Mahisagar: કોઠંબા તળાવમાં મળેલા મૃતદેહ અંગે મોટો ખુલાસો, સગીર દીકરીએ જ રચ્યું કાવતરું; 6 શખ્સની ધરપકડ

આરોપી સગીરાના પ્રેમીએ મહિલાનું ગળું દબાવી હત્યા કરી.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Sat, 18 Apr 2026 09:41 AM (IST)Updated: Sat, 18 Apr 2026 09:41 AM (IST)
mahisagar-kothamba-murder-case-minor-daughter-killed-mother-with-lover
HIGHLIGHTS
  • કોઠંબાના તળાવમાં મળ્યો હતો મૃતદેહ  
  • સગીર દીકરીએ આપી માતાની સોપારી
  • પ્રેમીએ મહિલાનું ગળું દબાવી હત્યા કરી

Mahisagar Crime News: મહીસાગર જિલ્લાના કોઠંબા વિસ્તારમાં ત્રણ દિવસ અગાઉ તળાવમાંથી મળી આવેલા મહિલાના મૃતદેહના રહસ્ય પરથી પોલીસે પડદો ઊંચક્યો છે. જે ઘટના પ્રથમ દૃષ્ટિએ અકસ્માત લાગતી હતી, તે હકીકતમાં એક સુનિયોજિત અને ક્રૂર હત્યા હોવાનું બહાર આવ્યું છે. આશ્ચર્યની વાત એ છે કે, હત્યાનું કાવતરું મૃતકની સગીર દીકરીએ જ રચ્યું હતું.

હત્યા પાછળનું ચોંકાવનારું કારણ શું?

પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે, પંચમહાલ જિલ્લાના એક ગામમાં રહેતી મૃતક મહિલાની સગીર દીકરીને કમલેશ બારીયા નામના યુવક સાથે પ્રેમ સંબંધ હતો. પરંતુ, માતાએ દીકરીના લગ્ન અન્ય જગ્યાએ નક્કી કર્યા હતા, જે દીકરી અને તેના પ્રેમીને બિલકુલ મંજૂર નહોતું. પ્રેમી કમલેશે આ લગ્નમાં અવરોધ પણ ઊભો કર્યો હતો.

પ્રેમી સાથે મળી સગીરાએ રચ્યું કાવતરૂં

અંતે, પોતાની પસંદગીના યુવક સાથે લગ્ન કરવા માટે દીકરીએ પોતાની માતાને જ રસ્તામાંથી હટાવવાની ભયાનક યોજના બનાવી, અને તેમાં પ્રેમીને સામેલ કર્યો. આ ગુનાહિત કાવતરામાં કમલેશ અને તેના મિત્રો ઉપરાંત મૃતક મહિલાના પરિચિત જયેશ પટેલિયાએ પણ સાથ આપ્યો હતો, કારણ કે જયેશને પણ મહિલા સાથે વ્યક્તિગત અદાવત હતી.

ખેતરમાં બોલાવી ગળું દબાવી હત્યા

જયેશની મદદથી મહિલાને રાત્રિના સમયે બાજરીના એક ખેતરમાં બોલાવવામાં આવી હતી. ખેતરમાં એકઠા થયેલા આરોપીઓએ મહિલાની બુટની દોરી વડે ગળું ઘૂંટીને નિર્મમ હત્યા કરી નાખી હતી. હત્યા બાદ ગુનાને છુપાવવા અને અકસ્માતમાં ખપાવવા માટે, આરોપીઓ મૃતદેહને આશરે 18 કિમી દૂર લઈ ગયા, અને કમાલપુરના નાકા તળાવમાં ફેંકી દીધો હતો.

ગળા પરના નિશાનથી ફૂટ્યો ભાંડો

જ્યારે તળાવમાંથી મૃતદેહ મળ્યો ત્યારે ગળાના ભાગે ઈજાના નિશાન જોઈને પોલીસને શંકા ગઈ હતી. પંચમહાલ ગોધરા રેન્જ IG વિધી ચૌધરી અને મહીસાગર SP સફીન હસનની સૂચના હેઠળ કોઠંબા PI પી.આર. બલાત અને તેમની ટીમે તપાસ તેજ કરી હતી. ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી ગણતરીના દિવસોમાં જ આ ગુનાનો ભેદ ઉકેલાયો હતો.

કુલ 6 આરોપીની ધરપકડ થઈ

DySP કમલેશ વસાવાએ માહિતી આપી કે, આ કેસમાં અત્યાર સુધીમાં મુખ્ય સૂત્રધાર કમલેશ બારીયા, જયેશ પટેલિયા અને બે સગીર વયના કિશોરો સહિત કુલ 6 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આ ઘટના સમગ્ર સમાજ માટે લાલબત્તી સમાન છે, જ્યાં અંગત સ્વાર્થ અને આવેગમાં આવીને એક દીકરીએ પોતાની જન્મદાત્રી માતાની હત્યા જેવું જઘન્ય પગલું ભર્યું.