Loading...

Mahisagar: કૌટુંબિક ઝગડાનું વિકૃત રૂપ; નગ્ન થઈ યુવકે કર્યો પથ્થરમારો, એક યુવક ઘાયલ

આ હુમલામાં એક યુવકને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી, તેને સારવાર માટે દાહોદની ઝાયડસ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો.

By: Purvalak DabhiEdited By: Purvalak Dabhi Publish Date: Fri 30 Jan 2026 12:23 PM (IST)Updated: Fri 30 Jan 2026 03:54 PM (IST)
mahisagar-hirapur-village-naked-young-man-attacked-woman-dispute-over-land-682319
HIGHLIGHTS
  • યુવકે નગ્ન અવસ્થામાં કુટુંબીજનો પર કર્યો હુમલો
  • જમીનની જૂની અદાવતમાં થયો હતો કૌટુંબિક ઝઘડો
  • હુમલામાં ઇજાગ્રસ્ત થયેલ યુવક સારવાર અર્થે દાખલ

Mahisagar Crime News: મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકામાંથી મારામારીનો એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. હીરાપુર ગામે જમીનની જૂની અદાવતમાં થયેલા કૌટુંબિક ઝગડામાં લાજ-શરમના લીરેલીરા ઉડ્યા હતા. આ બનાવમાં એક યુવાનને ઇજા પહોંચી હતી. આ મામલે ચાર લોકો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

જમીનની બાબતે થયેલા ઝગડાનું વિકૃત રૂપ  

આ બનાવ અંગે મળતી વિગત અનુસાર હીરાપુર ગામે જમીનની જૂની અદાવતમાં કૌટુંબિક ઝઘડો થયો હતો. તેને બાદમાં વિકૃત રૂપ ધારણ કર્યું હતું. હીરાપુર ગામે રહેતા અક્ષયભાઈ ઈશ્વરભાઈ રાવળ અને તેમના કાકાના દીકરા વિષ્ણુભાઈ રમણભાઈ રાવળ વચ્ચે જમીન બાબતે જૂનો વિવાદ ચાલતો હતો.

નગ્ન અવસ્થામાં યુવક મહિલાઓ સામે દોડ્યો

ગત 28 જાન્યુઆરીના રોજ સવારે 7 વાગ્યાના અરસામાં વિષ્ણુ રાવળે અક્ષયભાઈના ઘર પાસે આવી બિભત્સ ગાળાગાળી શરૂ કરી હતી. લોકોએ તેને રોકવાનો પ્રયાસ કર્યો ત્યારે વિષ્ણુએ શરીર પરની પોતડી ઉતારી માથે બાંધી દીધી હતી. વધુમાં નગ્ન અવસ્થામાં જ મહિલાઓ સામે પથ્થર લઈ હુમલો કરવા દોડ્યો હતો.

એક યુવક ઈજાગ્રસ્ત, ચાર સામે ફરિયાદ નોંધાઈ

આ હુમલામાં અક્ષયભાઈને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. અક્ષયભાઈને લોહીલુહાણ હાલતમાં પ્રથમ સંતરામપુર અને ત્યારબાદ વધુ સારવાર માટે દાહોદની ઝાયડસ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો. સામાજિક મર્યાદાની તમામ હદો વટાવી યુવકે મહિલા પર સંપૂર્ણ નગ્ન અવસ્થામાં હુમલો કરતા સમગ્ર પંથકમાં ભારે રોષ ફેલાયો છે. બીજી તરફ આ મામલે ચાર લોકો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે.