મહીસાગરમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી: અસહ્ય ઉકળાટ વચ્ચે વહેલી ધોધમાર વરસાદ

Mahisagar Rain: ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલી કાળઝાળ ગરમી અને અસહ્ય ઉકળાટ વચ્ચે આજે હવામાનમાં અચાનક મોટો પલટો આવ્યો છે.

By: Gujarati JagranEdited By:Gujarati JagranPublish Date: Sat, 30 May 2026 04:32 PM (IST)Updated: Sat, 30 May 2026 04:32 PM (IST)
pre-monsoon-rain-in-mahisagar-weather-forecast-6-day

Mahisagar Rain: ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલી કાળઝાળ ગરમી અને અસહ્ય ઉકળાટ વચ્ચે આજે હવામાનમાં અચાનક મોટો પલટો આવ્યો છે. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહીના પગલે આજે (30 મેના રોજ) વહેલી સવારથી જ મહીસાગર જિલ્લામાં ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો અને આકાશ કાળાડિબાંગ વાદળોથી ઘેરાઈ ગયું હતું. ત્યારબાદ જિલ્લાના વિવિધ ભાગોમાં ધોધમાર કમોસમી વરસાદ ખાબક્યો હતો. મેઘરાજાના આ ધમાકેદાર આગમનને પગલે ગરમીથી ત્રસ્ત નાગરિકોને મોટી રાહત મળી છે અને સમગ્ર પંથકમાં એકાએક ઠંડક પ્રસરી ગઈ છે.

લુણાવાડા સહિત ગ્રામીણ વિસ્તારોમાં વરસાદી માહોલ

મહીસાગર જિલ્લા મથક લુણાવાડા શહેર સહિત સમગ્ર જિલ્લાભરમાં આજે સવારથી જ પ્રકૃતિનો મિજાજ બદલાયેલો જોવા મળ્યો હતો. લુણાવાડા શહેર ઉપરાંત તેના ગ્રામીણ વિસ્તારોમાં વરસાદની ધીમી ધારે શરૂઆત થઈ હતી. આ ઉપરાંત જિલ્લાના અન્ય તાલુકાઓ જેવા કે વીરપુર, ખાનપુર, સંતરામપુર અને કડાણા (ગોધર) પંથકમાં પણ સવારથી જ ભારે વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું. સંતરામપુર, ગોધર અને ચુથાના મુવાડા ગામે ગાજવીજ સાથે વરસાદી ઝાપટાં પડતાં માર્ગો પાણી-પાણી થઈ ગયા હતા.

ખેડૂતોમાં આનંદ સાથે ચિંતાનો માહોલ

લાંબા સમયના અસહ્ય ઉકળાટ બાદ વરસાદી માહોલ જામતાં સામાન્ય નાગરિકો અને ધરતીપુત્રોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે. જોકે, આ કમોસમી વરસાદને કારણે ખેતી પાકને નુકસાન ન થાય તે માટે ખેડૂતો ચિંતિત પણ છે.

હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 6 દિવસ સુધી સમગ્ર રાજ્યમાં ભારે પવન, વાવાઝોડું અને ગાજવીજ સાથે તોફાની વાતાવરણ રહેવાની શક્યતા છે. પવનની ગતિ તેજ રહેવાના કારણે વહીવટી તંત્ર દ્વારા પણ સાવચેતીના પગલાં લેવામાં આવી રહ્યા છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ખેડૂતોને પોતાના ખેતરમાં રહેલા ઊભા પાક, કાપણી કરેલા અનાજ અને પશુઓના ઘાસચારાને તાત્કાલિક ધોરણે સુરક્ષિત સ્થળે અથવા ગોડાઉનમાં ખસેડી લેવા માટે ખાસ અપીલ કરવામાં આવી છે, જેથી સંભવિત આર્થિક નુકસાનથી બચી શકાય.