Loading...

Bharuch: નેત્રંગમાં 'દ્રશ્યમ' સ્ટાઈલમાં હત્યા, છેલ્લા 14 દિવસથી ગુમ મહિલાની ખેતરમાં દફનાવેલી લાશ મળતા હડકંપ

મહિલાને દુપટ્ટા વડે ગળે ટૂંપો આપી મોતને ઘાટ ઉતાર્યા બાદ તેની લાશ પ્લાસ્ટિકની કોથળીમાં ફરી દફનાવી દીધી હોવાનું અનુમાન.

By: Sanket ParekhEdited By: Sanket Parekh Publish Date: Sun 15 Mar 2026 08:05 PM (IST)Updated: Sun 15 Mar 2026 08:05 PM (IST)
bharuch-news-drishyam-style-murder-missing-womans-body-found-buried-in-farm-after-14-days-708763
HIGHLIGHTS
  • મોટા જાંબુડા ગામના હસુમતી વસાવા ખેતરમાં ઘાસ કાપવા ગયા બાદ ગુમ થઈ ગયા હતા

Bharuch: ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના મોટા જાંબુડા ગામમાં બૉલિવૂડની સસ્પેન્સ થ્રીલર ફિલ્મ 'દ્રશ્યમ'ની સ્ટાઈલમાં હત્યાની ઘટના પ્રકાશમાં આવતા હડકંપ મચી જવા પામ્યો છે. જેમાં છેલ્લા 14 દિવસથી ગુમ મહિલાની ખેતરમાં દફનાવેલી લાશ મળી આવતા પોલીસ દોડતી થઈ છે.

ખેતરમાં ઘાસ કાપવા ગયેલી મહિલા રહસ્યમય રીતે ગુમ થઈ ગઈ હતી

ગત 28 ફેબ્રુઆરીના રોજ મોટા જાંબુડા ગામમાં રહેતા હસુમતી વસાવા (45) ખેતરમાં ઘાસ કાપવા માટે ગયા હતા. જે બાદ સાંજ સુધી તેઓ પરત ના ફરતા પરિવારજનોએ શોધખોળ હાથ ધરી હતી. જો કે હસુમતીની કોઈ ભાળ ના મળતા આખરે પોલીસને જાણ કરવામાં આવી હતી.

જો કે ગઈકાલે મોટા જાંબુડા ગામની સીમમાં આવેલા ઝવેરી ફાર્મના પાછળના ભાગે પાણીની નીકમાં પ્લાસ્ટિકની બોરીમાં બાંધીને મહિલાની લાશ દફનાવેલી હાલતમાં મળી આવી હતી. આ બાબતે સ્થાનિકોએ જાણ કરતાં પોલીસ કાફલો દોડી આવ્યો હતો. પોલીસે ખોદકામ કરીને લાશ બહાર કાઢી હતી.

પોલીસની પ્રાથમિક તપાસમાં અજાણ્યા ઈસમોએ હસુમતી વસાવે દુપટ્ટા વડે ગળે ટૂંપો આપીને મોતને ઘાટ ઉતારી દીધા હતા. જે બાદ પુરાવાનો નાશ કરવા માટે મૃતદેહને પ્લાસ્ટિકની કોથળીમાં બાંધીને ખેતરના પાછળની નીકમાં દફનાવી દીધો હોવાનું અનુમાન છે. હાલ તો પોલીસે અજાણ્યા હત્યારા વિરુદ્ધ ગુનો દાખલ કરીને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપ્યો છે.

આ સાથે જ મહિલાની હત્યા પાછળ વ્યક્તિગત અદાવત, પરિવારજનો સાથેનો વિવાદ કે અન્ય કોઈ કારણ છે કે નહીં તે દિશામાં પણ પોલીસ તપાસ કરી રહી છે. પોલીસે આસપાસના વિસ્તારમાં પૂછપરછ શરૂ કરી શંકાસ્પદ લોકો અંગે માહિતી એકત્રિત કરવાની કાર્યવાહી હાથ ધરી છે.