Mahisagar: મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં સંબંધો અને ઉંમરની મર્યાદા ભૂલીને એક 70 વર્ષીય વૃદ્ધે પશુતા દાખવી હોવાની ચોંકાવનારી વિગતો પ્રકાશમાં આવી છે. માનસિક રીતે અસ્વસ્થ એવી 26 વર્ષીય યુવતીની લાચારીનો લાભ ઉઠાવી વૃદ્ધે તેની સાથે દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ નોંધાતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. લુણાવાડા પોલીસે આ મામલે ત્વરિત કાર્યવાહી કરી આરોપી વૃદ્ધને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.
આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, ભોગ બનનાર 26 વર્ષીય યુવતી જન્મજાત માનસિક રીતે અસ્વસ્થ છે અને પોતાના પરિવાર સાથે રહે છે. ઘટનાના દિવસે સાંજના સમયે આ યુવતી પોતાના ઘરની બહાર નીકળી હતી. આ દરમિયાન ગામમાં જ રહેતા અને પીડિતાના પરિવારથી પરિચિત એવા 70 વર્ષીય ભરત પટેલની દાનત બગડી હતી.
આરોપી ભરત પટેલે યુવતીની માનસિક સ્થિતિનો ગેરલાભ ઉઠાવી તેને લલચાવી-ફોસલાવીને પોતાના ઘરે બોલાવી હતી. ઘરમાં કોઈ હાજર ન હોવાથી એકલતાનો લાભ લઈ આ નરાધમ વૃદ્ધે યુવતી પર દુષ્કર્મ આચર્યું હતું.
પરિવારને જાણ થતા પોલીસ ફરિયાદ
જ્યારે યુવતી ઘરે પરત ફરી ત્યારે તેની તેના વર્તનમાં ફેરફાર જણાતા પૂછપરછમાં વૃદ્ધની કરતૂતનો ભાંડો ફૂટતા પરિવારજનો ચોંકી ઉઠ્યા હતા. જે બાદ પીડિતાની માતાએ હિંમત દાખવી સમગ્ર મામલે લુણાવાડા પોલીસમાં ભરત પટેલ વિરુદ્ધ નામજોગ ફરિયાદ નોંધાવી હતી.
આ ફરિયાદના આધારે લુણાવાડા પોલીસે એક્શનમાં આવી હતી. હાલ તો પોલીસે ભારતીય ન્યાય સંહિતાની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી ગણતરીના કલાકોમાં જ આરોપી ભરત જેઠાભાઇ પટેલની અટકાયત કરી લીધી છે.જ્યારે પીડિતાનું મેડિકલ પરીક્ષણ કરાવવાની તજવીજ હાથ ધરી છે. અત્યારે આરોપી સામે કડક કાયદાકીય પુરાવા એકત્રિત કરવામાં આવી રહ્યા છે. આ ઘટનાને પગલે ગ્રામ્ય વિસ્તારમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને સ્થાનિકો આરોપીને કડકમાં કડક સજા થાય તેવી માંગ કરી રહ્યા છે.
કામ પર જવાનું કહીને ઘરેથી નીકળેલા યુવકનો ઝાડ પર લટકતો મૃતદેહ મળ્યો
મૂળ ડભોઈ તાલુકાના કાયાવરોહણ ગામના વતની અને હાલ વડોદરા નજીક સુંદરપુરા સ્થિત 'રોઝડેલ કાઉન્ટી સોસાયટી'માં રહેતા કૌશિકકુમાર પટેલ ગઈકાલે સવારે કામ પર જવાનું કહીને ઘરેથી નીખ્યા બાદ તેની કોઈ પત્તો નહતો.
એવામાં સાંજે 4 વાગ્યાના સુમારે ઈંટોલા ગામના રોડ પર આવેલા ચીકુના વૃક્ષ સાથે દોરડું બાંધી ગળે ફાંસો ખાધેલી હાલતમાં તેનો મૃતદેહ મળી આવ્યો હતો. કૌશિકે ક્યાં કારણોસર અંતિમ પગલું ભર્યું, તે જાણવા પોલીસે તેના મોબાઈલની કોલ ડિટેલ્સ મેળવવા તેમજ પરિવારજનોના નિવેદન નોંધવાની કાર્યવાહી હાથ ધરી છે.
