મહેસાણાના વિજાપુરમાં 22 વર્ષીય યુવાનની ઘાતકી હત્યા, મિત્ર ગંભીર રીતે ઘાયલ

મહેસાણાના વિજાપુર તાલુકાના મણીપુરા ગામમાં 22 વર્ષીય યુવાન અમિત સલાટની અજાણ્યા શખ્સોએ ઘાતકી હત્યા કરી. તેને બચાવવા ગયેલો મિત્ર નિકુંજ મિસ્ત્રી પણ ગંભીર રીતે ઘાયલ થયો અને સારવાર હેઠળ છે.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Sat, 20 Jun 2026 11:32 AM (IST)Updated: Sat, 20 Jun 2026 11:32 AM (IST)
mehsana-youth-brutally-murdered-in-vijapur-friend-injured

Mehsana News: મહેસાણા જિલ્લામાં હત્યાનો સિલસિલો યથાવત્ત હોય તેમ લાગી રહ્યું છે. વિજાપુર તાલુકાના મણીપુરા ગામમાં કેટલાક અજાણ્યા ઈસમોએ 22 વર્ષીય યુવાનની ઘાતકી હત્યા કરી દીધી છે. યુવાનની નિર્મમ હત્યાથી પંથકમાં ભારે તણાવનો માહોલ સર્જાયો છે. આ મામલે પોલીસે ઘટના સ્થળે પહોંચીને હત્યારાઓને ઝડપી લેવા માટે કાર્યવાહી હાથ ધરી છે.

યુવાનને ઘેરીને હુમલો કર્યો

મળતી વિગત મુજબ, મણીપુરા ગામ નજીક યુવક પસાર થઈ રહ્યો હતો. તેવામાં કેટલાક અજાણ્યા ઇસમો હથિયારો લઈને યુવકને ઘેરી લીધો હતો. જૂની અદાવત કે અન્ય કોઈ કારણોસર યુવકને હુમલાખોરોએ જીવલેણ ઘા ઝીંકી દેતાં યુવાન ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. હુમલાખોરોના જીવલેણ હુમલાથી યુવકને બચવાનો મોકો પણ ન મળ્યો અને તેણે ઘટનાસ્થળ પર જ પોતાનો દમ તોડી દીધો હતો.

હુમલાખોરોએ ઘાતકી હુમલો કર્યો

જ્યારે હુમલામાં યુવકને બચાવવા માટે તેનો મિત્ર વચ્ચે પડતાં હુમલાખોરોએ તેના પર હુમલો કરી દીધો હતો. આ ભયાનક હુમલામાં યુવકના મિત્રને પણ ગંભીર ઈજાઓ પહોંચી હતી. મૃત્યુ પામેલા યુવાનની ઓળખ 22 વર્ષીય અમિત સલાટ તરીકે કરાઈ છે . જ્યારે તેને બચાવવા માટે વચ્ચે પડેલા મિત્રનું નામ નિકુંજ મિસ્ત્રી ઉર્ફે ગબ્બર છે. તેવું જાણવા મળ્યું છે.

યુવકને બચાવવા જતા મિત્ર ઈજાગ્રસ્ત થયો

યુવાનનો મિત્ર નિકુંજ ગંભીર રીતે ઘાયલ થતાં તેને તાત્કાલિક નજીકના સારવાર કેન્દ્રમાં ખસેડવામાં આવ્યો. જે બાદ વધુ સારવાર અર્થે ગાંધીનગર મોકલાયો છે. આ ગંભીર ઘટનાની જાણ થતાં વિજાપુર પોલીસ ઘટનાસ્થળે આવી પહોચી હતી. પોલીસે યુવકના મૃતદેહને કબ્જે કરીને પીએમ માટે મોકલ્યો. તેમજ હુમલાખોરો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.