Mehsana News: સમાજમાં વધતા જતા ખોટા ખર્ચ અને કુરિવાજોને ડામવા માટે ગઢવાડા-દાંતારી રબારી સમાજે નવા નિયમો અમલી બનાવ્યા છે. ઈશ્વરભાઈ હડોલ અને લીલાભાઈ હડોલ સહિતના અગ્રણીઓની હાજરીમાં લેવાયેલા આ નિર્ણયોનું ઉલ્લંઘન કરનાર સામે કડક કાર્યવાહીની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.
ગઢવાડા-દાંતારી રબારી સમાજ દ્વારા અમલમાં મૂકવામાં આવેલા નવા બંધારણના નિયમો લાઇન પ્રમાણે નીચે મુજબ છે:
લગ્ન પ્રસંગના નિયમો:
- મામેરું ઓછામાં ઓછું ₹51,000 અને વધુમાં વધુ ₹2.51 લાખ સુધી જ કરવું.
- મામાની જુલની રકમ ₹25,000 થી ₹51,000 સુધી રોકડમાં જ કરવી.
- સામે પક્ષે કોઈ પણ પ્રકારની ઓઢામણી લેવી કે આપવી નહીં.
- મામેરામાં કાપડની ઓઢામણીની પ્રથા સંપૂર્ણ બંધ કરવી.
- બહેન-બનેવીએ કાપડની ઓઢામણી લાવવી અને બહેનોએ સમાજને શોભે તેવા કપડાં પહેરવા.
- પ્રસંગમાં ચૂડો ફરજિયાત પહેરવો, પરંતુ તે ગળી વગરનો હોવો જોઈએ.
- ડી.જે. (D.J.) અને વરઘોડો કાઢવા પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે.
- તોરણ પુખવા માટે માત્ર ઊંટની છૂટ રહેશે, પણ તોરણ પર કાપડ લટકાવવું નહીં.
- જાનમાં સમાજ સિવાયની અન્ય વ્યક્તિઓને લઈ જવી નહીં.
- દરેક પ્રસંગને સંપૂર્ણપણે નશામુક્ત રાખવો.
- જમણવારમાં મીઠાઈ સાથે સાદો જમણવાર જ રાખવો.
- સગપણ (વેવિશાળ) વખતે માત્ર ₹1 અને શ્રીફળ આપવું, કોઈ પણ દાગીનો લઈ જવો નહીં.
- મરણ પ્રસંગ હોય ત્યારે લગ્ન કરવા નહીં અને બાળ લગ્ન પર પણ પ્રતિબંધ છે.
- કંકુ-ચોખાથી જ આમંત્રણ આપવું, માત્ર 5 પત્રિકા છપાવવી અને વોટ્સએપ આમંત્રણને માન્ય રાખવું.
- કોઈપણ પ્રસંગમાં વીડિયોગ્રાફી કરાવવી નહીં.
- લગ્ન પ્રસંગમાં ફટાકડા ફોડવા નહીં.
- ચોરી (મંડપ) એકદમ સાદી રાખવી.
- ઓણા (આણું) વખતે ઓઢામણી રોકડમાં જ કરવી.
- લગ્નમાં જાનડીઓ (સ્ત્રીઓ) ને લઈ જવી નહીં.
- ડી.જે. કે વરઘોડો રાખનાર સામે સમાજ દંડ સહિતની કડક કાર્યવાહી કરશે.
મરણ પ્રસંગના નિયમો:
- મરણ વખતે માત્ર નજીકના સગા-સંબંધીઓને જ ફોન દ્વારા જાણ કરવી.
- બારમાના દિવસે માત્ર એક જ લોકાચાર રાખવો અને સુવાળું ગામ-પરિવારની રીતે પતાવવું.
- મરણ પ્રસંગમાં સોગની ઓરણી આપવી નહીં.
- કુવાસીઓને રોકડમાં જ ઓઢામણી કરવી.
- જમણવારમાં શીરો, ખીચડી, કઢી, રોટલી, શાક અને છાશ જેવો સાદો ખોરાક રાખવો.
- મરણ પ્રસંગે અફીણ, ડોડા કે અન્ય કોઈ પણ નશાનો ત્યાગ કરવો.
છૂટાછેડા પ્રસંગના નિયમો:
- જો કુવારું સગપણ (વેવિશાળ) તૂટે તો ₹5 લાખ વળતર પેટે લેવા.
- પરણેલા દંપતીના છૂટાછેડા થાય તો ₹11 લાખ લેવા.
- જો બાળકો સાથે છૂટાછેડા થાય તો ₹21 લાખ વળતર પેટે લેવા-આપવા.
- ગઢવાડા-દાંતારી પરગણામાંથી છૂટું થયેલું સગપણ ફરીથી કરવા માટે આ બંને પરગણા છોડીને અન્યત્ર કરવું.
