Mahisagar: મહીસાગર જિલ્લામાં પ્રોહિબિશન સામે પોલીસ દ્વારા વધુ એક મોટી અને અસરકારક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બાલાસિનોર ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં મહીસાગર એલસીબી (LCB) ટીમે ઘાસના ભૂસા ભરેલા મીણીયા થેલાઓની આડમાં છુપાવીને લઈ જવામાં આવતો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે.
આ કાર્યવાહીમાં કુલ 14,688 નંગ વિદેશી દારૂની બોટલો જપ્ત કરવામાં આવી છે, જેની અંદાજિત કિંમત રૂ. 97 લાખ 40 હજાર 615 થાય છે. દારૂ, ટ્રક અને અન્ય મુદ્દામાલ સહિત કુલ રૂ. 1 કરોડ 12 લાખ 46 હજાર 615નો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો છે.
પંચમહાલ ગોધરા રેન્જના આઈ.જી. આર.વી. અસારી તેમજ મહીસાગર જિલ્લા પોલીસ વડા સફીન હસન દ્વારા જિલ્લામાં પ્રોહિબિશન સહિત અસામાજિક પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી કરવા સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવી હતી. આ સૂચનાઓના અનુસંધાને એલસીબી પીઆઈ એમ.કે. ખાંટના માર્ગદર્શન હેઠળ ટીમ સતત ચેકિંગ અને તપાસ કામગીરી ચલાવી રહી છે.
આ દરમિયાન મહીસાગર એલસીબી ટીમના આસિસ્ટન્ટ કોન્સ્ટેબલ ભરતભાઈને ચોક્કસ બાતમી મળી હતી કે, એક અશોક લેલન ટ્રકમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો મોટો જથ્થો ભરી ગોધરાથી અમદાવાદ તરફ લઈ જવામાં આવી રહ્યો છે.
આ બાતમીના આધારે એલસીબી ટીમે ઇન્દોર–અમદાવાદ હાઇવે પર બાલાસિનોર નજીક સમરસ હોટલ પાસે વોચ ગોઠવી હતી. આ દરમિયાન બાતમીવાળો ટ્રક આવતા તેને રોકી તપાસ હાથ ધરવામાં આવી હતી.
ટ્રકની તલાશી દરમિયાન ઘાસના ભૂસા ભરેલા મીણીયા થેલાઓની આડમાં વિદેશી દારૂની પેટીઓ છુપાવવામાં આવી હોવાનું ખુલ્યું હતું. બાદમાં ટ્રકને પોલીસ જાપ્તા સાથે બાલાસીનોર ટાઉન પોલીસ સ્ટેશન ખાતે લાવી વધુ તપાસ કરવામાં આવી.
આ કાર્યવાહીમાં મધ્ય પ્રદેશના ધાર જિલ્લાના સાગોર તાલુકાના દિગઠાન ગામના રહેવાસી શકીલખાન લિયાકત હુસેન ખાનની ધરપકડ કરવામાં આવી છે. આરોપી સામે બાલાસિનોર ટાઉન પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનનો ગુનો નોંધી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ અંગે DySP કમલેશ વસાવાએ જણાવ્યું હતું કે દારૂ ઇન્દોરથી લાવવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે અને તે ક્યાં પહોંચાડવાનો હતો તેમજ આ ગેરકાયદે હેરાફેરીમાં સંડોવાયેલા અન્ય ઇસમોની પણ તપાસ ચાલુ છે.
