Loading...

બાલાસિનોરમાં 'લૂંટેરી દુલ્હન'નો આતંક, લગ્નના નામે ₹2.50 લાખ પડાવી પત્ની રફુચક્કર, પોલીસ ફરિયાદ

મહિસાગરના બાલાસિનોરમાં યુવક સાથે લગ્ન કરીને છેતરપિંડી આચરીને 2.50 લાખ લઈને નાસી ગઈ છે.જેને લઈને યુવકે પોલીસમાં 3 સામે ફરિયાદ નોંધી છે.

By: Jignesh ParmarEdited By: Jignesh Parmar Publish Date: Sat 04 Apr 2026 11:16 AM (IST)Updated: Sat 04 Apr 2026 11:21 AM (IST)
mahisagar-balasinor-looteri-dulhan-marriage-fraud-young-man-cheated-girl-fled-with-2-50-lakh-721383

Mahisagar News: મહીસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકાના બાવલા ગામે એક લગ્નવાંછુક યુવક સાથે લાખો રૂપિયાની છેતરપિંડી થઈ હોવાની ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. રિવાજોનું બહાનું કાઢી પિયર ગયેલી નવવધૂ પરત ન આવતા અને સાસરી પક્ષે ધમકીઓ આપતા અંતે છેતરાયેલા યુવકે પોલીસના દ્વાર ખખડાવ્યા છે.

લગ્ન કરાવવાના બહાને ₹2.50 લાખની માંગણી

મળતી માહિતી મુજબ, બાવલા ગામના રહેવાસી રંગીતભાઈ અમરાભાઈ પરમારના અગાઉ છૂટાછેડા થઈ ગયા હોવાથી તેઓ પુનઃલગ્ન કરવા ઈચ્છતા હતા. આ દરમિયાન ગામના જ ભાથીભાઈ પરમારે તેમને લગ્ન કરાવી આપવાની લાલચ આપી હતી. ભાથીભાઈએ શરત મૂકી હતી કે, લગ્ન માટે છોકરીના પરિવારને ₹2.50 લાખ રોકડા આપવા પડશે. ઘર વસાવવાની લ્હાયમાં પીડિત રંગીતભાઈએ આ આકરી શરત મંજૂર રાખી હતી.

વિધિવત લગ્ન અને દોઢ માસનો સંસાર

ગત 1લી ડિસેમ્બર, 2025ના રોજ ભાથીભાઈ, દશરથભાઈ અને ગીતાબેન ચૌહાણ નામની વ્યક્તિઓ રાજસ્થાનની રેણુકા નામની યુવતીને લઈને આવ્યા હતા. રંગીતભાઈના પરિવારે કન્યા પસંદ કરતા નક્કી થયા મુજબ રોકડ રકમ ચૂકવી દેવામાં આવી હતી. ત્યારબાદ સામાજિક રીત-રિવાજ મુજબ ફૂલહારની વિધિ સાથે લગ્ન સંપન્ન થયા હતા. લગ્ન બાદ રેણુકા દોઢ મહિના સુધી સાસરીમાં રહી હતી. જેથી કોઈને શંકા ગઈ નહોતી.

'પગ ફેરા'ના નામે ખેલાયો ખેલ

લગ્નનો થોડો સમય વીત્યા બાદ દશરથભાઈએ 'વરતા પગલા' (પગફેરા)ના રિવાજનું બહાનું કાઢ્યું હતું. તેઓ રેણુકાને બે-ત્રણ દિવસ માટે પિયર તેડી જવાનું કહીને લઈ ગયા હતા. જોકે, દિવસો વીતવા છતાં રેણુકા પરત ન આવતા રંગીતભાઈએ તપાસ કરી હતી. સાસરી પક્ષ દ્વારા વારંવાર ગલ્લાતલ્લા કરવામાં આવતા અને છેલ્લે યુવકને જ ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપવામાં આવતા રંગીતભાઈને પોતે છેતરાયા હોવાનો અહેસાસ થયો હતો.

ત્રણ શખ્સો સામે પોલીસ ફરિયાદ

કોઈ રસ્તો ન જણાતા રંગીતભાઈએ 'લૂંટરી દુલ્હન' રેણુકા સહિત વચેટિયાઓ ભાથીભાઈ, દશરથભાઈ અને ગીતાબેન સામે બાલાસિનોર તાલુકા પોલીસ મથકે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ મામલે ગુનો નોંધીને આંતરરાજ્ય છેતરપિંડી કરતી ટોળકીની કડીઓ મેળવવા તપાસ તેજ કરી છે. આ ઘટનાએ પંથકમાં ચર્ચા જગાવી છે અને લગ્ન ઈચ્છુક યુવાનોને સાવચેત રહેવા લાલબત્તી ધરી છે.