Loading...

લૂંટેરી દુલ્હન: લુણાવાડાની મહિલાએ 1-2 નહીં પણ 5 વાર કર્યા લગ્ન, દરેક પતિ સામે ભરણપોષણ માંગીને મચાવી લૂંટ

આ મહિલાની મોડસ ઓપરેન્ડી અત્યંત વ્યવસ્થિત હતી. પોતે વકીલ હોવા છતાં, તે મેટ્રિમોનિયલ સાઇટ્સ (જીવનસાથી પસંદગી એપ્લિકેશન) પર પોતાની ઓળખ 'ગૃહિણી' તરીકે આપતી હતી.

By: Mukesh JoshiEdited By: Mukesh Joshi Publish Date: Wed 17 Dec 2025 11:38 AM (IST)Updated: Wed 17 Dec 2025 11:38 AM (IST)
mahisagar-news-lunawada-woman-married-5-times-demanded-maintenance-and-committed-robbery-656916

Mahisagar News: લગ્નના પવિત્ર સંબંધને કમાણીનું સાધન બનાવનારી એક મહિલાની ચોંકાવનારી કરતૂત સામે આવી છે. મૂળ લુણાવાડાની અને વ્યવસાયે વકીલ એવી આ મહિલાએ અત્યાર સુધીમાં અલગ-અલગ જિલ્લાના પાંચ પુરુષો સાથે લગ્ન કર્યા અને માત્ર એકાદ વર્ષમાં ઝઘડો કરી તમામ પાસે ભરણપોષણની માંગણી કરી છે. હાલ આ મહિલા સામે અમદાવાદની કોર્ટમાં વિશ્વાસઘાત અને છેતરપિંડીનો કેસ પેન્ડિંગ છે.

જીવનસાથી એપ્લિકેશન દ્વારા ફસાવતી હતી શિકાર

આ મહિલાની મોડસ ઓપરેન્ડી અત્યંત વ્યવસ્થિત હતી. પોતે વકીલ હોવા છતાં, તે મેટ્રિમોનિયલ સાઇટ્સ (જીવનસાથી પસંદગી એપ્લિકેશન) પર પોતાની ઓળખ 'ગૃહિણી' તરીકે આપતી હતી. તે ખાસ કરીને એવા પુરુષોની પસંદગી કરતી હતી જેમનો પરિવાર મોટો ન હોય. લગ્ન બાદ થોડા જ સમયમાં તે ઘરેલું હિંસા અને દહેજ જેવા ગંભીર આક્ષેપો કરી પતિ વિરુદ્ધ કોર્ટમાં ભરણપોષણની અરજી કરતી હતી.

આ રીતે ફૂટ્યો પાંચ લગ્નનો ભાંડો

મહિલાએ અત્યાર સુધી લુણાવાડા, વડોદરા, સુરેન્દ્રનગર અને સુરતમાં લગ્ન કર્યા છે. હાલ તે અમદાવાદના એક વ્યક્તિ સાથે રિલેશનશિપમાં હતી, તે દરમિયાન તેણે ફરીથી મેટ્રિમોનિયલ સાઇટ પર "બે સંતાનો સાથે સ્વીકારી શકે તેવા પાત્ર" માટે જાહેરાત આપી હતી. આ જાહેરાત તેના વર્તમાન બોયફ્રેન્ડના જોવામાં આવતા તેણે તપાસ શરૂ કરી. તપાસ દરમિયાન તેને ખબર પડી કે અન્ય એક પુરુષ પણ આ મહિલાના સંપર્કમાં છે. આ બંને પીડિતોએ ભેગા મળીને મહિલાના ભૂતકાળની તપાસ કરી ત્યારે તેના પાંચ લગ્નનો ભયાનક સત્ય બહાર આવ્યું હતું.

સંતાનોના ભરણપોષણ માટે પણ ત્રણ પતિઓ પર કેસ

આ મહિલાને લગ્ન જીવનથી બે સંતાનો છે. આશ્ચર્યની વાત એ છે કે, તેણે આ બંને સંતાનોના ભરણપોષણ માટે પણ ત્રણ અલગ-અલગ પતિઓ પાસેથી નાણાં માંગતી અરજીઓ કરી છે. તે કાયદાની જાણકાર હોવાથી કાયદાનો જ ડર બતાવીને પુરુષો પાસેથી પૈસા પડાવતી હતી. હાલ તેના પાંચેય પતિઓ સામેના કેસ અલગ-અલગ જિલ્લાની કોર્ટમાં ચાલી રહ્યા છે.

અમદાવાદના બે જાગૃત પુરુષોએ હવે આ મહિલાના પૂર્વ પતિઓનો સંપર્ક સાધ્યો છે. તેઓ આગામી સમયમાં આ મામલે બાર કાઉન્સિલ અને કોર્ટમાં પુરાવા સાથે ફરિયાદ કરવાની તૈયારી કરી રહ્યા છે. આ કેસની આગામી સુનાવણી જાન્યુઆરી માસમાં હાથ ધરવામાં આવશે.