Loading...

મહેસાણાના પાટણવાડા ગજ્જર સુથાર સમાજની 'દૈનિક લગ્ન યોજના', ઓછા ખર્ચમાં મનગમતા મુહૂર્તમાં કરી શકાશે લગ્ન

પહેલા સમૂહ લગ્નમાં વરઘોડિયાને એક જ તારીખે લગ્ન કરવા માટે લાંબી રાહ જોવી પડતી હતી. હવે ‘દૈનિક લગ્ન યોજના’માં મુહૂર્ત વરઘોડિયાનું અને લગ્ન સમાજ કરી આપશે.

By: Rakesh ShuklaEdited By: Rakesh Shukla Publish Date: Fri 30 Jan 2026 12:04 PM (IST)Updated: Fri 30 Jan 2026 12:04 PM (IST)
mehsana-suthar-community-introduces-daily-wedding-scheme-big-weddings-at-rs-31000-682312

Mehsana News: મહેસાણાના પાટણવાડા ગજ્જર સુથાર સમાજે લગ્ન પ્રસંગોમાં થતા બિનજરૂરી ખર્ચાઓ અટકાવવા અને પરિવારોને આર્થિક ભારણમાંથી મુક્ત કરવા માટે એક અનોખી પહેલ કરી છે. સમાજે પરંપરાગત સમૂહ લગ્નને બદલે 'દૈનિક લગ્ન યોજના' અમલમાં મૂકી છે, જે અંતર્ગત વર-કન્યા પક્ષ વર્ષના કોઈપણ દિવસે પોતાના મનપસંદ મુહૂર્તમાં લગ્ન કરી શકે છે.

આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય મધ્યમ વર્ગના પરિવારોને રાહત આપવાનો અને લગ્નની પ્રક્રિયાને વધુ સુગમ બનાવવાનો છે. પાટણ ગજ્જરવાળા સમાજ મહેસાણાના પ્રમુખ દિનેશ સુથારે આ અંગે માહિતી આપતા જણાવ્યું કે, “પહેલા સમૂહ લગ્નમાં વરઘોડિયાને એક જ તારીખે લગ્ન કરવા માટે લાંબી રાહ જોવી પડતી હતી. હવે ‘દૈનિક લગ્ન યોજના’માં મુહૂર્ત વરઘોડિયાનું અને લગ્ન સમાજ કરી આપશે, જેથી રાહ જોવાની જરૂર રહેશે નહીં.” તેમણે ઉમેર્યું કે, સમૂહલગ્નમાં થતા વધુ પડતા ખર્ચ અને તકલીફોને ધ્યાનમાં રાખીને આ નવી યોજના શરૂ કરવામાં આવી છે.

ગત વર્ષે 6 વરઘોડિયાના સમૂહ લગ્ન માટે વીસ લાખથી વધુનો ખર્ચ થયો હતો. તેની સામે આ નવી દૈનિક યોજનામાં તેટલા જ લગ્ન માત્ર 2 લાખ રૂપિયાના નજીવા ખર્ચમાં સંપન્ન થઈ શકે છે, જે સમાજ માટે મોટી બચત દર્શાવે છે. આ યોજના હેઠળ દાતાઓ પાસેથી 31 હજાર રૂપિયા જેવી નજીવી રકમ લઈને સમાજ લગ્નનો તમામ ખર્ચ અને વ્યવસ્થા સંભાળે છે.

આ યોજના ખાસ કરીને વિદેશમાં અભ્યાસ કરતા કે રહેતા યુવક-યુવતીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે. સમાજના કારોબારી સભ્ય જશવંત સુથારના જણાવ્યા અનુસાર, વિદેશથી આવતા યુવાનો પાસે વેકેશનનો સમય મર્યાદિત હોય છે, ત્યારે તેઓ સમૂહ લગ્નની નિશ્ચિત તારીખની રાહ જોયા વિના પોતાના અનુકૂળ સમયે લગ્ન કરી શકે છે. આ પદ્ધતિથી લગ્ન કરવા છતાં પરિવારને પોતાના અંગત પ્રસંગ જેવો જ અનુભવ અને માન-સન્માન મળે છે.

તાજેતરમાં આ યોજનાનો લાભ લેનાર એક કન્યાના પિતા જયેશ સુથારે સંતોષ વ્યક્ત કરતા જણાવ્યું કે, “અહીં ભીડભાડ વગર ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવે છે. ઘરઆંગણે લગ્ન થતા હોય તેવો જ અહેસાસ થાય છે અને સમાજનો સહકાર પણ પ્રશંસનીય રહે છે.” અત્યાર સુધીમાં 4 યુગલો આ યોજના હેઠળ લગ્નગ્રંથિથી જોડાઈ ચૂક્યા છે. મહેસાણાના પાટણવાડા ગજ્જર સુથાર સમાજની આ નવીન પહેલ આજે અન્ય સમાજો માટે પણ એક પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડી રહી છે.