Mahisagar: મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા શહેરની મધ્યમાં આવેલા શ્રદ્ધાના કેન્દ્ર સમાન કાલિકા માતાના ડુંગર પર આજે અચાનક ભીષણ આગ ફાટી નીકળતા સમગ્ર પંથકમાં દોડધામ મચી ગઈ હતી. ડુંગરના તળેટી વિસ્તારમાંથી શરૂ થયેલી આ આગ જોતજોતામાં ડુંગરની ટોચ પર આવેલા મંદિર સુધી પહોંચી ગઈ હતી, જેના કારણે સ્થાનિક રહીશો અને ભક્તોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું.
આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર, લુણાવાડા શહેરના હાર્દ સમાન આ ડુંગરના નીચલા ભાગમાં અગમ્ય કારણોસર આગ લાગી હતી. હાલ ઉનાળાની શરૂઆત અને સૂકા ઘાસચારાને કારણે આગને પ્રસરાવવામાં સાનુકૂળતા મળી હતી. તેમજ પવનની તેજ ગતિને કારણે લપેટો ઝડપથી ડુંગરના ઉપરના ભાગ તરફ વધી હતી. જોતજોતામાં આખો ડુંગર આગની ઝપેટમાં આવી ગયો હતો અને આકાશમાં ધુમાડાના ગોટેગોટા દેખાયા હતા.
આ પણ વાંચો
આ ઘટનાની જાણ થતા જ સ્થાનિક લોકો મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા અને તાત્કાલિક લુણાવાડા ફાયર બ્રિગેડને જાણ કરી હતી. આ બનાવની ગંભીરતાને જોતા ફાયર ફાઈટર્સની ટીમ અને વન વિભાગનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.
ડુંગરના ઢોળાવ અને પથરાળ રસ્તાઓને કારણે ફાયર ટેન્ડરોને ઉપર સુધી લઈ જવામાં ભારે મુશ્કેલી પડી રહી છે, છતાં જવાનો દ્વારા પાણીનો મારો ચલાવી અને 'ફાયર બીટર' ની મદદથી આગને કાબૂમાં લેવાના સઘન પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.
આ ભીષણ આગને કારણે ડુંગર પર રહેલી વનસ્પતિ અને અનેક કિંમતી વૃક્ષો બળીને ખાખ થઈ ગયા છે. ડુંગર પર વસવાટ કરતા પક્ષીઓ અને નાના વન્યજીવો માટે પણ આ સ્થિતિ જોખમી સાબિત થઈ છે. સદનસીબે, હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી, પરંતુ મંદિર પરિસરની આસપાસ આગ પહોંચતા તેને સુરક્ષિત રાખવા માટે વન વિભાગ દ્વારા વિશેષ તકેદારી રાખવામાં આવી રહી છે.
