Bharuch News: ભરૂચના દહેગામ પાસેથી પસાર થઇ રહેલા દિલ્હી-મુંબઇ એક્સ્પ્રેસ હાઇવે પર અકસ્માતનો બનાવ બન્યો છે. આજે સવારે ટેન્કર અને ટ્રેલર વચ્ચે ટક્કર થઇ હતી. અકસ્માત બાદ ટેન્કરચાલક કેબિનમાં ફસાઇ ગયો હતો. બનાવની જાણ થતાં પોલીસ પહોંચી હતી. રેસ્ક્યૂ ટીમ દ્વારા કેબિન ચીરીને ફસાયેલા ચાલકને ભારે જહેમત બાદ બહાર કાઢ્યો હતો. બનાવના પગલે થોડો સમય ટ્રાફિકજામ સર્જાયો હતો. જેને પોલીસે પૂર્વરત કર્યો હતો અને બનાવ અંગે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બનાવની પ્રાપ્ત વિગત અનુસાર, ભરૂચના દહેગામ પાસે દિલ્હી-મુંબઇ એક્સ્પ્રેસ હાઇવે પરથી પસાર થઇ રહેલા ટેન્કર અને ટ્રેલર સામ-સામે અથડાયા હતા. ટક્કર એટલી ભીષણ હતી કે ટેન્કરના આગળના ભાગના ફૂરચા બોલી ગયા હતા. અકસ્માતની આ ઘટનામાં કેબિનના પતરા અને સ્ટેરિંગ વચ્ચે ચાલક ફસાઇ ગયો હતો. અકસ્માત થયો હોવાની જાણ થતાં આસપાસના લોકો અને ત્યાંથી પસાર થઇ રહેલા રાહદારીઓએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી.
બનાવની જાણ થતાં પોલીસ પહોંચી હતી. રેસ્ક્યૂ ટીમ દ્વારા કેબિનમાં ફસાયેલા ચાલકને પતરા ચીરીને ભારે જહેમત બાદ બહાર કાંઢ્યો હતો. અકસ્માતના આ બનાવમાં ઇજાગ્રસ્ત થયેલા બે લોકોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. બનાવ અંગે નોંધ કરી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. અકસ્માતના બનાવના પગલે એક્સ્પ્રેસ હાઇવે પર ટ્રાફિકજામની સ્થિતિ ઉભી થઇ હતી. વાહનોની લાંબી કતારો લાગી હતી. પોલીસે ક્રેનની મદદથી અકસ્માતનો ભોગ બનેલા વાહનોને દૂર કરીને ટ્રાફિક પૂર્વવત કરવાની કામગીરી હાથ ધરી હતી.
