Loading...

Morbi News: હળવદમાં ભાણેજની છેડતીનો વિરોધ કરતા મામાની હત્યા, 3 મહિલા સહિત 6 શખ્સો સામે પોલીસ ફરિયાદ

મોરબી જિલ્લાના હળવદ શહેરમાં હત્યાની ઘટના સામે આવતા પંથકમાં ચકચાર મચી જવા પામી છે.

By: Jignesh ParmarEdited By: Jignesh Parmar Publish Date: Wed 25 Mar 2026 03:31 PM (IST)Updated: Wed 25 Mar 2026 03:31 PM (IST)
morbi-accused-killed-maternal-uncle-while-protesting-against-nieces-molestation-in-halvad-715134
HIGHLIGHTS
  • મૃતક વ્યક્તિએ ભાણેજની છેડતીનો વિરોધ કરતા મામલો બિચકાયો
  • આરોપીઓએ ભોગ બનનારને જાનથી મારી નાખવાની ધમકી આપી
  • ઘાતક હથિયારો વડે આરોપીઓએ વ્યક્તિની હત્યા કર્યાનો આક્ષેપ

Morbi: મોરબી જિલ્લાના હળવદ શહેરમાં હત્યાની ઘટના સામે આવતા પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ત્યારે મળતી માહિતી મુજબ હળવદ શહેરના બસ સ્ટેન્ડ નજીક રહેતા અને સેન્ટિંગ કામ તેમજ પાન-ફાકીની નાની દુકાન ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા 44 વર્ષીય કાળુભાઈ મોહનભાઈ પરમાર નામના આધેડની કરપીણ હત્યા કરી દેવાઈ છે. આ ઘટનામાં હળવદ પોલીસે હત્યાની કલમનો ઉમેરો કરવામાં આવ્યો હતો.

છેડતીનો વિરોધ કરતા ધમકી આપી

ઘટના અંગે મળતી વિગતો મુજબ, મૃતક કાળુભાઈની દુકાન પાસે આરોપી નટવરના ભાઈના દીકરા વિશાલ શૈલેષ પરમારે તેમની સગીર ભાણેજનો હાથ પકડી લીધો હતો. આ છેડતીની ઘટનાનો મૃતક કાળુભાઈએ વિરોધ કરતા બંને પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. તેમજ આ મામલે ફરિયાદ પણ કરી હતી. જે તે સમયે આરોપી નટવરે ’હાલ મારા ઘરે પ્રસંગ છે, તે પૂરો થઈ જવા દે’ તેમ કહીને કાળુભાઈને જાનથી મારી નાખવાની ખુલ્લી ધમકી આપી હતી.

આરોપીઓએ ઘાતક હુમલો કર્યો

ઘરનો સામાજિક પ્રસંગ પૂર્ણ થતાની સાથે જ પૂર્વ આયોજિત કાવતરાના ભાગરુપે આરોપી નટવર નાનજીભાઈ પરમાર, આશિષ નટવરભાઈ, દિપક નટવર, હંસાબેન નટવર, લતાબેન નટવરભાઈ અને રવિ નટવરભાઈ સહિતના શખ્સોએ ટોળું વળીને કાળુભાઈ પર હુમલો કરી દીધો હતો. તમામ આરોપીઓએ ધોકા અને લોખંડના પાઈપ જેવા ઘાતક હથિયારોથી કાળુભાઈ પર હુમલો કરી દીધો હતો. જેથી ભોગ બનનારને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી.

હુમલામાં ભોગ બનનારની પત્ની ઈજાગ્રસ્ત થઈ

આ હુમલામાં કાળુભાઈને બચાવવા વચ્ચે પડેલા તેમના પત્ની રતનબેનને પણ ઇજાઓ પહોંચી હતી. ગંભીર રીતે ઈજાગ્રસ્ત કાળુભાઈને તાત્કાલિક ધોરણે હળવદ અને વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન ટૂંકી માંદગી બાદ મોત નિપજ્યું હતું, જેથી આ બનાવ હત્યામાં પલટાયો છે.

7 સંતાનોએ પિતાનું છત્ર ગુમાવ્યું

મૃતક કાળુભાઈના પરિવાર વિશે જાણીએ તો, તેઓ છ ભાઈઓ અને ત્રણ બહેનોના પરિવારમાં સૌથી નાના હતા. તેમને સંતાનમાં બે દીકરા અને પાંચ દીકરીઓ છે, જેમના માથા પરથી પિતાનું છત્ર છીનવાઈ જતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. કાળુભાઈ મહેનત-મજૂરી કરીને અને ઘર પાસે નાની દુકાન ચલાવીને પોતાના પરિવારનું ભરણપોષણ કરતા હતા. એક સામાન્ય બોલાચાલી અને છેડતીનો વિરોધ કરવા બદલ એક નિર્દોષ વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવવો પડ્યો છે, જેને પગલે સ્થાનિકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. આ ઘટના બાદ મૃતકના પરિવારજનોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો.

પરિવારે ન્યાયની માંગણી કરી

રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે એકઠા થયેલા પરિવારે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, જ્યાં સુધી તમામ મુખ્ય આરોપીઓની ધરપકડ કરવામાં નહીં આવે, ત્યાં સુધી તેઓ મૃતદેહનો સ્વીકાર કરશે નહીં. પરિવારની માગ છે કે, આરોપીઓને કડકમાં કડક સજા થાય. ઘટનાની ગંભીરતાને જોતાં પોલીસ કાફલો પણ હોસ્પિટલ દોડી ગયો હતો અને પરિવારને સમજાવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. પોલીસે આ મામલે ગુનો નોંધીને ફરાર આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે અને પરિસ્થિતિ વધુ વણસે નહીં તે માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

સામાપક્ષની પોલીસ ફરિયાદ

સામે પક્ષે આરોપી નટવર નાનજી પરમાર જ્યારે મોટર સાઈકલ પરથી પસાર થઈ રહ્યા હતા.ત્યારે જયેશ કાળુભાઈ પરમાર અને તેના પિતા કાળુભાઈ મોહનભાઈએ જાહેર રસ્તા પર પથ્થર મારો કર્યો હતો. તેમજ હુમલા દરમિયાન નટવર પરમારને ઢીકાપાટુનો માર માર્યો હતો. તેમજ જયેશ કાળુભાઈ પરમારે નટવર પરમારના માથે ધોકા વડે ઈજાઓ પહોંચાવી હોવાનો આક્ષેપ લગાવ્યો હતો.તેમજ મોટર સાઈકલ સળગાવી દીધું હતું. આંગળીમાં ફ્રેક્ચર થયું અને ચાર ટાંકા આવ્યા હતા. તેમજ 8,000નું નુકસાન થયું હતું.આ મામલે હળવદ પોલીસે જયેશ પરમાર, કાળુભાઈ પરમાર અને રતનબેન પરમાર વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી હતી.