Morbi: દુનિયાના બીજા સૌથી મોટા સિરામિક હબ તરીકે જાણીતા મોરબીના ઉદ્યોગો પર હવે વૈશ્વિક યુદ્ધની સીધી અને માઠી અસર જોવા મળી રહી છે.
ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલા સંઘર્ષના કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે ગેસ સપ્લાય ચેઈન પ્રભાવિત થઈ છે, જેના પગલે ગેસના ભાવમાં તોતિંગ વધારો ઝીંકાયો છે. આ આર્થિક બોજ સહન ન કરી શકતા મોરબીના સેંકડો સિરામિક એકમોમાં અત્યારે 'તાળાબંધી' જેવી સ્થિતિ સર્જાઈ છે.
મોરબીમાં સિરામિક ઉદ્યોગ એ શહેરની આર્થિક જીવાદોરી છે. જો કે છેલ્લા કેટલાક દિવસોથી અહીંના કારખાનાઓ એક પછી એક બંધ થઈ રહ્યા છે.
સિરામિક ઉત્પાદનમાં ઈંધણ તરીકે વપરાતા પ્રોપેન અને નેચરલ ગેસના ભાવ આસમાને પહોંચ્યા છે. ઉદ્યોગકારોનું કહેવું છે કે, મોંઘા ભાવનો ગેસ વાપરીને ટાઈલ્સ બનાવવી હવે પરવડે તેમ નથી. આ અનિશ્ચિતતાને કારણે અનેક મોટા પ્લાન્ટ્સ પણ હાલ બંધ થવાની અણી પર છે.
મોરબીના અંદાજે 600થી વધુ એકમોમાંથી 300થી વધુ ફેક્ટરીઓ હાલ બંધ હાલતમાં છે. આ સ્થિતિની સૌથી ગંભીર અસર અહીં કામ કરતા પરપ્રાંતિય શ્રમિકો પર પડી છે. ઉત્તર પ્રદેશ, બિહાર, રાજસ્થાન અને ઓડિશાથી આવેલા હજારો શ્રમિકો રાતોરાત બેરોજગાર બન્યા છે.
