Mahisagar Dhanvantari Ayurveda College: મહીસાગર જિલ્લાની કોયડમ ખાતે આવેલી ધનવંતરી આયુર્વેદ કોલેજ અને હોસ્પિટલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે રાજ્ય સરકારે રાહતરૂપ નિર્ણય લીધો છે. આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરીયાના જણાવ્યા અનુસાર, આ કોલેજના કુલ 188 વિદ્યાર્થીઓનું શૈક્ષણિક વર્ષ ન બગડે અને તેમનો અભ્યાસ ચાલુ રહી શકે તે હેતુથી, તેમને અન્ય આયુર્વેદ કોલેજોમાં ટ્રાન્સફર કરવામાં આવશે.
સપ્ટેમ્બર, 2025 થી બંધ પડેલી આયુર્વેદ કોલેજ
આપને જણાવી દઈએ કે, મહીસાગર જિલ્લાની ધનવંતરી કોલેજ સપ્ટેમ્બર, 2025 થી સંપૂર્ણપણે બંધ હાલતમાં છે. આ અંગે વિદ્યાર્થીઓની વિવિધ ફરિયાદો અને રજૂઆતો મળ્યા બાદ, રાજ્ય સરકાર દ્વારા ત્રણ નિરીક્ષકોની એક વિશેષ સમિતિની રચના કરીને તપાસ સોંપવામાં આવી હતી.
આ તપાસ દરમિયાન સમગ્ર હકીકત સામે આવતા સમિતિએ વિદ્યાર્થીઓના વ્યાપક હિતમાં તેમને અન્ય કોલેજોમાં ટ્રાન્સફર કરવાની સ્પષ્ટ ભલામણ કરી હતી. બાદમાં આ અંગેની દરખાસ્ત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ રજૂ કરવામાં આવી છે. જે બાદ 188 વિદ્યાર્થીને અન્ય માન્યતા પ્રાપ્ત સ્વનિર્ભર (Self-finance) આયુર્વેદ કોલેજોમાં ટ્રાન્સફર કરવા આદેશ કર્યો છે.
કેન્દ્રની મંજૂરી: 'સુપરન્યુમરી' બેઠકો પર પ્રવેશ
આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું કે, રાજ્ય સરકારની સક્રિય રજૂઆતને પગલે ભારતીય ચિકિત્સા પદ્ધતિ રાષ્ટ્રીય આયોગ (NCISM) તેમજ ભારત સરકારના આયુષ મંત્રાલય દ્વારા મોટો નિર્ણય લેવાયો છે. આ 188 વિદ્યાર્થીઓનો અભ્યાસ પૂર્ણ થાય ત્યાં સુધી તેમને અલગ-અલગ સેલ્ફ-ફાઇનાન્સ કોલેજોમાં વિશેષ 'સુપરન્યુમરી' બેઠકો મંજૂર કરીને પ્રવેશ આપવામાં આવશે.
વિવિધ કોલેજોમાં પ્રવેશના નિયમો અને ફી
આ સંપૂર્ણ ટ્રાન્સફર પ્રક્રિયા ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી (જામનગર), નિયામક આયુષની કચેરી અને ACPMEC ના પરામર્શમાં કડક નિયમોને આધીન રહેશે.
- મેરીટ આધારિત ફાળવણી: વિદ્યાર્થીઓને સંબંધિત વર્ષના મેરીટ અથવા ઓલ ઇન્ડિયા NEET રેન્કના ધોરણે જ બેઠકોની ફાળવણી કરાશે.
- કોઈ વધારાની ફી નહીં: ટ્રાન્સફર પામેલા વિદ્યાર્થીઓએ નવી સંસ્થા ખાતે પણ મૂળ ધનવંતરી આયુર્વેદ કોલેજની નિયત ફી જ ભરવાની રહેશે. નવી સંસ્થા પણ મૂળ ફીના ધોરણ મુજબ જ શિક્ષણ આપશે.
- હાજરી અને ઇન્ટર્નશિપ: કોલેજ લાંબા સમયથી બંધ હોવાને કારણે વિદ્યાર્થીઓની હાજરીની ક્ષતિ (Shortage of Attendance) તેમજ ચોથા વર્ષના પાસ વિદ્યાર્થીઓની ઇન્ટર્નશિપ અંગેના જરૂરી નિર્ણય ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી, જામનગર દ્વારા લેવામાં આવશે.
ધનવંતરી આયુર્વેદ કોલેજનું જોડાણ રદ થશે
વિદ્યાર્થીઓને રાહત આપવાની સાથે જ વહીવટી તંત્ર દ્વારા કડક કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે. નિયમોના ઉલ્લંઘન બદલ ધનવંતરી આયુર્વેદ કોલેજનું એફિલેશન (જોડાણ) રદ કરવાની વહીવટી પ્રક્રિયા ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી દ્વારા હાથ ધરવામાં આવશે.
આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ સ્પષ્ટ સૂચના આપી કે, કોઈપણ સંજોગોમાં જે વિદ્યાર્થીઓ ડિબાર્ડ થયેલા છે કે જેમનો પ્રવેશ રદ થવા પાત્ર છે, તેમને ટ્રાન્સફર કરવામાં આવશે નહીં. આ સમગ્ર પ્રક્રિયા 'ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી એક્ટ, 2021' અને 'રેગ્યુલેશન્સ, 2024' ના કાયદાકીય દાયરામાં પૂર્ણ કરવાની જવાબદારી આરોગ્ય વિભાગની રહેશે.
