Mahisagar: મહીસાગર જિલ્લાના બાલાસિનોરમાં એક યુવકની તેના જ મિત્ર દ્વારા હત્યા કરવામાં આવી હોવાની ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં નજીવી બાબતે યુવકની હત્યા કર્યા બાદ હત્યારા મિત્રએ પુરાવાનો નાશ કરવા માટે લાશને કેનાલમાં પધરાવી દીધી હતી.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, ગોધરામાં રહેતા લલ્લુ નામના યુવકની તેના મિત્ર શમશેરસિંહ સાથે નજીવી બાબતે બોલાચાલી થઈ હતી. આ બોલાચાલીનો ખાર રાખીને શમશેરસિંહે લલ્લુને પોતાના ઘરે બોલાવ્યો હતો. જ્યાં પોતાના અન્ય સાગરિતો સાથે મળીને લોખંડની પાઈપ અને મુક્કાઓ વડે ઢોરમાર મારતા લલ્લુનું ઘટના સ્થળે જ મોક નીપજ્યું હતુ.
લલ્લુની હત્યા બાદ પોલીસ પકડથી બચવા માટે પુરાવાનો નાશ કરવાના ઈરાદે આરોપીઓ લાશને સ્વિફ્ટ કારમાં મૂકીને ખેડા જિલ્લાના ઠાસરા નજીક પહોંચ્યા હતા, જ્યાં મેનપુરાની કેનાલમાં લાશ ફેંકી દીધી હતી.
ગત 6 એપ્રિલના રોજ કેનાલમાંથી અજાણ્યા યુવકની લાશ મળી આવતા પોલીસે તપાસ હાથ ધરી હતી. જેમાં ટેક્નિકલ સર્વેલન્સ અને હ્યુમન ઈન્ટેલિજન્સના આધારે મૃતકની ઓળખ થતા સમગ્ર હત્યાકાંડનો ભેદ ઉકેલાઈ ગયો હતો.
હાલ તો આ મામલે બાલાસિનોર પોલીસે મુખ્ય આરોપી શમશેરસિંહ સહિત 5 ઈસમો વિરુદ્ધ હત્યા અને પુરાવાનો નાશ કરવાની કલમો હેઠળ ગુનો નોંધીને 3 જણાને ઝડપી પાડ્યા છે. જ્યારે અન્ય 2 ફરાર આરોપીઓની ધરપકડ માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
