Loading...

Weather update: મહીસાગર જિલ્લામાં ભરશિયાળે કમોસમી વરસાદ, ખેડૂતોની ચિંતા વધી

આજે વહેલી સવારે વાતાવરણમાં અચાનક પલટો આવ્યા બાદ વચ્ચે કમોસમી વરસાદ વરસતા ખેડૂતોની ચિંતા વધી છે.

By: Purvalak DabhiEdited By: Purvalak Dabhi Publish Date: Sat 31 Jan 2026 02:18 PM (IST)Updated: Sat 31 Jan 2026 02:18 PM (IST)
unseasonal-rains-in-mahisagar-district-in-mid-winter-farmers-concerns-high-682980
HIGHLIGHTS
  • મહિસાગર જિલ્લામાં કમોસમી વરસાદ ખાબક્યો
  • અચાનક આવેલા વરસાદે ખેડૂતોની ચિંતા વધારી
  • ખેડૂતોના ઉભા પાકને નુકસાન થવાની ભીતિ વધી

Mahisagar unseasonal rain: આજે વહેલી સવારથી જ મહીસાગર જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો હતો. શિયાળાના સમયગાળામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે કમોસમી વરસાદ વરસતા ખેડૂતોની ચિંતા વધી છે. ખાસ કરીને ખાનપુર તાલુકાના છૂટાછવાયા વિસ્તારોમાં હળવા વરસાદી ઝાપટા પડ્યા હતા. નોંધનીય છે કે, મહિસાગર જિલ્લામાં આ સમયે ઘઉં, ચણા અને રાઈ સહિતના રવિ પાકો ઉભા છે.

હળવા ઝાપટા શરૂ થતા વાતાવરણમાં ભેજ વધ્યો

પ્રાપ્ત માહિતી અનુસાર, વહેલી સવારથી જ ઠંડા પવન સાથે આકાશમાં ઘેરા વાદળો છવાઈ ગયા હતા. થોડા સમય બાદ હળવા ઝાપટા શરૂ થતા વાતાવરણમાં ભેજ વધી ગયો હતો. જો કે વરસાદ વધુ સમય સુધી રહ્યો નહોતો, અને થોડા સમય પછી બંધ થઈ ગયો હતો. જેના કારણે રોડ-રસ્તાઓ ભીંજાયા હતા, અને સવારના સમયે અવરજવર કરતા લોકો માટે અસુવિધા સર્જાઈ હતી.

ઉભા પાકને નુકસાન થવાની ભીતિ 

મહિસાગર જિલ્લામાં આ સમયે ઘઉં, ચણા અને રાઈ સહિતના રવિ પાકો ઉભા છે. આવા સમયે કમોસમી વરસાદ પડવાથી પાકને નુકસાન થવાની શક્યતા રહે છે. ખાસ કરીને જો વરસાદની માત્રા વધે તો પાકમાં રોગચાળો ફેલાવાની ભીતિ ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે. આ ઉપરાંત બાગાયતી પાકો, શાકભાજી અને ઘાસચારાને પણ અસર થવાનો ભય છે, જેના કારણે પશુપાલકો પણ ચિંતિત બન્યા છે.

હવામાનમાં થતા અણધાર્યા ફેરફારો જોખમી

ખેડૂતોનું કહેવું છે કે છેલ્લા કેટલાક વર્ષોથી હવામાનમાં થતા અણધાર્યા ફેરફારોના કારણે ખેતી વ્યવસાય જોખમભર્યો બનતો જઈ રહ્યો છે. ક્યારેક અતિવૃષ્ટિ તો ક્યારેક અચાનક કમોસમી વરસાદ ખેતી પર ભારે અસર કરે છે. મહીસાગર જિલ્લામાં વરસાદ બંધ થઈ ગયો હોવા છતાં હજુ પણ વાતાવરણ બદલાયેલું રહેતા ખેડૂતોના માથે ચિંતાના વાદળો ઘેરાયેલા છે.

હવામાન વિભાગની આગાહી પર સૌની નજર

હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં વાતાવરણ અંગે આગાહી પર સૌની નજર છે. જો ફરી વરસાદી ઝાપટાં પડ્યા તો નુકસાનની શક્યતા વધે તેવી આશંકા ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે. હાલ તો જિલ્લાના ખેડૂતોએ ભગવાન ભરોસે પાક બચી રહે તેવી આશા રાખી છે અને આકાશ તરફ મંડરાતા વાદળો તરફ ચિંતાભરી નજરે જોઈ રહ્યા છે. અચાનક આવેલા વરસાદે ખેડૂતોની ચિંતા વધારી દીધી છે.