Mehsana: મૈત્રીકરાર કરનાર યુવકનું ઈડરની હોસ્પિટલમાંથી અપહરણ, નપુંસક બનાવવાના ઈરાદે બળજબરીથી કેળનો રસ પીવડાવ્યો

મહેસાણાના યુવકનું મૈત્રીકરારના કારણે ઈડરની હોસ્પિટલમાંથી અપહરણ કરી બનાસકાંઠા લઈ જઈ મુંડન કરાયું. તેને નપુંસક બનાવવા કેળનો રસ પીવડાવી માર મારવામાં આવ્યો, જે અંગે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sun, 21 Jun 2026 04:52 PM (IST)Updated: Sun, 21 Jun 2026 04:52 PM (IST)
mehsana-news-youth-abducted-from-ider-hospital-over-maitri-karar

Mehsana: મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકાના સુદાસણા ગામના યુવકનું મૈત્રીકરારની અદાવતમાં અપહરણ કરીને મુંડન કરવામાં આવ્યું હોવાનો બનાવ સામે આવ્યો છે.

આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, સતલાસણા તાલુકાના સુદાસણા ગામના યુવકે ગત ઓગસ્ટ 2025માં એક યુવતી સાથે મૈત્રીકરાર કર્યાં હતા. જે બાદ યુવક અને યુવતી બન્ને સુરતમાં સાથે રહેતા હતા. 

 જો કે ગત 28 મેના રોજ યુવક અને યુવતી પિતરાઈ બહેનને મળવા માટે ઈડરની હોસ્પિટલમાં આવ્યા હતા. આ દરમિયાન અચાનક 2 મહિલાઓ અને 9 શખ્સો ધસી આવ્યા હતા અને યુવકનું અપહરણ કરીને બનાસકાંઠાના ભલગામ લઈ ગયા હતા.

જ્યાં યુવકને દોરડા વડે બાંધીને ઢોરમાર મારવામાં આવ્યો હતો. આટલું જ નહીં, યુવકનું મુંડન કરીને તેને નપુંસક બનાવવાના ઈરાદે કેળનો રસ પીવડાવી દીધો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત યુવકના ખિસ્સામાંથી રોકડા રૂપિયા, મોબાઈલ સહિત અગત્યના નંબરો લખેલી ડાયરી લઈ લીધી હતી.

આ મામલે ભોગ બનનારે યુવકે સાબરકાંઠા એસ.પી ઉપરાંત ઈડર પોલીસ મથકમાં ન્યાય માટે લેખિત રજૂઆત કરી છે. જેમાં તેણે વડગામ તાલુકાના ભલગામમાં રહેતા 2 મહિલા સહિત 11 જણા વિરુદ્ધ આક્ષેપો સાથેની લેખિત ફરિયાદ આપી છે.