બચવા તમામ ટેકનિકલ છટકબારીઓનો ઉપયોગ કર્યો હતો.
ગૂગલ મેપ અને નકલી આઈડીથી સુરતની જાસૂસી
ચંદન ડિસેમ્બર 2025માં ફરી સુરત આવ્યો અને વરાછાના હિદાયતનગરમાં નકલી ઓળખકાર્ડના આધારે ભાડાનું મકાન રાખીને રહેવા લાગ્યો. ચંદને ગૂગલ મેપ પર સુરતની અનેક બેંકોના ઇન્ટિરિયર અને એક્સટેરિયરના ફોટા જોઈને આખો લેઆઉટ મગજમાં સેટ કર્યો હતો. સુરત સ્માર્ટ સિટીના સિક્યોરિટી અને ટ્રાફિક કેમેરા ક્યાં ક્યાં લાગેલા છે, તેની લોકેશન ડાયરી નોંધી હતી, જેથી ભાગતી વખતે કેમેરાની નજરમાંથી બચી શકાય.
મહારાષ્ટ્રના નંદુરબારથી 7 ઘાતક હથિયારો (પિસ્તોલ અને તમંચા) મંગાવવામાં આવ્યા હતા અને ગેંગના દરેક સભ્યના ફોનમાં 5-5 નકલી આઈડી કાર્ડની સોફ્ટ કોપી રાખવામાં આવી હતી.
અજાણી વૃદ્ધાના ફોનથી વોટ્સએપ ક્લોન કર્યું
લૂંટ બાદ ચંદન બિહાર ભાગી ગયો હતો. પોલીસને છેતરવા માટે તેણે પટનામાં એક ચાની કિટલી પર બેઠેલી અજાણી વૃદ્ધાનો કીપેડ ફોન માંગ્યો હતો. તે કીપેડના નંબર પર પોતાના સ્માર્ટફોનમાં વોટ્સઅપ લોગીન કર્યુ અને વૃદ્ધાના ફોનમાં આવેલો ઓટીપી જોઈને તુરંત જ ડીલીટ કરી નાખ્યો હતો. પોલીસ જ્યારે ટેક્નિકલ સર્વેલન્સના આધારે લોકેશન પર પહોંચી ત્યારે માત્ર એક નિર્દોષ વૃદ્ધા મળી હતી.
એક લાઈવ વીડિયો કોલ અને દૂધની થેલી
વરાછા ઝોન-1ની પીએસઆઈ બી.ડી. માલીના નેતૃત્વમાં બનેલી એસઆઈટી (SIT) ની ટીમ છેલ્લા 20 દિવસથી બિહારમાં ડેરા નાખીને બેઠી હતી. પોલીસે ચંદનના એક મિત્રને વિશ્વાસમાં લઈ તેની પાસે ચંદનને વીડિયો કોલ કરાવ્યો. આ વીડિયો કોલ દરમિયાન ચંદન પોતાના રૂમમાં ચા બનાવી રહ્યો હતો અને તેણે કેમેરા સામે દૂધની થેલી ધરી.
સુરત પોલીસે આ લાઈવ કોલનું સ્ક્રીન રેકોર્ડિંગ કરીને દૂધની થેલી પર છાપેલું સ્થાનિક ડેરીનું નામ અને કર્ણાટક-તમિલનાડુ બોર્ડરનું સરનામું શોધી કાઢ્યું. વાતો-વાતોમાં જ પોલીસે ચંદનના રૂમની બહાર દેખાતા પહાડો અને ઝાડવાના લેન્ડમાર્ક પણ નોંધી લીધા.
દક્ષિણ ભારતના જંગલોમાં ખાખીનો વેશપલટો
દૂધની થેલીનું સરનામું મળતા જ સુરત પોલીસ તુરંત કર્ણાટક અને તમિલનાડુની બોર્ડર પર આવેલા ગીચ જંગલ વિસ્તારમાં પહોંચી ગઈ. ત્યાં સુરત પોલીસે લારીવાળા, સ્થાનિક રહીશો અને મજૂરનો વેશપલટો કર્યો.3થી 4 દિવસ સુધી પહાડી વિસ્તારની રેકી કરીને ચંદનનું લોકેશન જાણી લીધું હતું. આખરે પોલીસે રાત્રિના અંધકારમાં વ્યૂહાત્મક ઘેરાબંધી કરીને ચંદન અને તેના સાગરિત સંજીતને ઝડપી લીધો હતો.
રિકવરી અને ફરાર આરોપીઓની શોધખોળ
પોલીસે હાલ આરોપીઓ પાસેથી ₹2,70,000ની રોકડ અને 4 મોંઘા સ્માર્ટફોન જપ્ત કર્યા છે. ચંદને કબૂલ્યું કે, તેઓ કરોડોનું સોનું લૂંટવા આવ્યા હતા પણ લોકરની મુખ્ય ચાવી ન મળતા માત્ર 50 લાખની રોકડ લઈને ભાગવું પડ્યું હતું. લૂંટની મુખ્ય રકમ ગેંગના અન્ય ફરાર સભ્યો એલેક્સ અને સૌરભ પાસે હોવાની આશંકા છે.
આ કેસમાં કુંદન ભગત, શુભમકુમાર ઠાકુર, વિકાસસિંહ અરૂણકુમાર અને મિથેશકુમાર સહિત અત્યાર સુધીમાં કુલ 6 આરોપીઓ ઝડપાઈ ચૂક્યા છે, જ્યારે બાકીના ફરાર આરોપીઓને પકડવા માટે સુરત પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.
