Mahisagar News: મહિસાગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને પગલે દારુબંધીના કડક અમલ માટે પોલીસે તેજ કાર્યવાહી કરી છે. ત્યારે તે દરમિયાન સંતરામપુર પોલીસને મળેલી બાતમીને આધારે સંતરામપુરના ભમરે કુંડા પાસે એક આઇશર ગાડીમાંથી લાખોની કિંમતનો ભારતીય બનાવટનો વિદેશી દારુ ઝડપી લીધો છે.
પોલીસે દારુ ભરેલી આઇશર ઝડપી
મળતી વિગતો મુજબ, સંતરામપુર પોલીસને બાતમી મળી હતી કે, રાજસ્થાનથી મોટા પ્રમાણમાં દારુનો જથ્થો ગુજરાતમાં ઘુસાડવામાં આવી રહ્યો છે. જેને પગલે પોલીસે ભમરે કુંડા પાસે નાકાબંધી કરીને વાહનોની તપાસ હાથ ધરી હતી. ત્યારે શંકાસ્પદ હાલતમાં નીકળેલી આઈશર ગાડીને તપાસતા વિદેશી દારુનો માતબર જથ્થો જોઈને પોલીસ ચોંકી ગઈ હતી.
પોલીસે લાખોની કિંમતનો દારુ જપ્ત કર્યો
ગાડીની અંદરથી પોલીસને દારુની નાની મોટી બોટલ અને બીયરના ટીન મળીને કુલ 17,090 નંગ જથ્થો મળી આવ્યો હતો. ગાડીમાંથી ઝડપાયેલા દારુની બજાર કિંમત રુ 43, 78,397 જેટલી થાય છે. પોલીસે 15 લાખની કિમતની આઈશર ગાડી અને મોબાઈલ મળીને કુલ રુપિયા 58,81,391નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. જ્યારે પોલીસે આઈશર ચાલકને ઝડપીને આગવી ઢબે પૂછપરછ કરતા ઘણી ચોંકાવનારી બાબતો સામે આવી હતી.
ડ્રાઈવરની અટકાયત કરીને પૂછપરછ
ઝડપાયેલા આરોપી ડ્રાઈવરે કબૂલ્યું કે, તેને આ દારુનો જથ્થો અમદાવાદ હાઈવ પર પહોચાડવાનો હતો. ત્યાં કોઈ વ્યક્તિને મળીને ઉભું રહેવા અંગેનો નિર્દેશ આપવામાં આવ્યો હતો. ચૂંટણીના માહોલ વચ્ચે મોટા પ્રમાણમાં દારુનો જથ્થો અમદાવાદમાં ઘૂસાડવાનો હોવાની બાતમી મળતા પોલીસ તંત્ર સતર્ક બન્યું છે.
ભમરે કુંડા પાસે મળેલા દારુના જથ્થાને કબ્જે કરીને સંતરામપુર પોલીસે આ મામલે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. તેમજ અમદાવાદ હાઈવે પર કોણે દારુ મંગાવ્યો હતો. તેની પાછળ મુખ્ય આરોપી કોણ છે. તેમની દિશામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
