Mehsana News: મહેસાણા જિલ્લાના વિસનગરમાં તાજેતરમાં એક આત્મહત્યાનો બનાવ સામે આવ્યો હતો. આ બનાવમાં પોલીસ તપાસ દરમિયાન ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. 14 જૂનના રોજ બનેલી ગળાફાંસો ખાઇ મોતની ઘટનામાં પીએમ રિપોર્ટમાં યુવકની ગળુ દબાવીને હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. હત્યા થયાનું સામે આવતા પોલીસે ગુનાનો ભેદ ઉકેલી મૃતકની માતાની ધરપકડ કરી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
બનાવની પ્રાપ્ત વિગત અનુસાર, વિસનગરમાં આવેલા મહેસાણા રોડ પર મા રેસીડેન્સીમાં 14 જૂનના રોજ 25 વર્ષીય પ્રિન્સ પટેલનું પોતાના બેડરૂમમાં મોત નીપજ્યું હતું. પ્રાથમિક ધોરણે પરિવારજનોએ જણાવ્યું હતું કે, તેણે ગળાફાંસો ખાઇ આપઘાત કર્યો હતો. પોલીસે પણ અકસ્માતે મોતનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી હતી. બનાવના પાંચ દિવસ બાદ પીએમ રિપોર્ટ આવ્યો હતો. જેમાં પ્રિન્સનું મોત ગળાફાંસો નહીં પરંતુ ગળું દબાવી શ્વાસ રુંધાવાના કારણે થયું હોવાનું સામે આવ્યું હતું.
પીએમ રિપોર્ટના આધારે પોલીસે ફરિયાદી બની અજાણ્યા શખ્સો વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કર્યો હતો અને એ દિશામાં પોતાની તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન પરિવારજનોની પણ પૂછપરછ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે, બનાવ બન્યો એ સમયે પ્રિન્સ પટેલ અને તેની માતા પ્રવિણાબેન હર્ષદ પટેલ જ ઘરમાં હાજર હતા. જેથી પોલીસને પ્રથમ દૃષ્ટિએ માતા પ્રવિણાબેન પર શંકા ગઇ હતી. શંકાના આધારે પોલીસે તેમની પૂછપરછ શરૂ કરી હતી.
પોલીસ દ્વારા સઘન પૂછપરછ કરવામાં આવતા પ્રવિણાબેને કબૂલ્યું હતું કે તેમણે જ પુત્ર પ્રિન્સની હત્યા કરી છે. પ્રિન્સ માનસિક તણાવમાં રહેતો હતો અને બનાવ બન્યો એ દિવસે પણ તેણે આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જે દરમિયાન માતા પ્રવિણાબેને સાડીથી તેનું ગળું દબાવી દીધું હતું. માતાએ હત્યા કર્યાની કબૂલાત કરતા પોલીસે તેમની ધરપકડ કરીને આગળીની કાર્યવાહી હાથ ધરી છે. તપાસ દરમિયાન પોલીસને જાણવા મળ્યું હતું કે, પ્રિન્સે અમદાવાદ અને વિસનગરમાં અગાઉ અલગ-અલગ વ્યવસાય શરૂ કર્યો હતો. જેમાં તેને ભારે આર્થિક નુકસાન પહોંચ્યું હતું.
વ્યવસાય શરૂ કરવા માટે તેણે લોન લીધી હતી જેના કારણે આર્થિક સંકટ ઉભુ થયું હતું અને ઉભા થયેલા આર્થિક સંકટના કારણે પ્રિન્સ સતત તણાવમાં રહેવા લાગ્યો હતો. છેલ્લા કેટલાક સમયથી તે કોઇ કામ કરતો ન હતો. પિતા હર્ષદ દ્વારા પણ તેને સતત સમજાવવમાં આવતો હતો.
