Loading...

મોરબીમાં 'દ્રશ્યમ' સ્ટાઈલમાં મર્ડર, જમીન દલાલની ઘાતકી હત્યા કરી લાશ દાટી ઉપર સિમેન્ટનું ધાબું ભરી દીધુ

ઘરેથી 'જમીન જોવા જઉ છું' કહીને નીકળેલા જમીન દલાલની બંધ કારખાનામાં હત્યા કરીને લાશને ખાડામાં નાંખીને સળગાવી દીધી હતી. જે બાદ માથે ધાબું ભરી દીધુ હતુ.

By: Sanket ParekhEdited By: Sanket Parekh Publish Date: Thu 26 Feb 2026 08:57 PM (IST)Updated: Thu 26 Feb 2026 08:57 PM (IST)
morbi-crime-news-land-broker-murdered-in-drishyam-style-body-buried-under-cement-slab-699225
HIGHLIGHTS
  • ગુમ યુવકનો અઠવાડિયા બાદ મૃતદેહ મળ્યો
  • પોલીસે 4 શકમંદોની અટકાયત કરતા ગુનાનો ભેદ ઉકેલાયો

Morbi: મોરબીમાં 'દ્રશ્યમ' ફિલ્મથી પ્રેરિત એક હચમચાવી નાખે તેવો હત્યાકાંડ સામે આવ્યો છે. જેમાં ગુમ જમીન મકાનના દલાલને મોતને ઘાટ ઉતરી લાશ દાટી માથે સિમેન્ટનું ધાબુ ભરી દીધું હતું.

આ ઘટનામાં આધેડ છેલ્લા સાતેક દિવસથી ગુમ હતો અને પોલીસમાં તેની ગુમનોંધ પણ થઇ હતી. આ ઘટનામાં પોલીસે ચાર શકમંદોને ઉઠાવી લઇ પુછપરછ કરતાં તેઓએ હત્યાની કબુલાત આપતા ફાયર બ્રિગ્રેડ અને મેડીકલ ટીમે પીપળી ગામે એક બંધ કારખાનામાં પહોંચી હતી અને ખોદકામ કરતા લાશને સળગાવી પુરાવાનો નાશ કરવા તેની ઉપર સિમેન્ટ નાખી પાકું ધાબું બનાવી નાખ્યું હતું.

વીસીપરામાં રમેશ કોટન મિલ પાછળ રહેતા રજીયાબેન ભટ્ટીએ ગત 23 ફેબ્રુઆરીના રોજ મોરબી બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. તેમણે જણાવ્યું હતું કે, તેમના પતિ તાજમહમદભાઈ (ઉં.વ. 47) 19 ફેબ્રુઆરીના રોજ સવારે 9 વાગ્યે ’જમીન જોવા જાઉં છું’ તેમ કહીને ઘરેથી નીકળ્યા હતા, પરંતુ સાંજ સુધી પરત ફર્યા નહોતા. પરિવારની શોધખોળ બાદ પણ કોઈ પતો ન લાગતા આખરે પોલીસની મદદ લેવામાં આવી હતી.

જેની તપાસ દરમિયાન પોલીસને ખાનગી બાતમી મળી હતી કે, તાજમહમદભાઈની હત્યા જેતપર રોડ પર પીપળી ગામ નજીક એક બંધ કારખાનામાં કરવામાં આવી છે. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી 4 શકમંદોને રાઉન્ડઅપ કર્યા હતા.

પ્રાથમિક પૂછપરછમાં હત્યાની કબૂલાત મળતા પોલીસે ફાયર બ્રિગેડ અને મેડિકલ ટીમ સાથે રાખી ઘટનાસ્થળે ખોદકામ શરૂ કર્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, લાશને ખાડામાં નાખી સળગાવી દેવાઈ હતી અને ત્યારબાદ તે જગ્યા ઓળખાય નહીં તે માટે ઉપર પાકું ધાબું ભરી દેવાયું હતું.

મોરબી સિટી બી ડિવિઝન પોલીસે આ મામલે હત્યાનો ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે. હાલ જે સ્થળે લાશ દાટી હોવાની આશંકા છે, ત્યાં જેસીબીની મદદથી ખોદકામ કરી અવશેષો મેળવવા પ્રયાસો ચાલુ છે. જમીન લે-વેચના વ્યવસાયમાં કોઈ જૂની અદાવત કે નાણાકીય લેતીદેતી આ હત્યા પાછળનું કારણ હોઈ શકે છે તેવી શક્યતા સેવાઈ રહી છે.