Morbi: ઈરાન અને ઇઝરાયલ યુદ્ધ બાદ સમગ્ર મિડલ ઇસ્ટના દેશોમાં યુદ્ધ જેવો માહોલ સર્જાયો છે, જેને પગલે માલસામાનની અવરજવર પ્રભાવિત થઇ રહી છે. ક્રૂડ અને ગેસના શિપની અવરજવર પ્રભાવિત થતા સિરામિક ઉદ્યોગ ચિંતિત છે, તો રો મટીરીયલ્સના શિપ્સને પણ અસર પહોંચી છે. જેના પગલે મોરબીના પેપરમિલ ઉદ્યોગ માથે પણ સંકટના વાદળો ઘેરાયા છે.
મોરબીમાં પેપરમિલ ઉદ્યોગના નાના મોટા 52 એકમો કાર્યરત છે અને પ્રતિદિન એક યુનિટને 100 ટન જેટલા રો મટીરીયલ્સનો વપરાશ રહે છે. મોરબી પેપર મિલ ઉદ્યોગમાં 5 થી 6 હાજર ટન રો મટીરીયલ્સની જરૂરત રહે છે, જે પૈકી આશરે 70 ટકા જેટલું રો મટીરીયલ્સ વિદેશથી આયાત કરવામાં આવે છે.
જો કે યુદ્ધની સ્થિતિને પગલે પ્રતિ ટન 2000 ડોલર જેટલો સંભવિત ભાવવધારો આવે તો 40 થી 50 ટકા જેટલો ભાવવધારો રો મટીરીયલ્સમાં જોવા મળી શેકે છે. એટલું જ નહિ કોલસાનો ભાવ જે અગાઉ 5000 થી 5500 આસપાસ હતો, તેમાં પણ 1000 રૂપિયાથી વધુનો વધારો થઇ ચુક્યો છે અને કોસ્ટિંગ 20 ટકા જેટલું વધી ગયું છે.
આ અંગે પેપરમિલ એસોસિએશનના પ્રમુખ શૈલેષભાઈ પટેલે માહિતી આપતા જણાવ્યું હતું કે, મોરબી પેપર મિલમાં તૈયાર થતો માલ સિરામિક એકમોમાં વપરાય છે અને સિરામિક ઉદ્યોગ બંધ થાય તો પેપરમિલ ઉદ્યોગ બંધ કરવો પડે. એટલું જ નહિ રો મટીરીયલ્સ અને કોલસાના અસહ્ય ભાવવધારા તેમજ અનિશ્ચિત સપ્લાયને પગલે પણ પેપરમિલ એકમો બંધ કરવાની નોબત આવી શકે છે. હાલ સ્થિતિ સ્પષ્ટ નથી સિરામિક ઉદ્યોગના નિર્ણય બાદ મિટિંગ કરી આગળનો નિર્ણય લેવામાં આવશે.

યુદ્ધ લાંબુ ખેંચાય તો તો 90 ટકા સિરામિક ઉદ્યોગોને તાળા (Morbi Ceramic Industry)
મોરબી સિરામિક એકમો બંધ થવાનું શરુ થઇ ચૂક્યું છે. આગામી દિવસોમાં 90 ટકા યુનિટો બંધ કરવા પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. મોરબી સિરામિક એસો પ્રમુખ મનોજભાઈ એરવાડિયાએ જણાવ્યું હતું કે, યુદ્ધને પગલે ગલ્ફ દેશોમાંથી આવતો ગેસ સપ્લાય અટકી ગયો છે. ગુજરાત ગેસ પાસે પણ થોડો પૂરવઠો બચ્યો છે.
આજે ઉદ્યોગકારો સાથે મિટિંગમાં 15 થી વધુ ફેકટરીઓએ શટડાઉન કર્યાની માહિતી મળી છે અને આગામી દિવસોમાં અન્ય એકમો પણ બંધ થશે. પ્રોપેન ગેસ વપરાશ કરનાર 60 ટકા સિરામિક એકમો પાસે 1-2 દિવસ ચાલે તેટલો પૂરવઠો છે અને પ્રોપેન સપ્લાય સદંતર બંધ છે. આથી 1-2 દિવસમાં વધુ એકમો બંધ થશે.
