Dahod News: આમ આદમી પાર્ટી દ્વારા તાજેતરમાં દાહોદ જિલ્લાના લીમખેડા ખાતે ભવ્ય ’વિજય વિશ્વાસ સભા’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ગુજરાતમાં મફત વીજળી, શિક્ષણ અને રોજગાર આપવાના વચનો આપ્યા હતા. તેમણે પંજાબ મોડેલનો ઉલ્લેખ કરી ખેડૂતોને મફત વીજળી અને પાકની તાત્કાલિક ચુકવણીની જાહેરાત સાથે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં સામાન્ય લોકોના સંતાનોને ટિકિટ આપવાની પણ ઘોષણા કરી હતી.
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલએ દાહોદના લિમખેડામાં યોજાયેલી સભામાં હાજર હજારો લોકો સમક્ષ પોતાની વાત રાખતાં કહ્યું કે, મનરેગામાં કામ કરતા ગરીબોના પૈસા પણ આ લોકોએ ખાઈ લીધા. અને જ્યારે અમારા ધારાસભ્ય ચૈતર વસાવાએ તેના વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો તો તેમને જેલમાં નાખી દીધા. જેણે ચોરી કરી તે મંત્રીને જેલમાં નાખ્યો નહીં કારણ કે તે ઉપર સુધી પૈસા પહોંચાડે છે. ક્લાર્કથી લઈને મંત્રી સુધી દરેક વ્યક્તિ પૈસા ખાઈ રહ્યા હતા પરંતુ કોઈને જેલ થઈ નહીં, પરંતુ અવાજ ઉઠાવનાર ચૈતરભાઈને 3 મહિના સુધી જેલમાં નાખી દીધા. તેઓ પોતાના પત્ની-બાળકો માટે જેલમાં ગયા નહોતા પરંતુ તેઓ તમારા માટે જેલમાં ગયા હતા.
અરવિંદ કેજરીવાલે કહ્યું કે, નળથી જળ યોજનામાં કરોડો રૂપિયાનું ફંડ આવતું હતું પરંતુ શું કોઈના ઘરમાં પાણી આવ્યું? પાણી પણ આવ્યું નહીં તેનો અર્થ એ છે કે આ લોકોએ તમારા બધા પૈસા ખાઈ લીધા. આવી કેટલીય યોજનાઓના પૈસા આવે છે અને તે પૈસા જનતા સુધી પહોંચતા નથી, તે બધા પૈસા આ લોકો ખાઈ જાય છે. તમારા મતથી આ લોકો ધારાસભ્ય બની જાય છે અને તેમના બાળકો વિદેશમાં અભ્યાસ કરે છે. જ્યારે તમારા બાળકો માટે સરકારી શાળા પણ નથી. જે સરકારી શાળાઓ છે તે પણ તૂટી પડેલી છે, શિક્ષકો આવતા નથી. આ લોકોએ તમારું જળ, જંગલ, જમીન છીનવી લીધી, તમને પોલીસ હેરાન કરે છે, ફોરેસ્ટ વિભાગના લોકો હેરાન કરે છે, આજે સૌથી વધુ FIR આદિવાસી લોકો સામે થાય છે.
આ પણ વાંચો

આગળ અરવિંદ કેજરીવાલે કહ્યું કે, પંજાબમાં પણ પહેલા આવી જ સ્થિતિ હતી. ત્યાં 5 વર્ષ કોંગ્રેસની સરકાર રહેતી હતી, 5 વર્ષ અકાલી દળની સરકાર રહેતી હતી અને આ બંને મળીને લોકોને લૂંટી રહ્યા હતા. જેના કારણે લોકો કંટાળી ગયા હતા અને પછી પંજાબમાં એક નવી પાર્ટી આવી, ઝાડૂવાળી આમ આદમી પાર્ટી. પછી લોકોએ ઝાડૂ ચલાવ્યુઅને જૂની પાર્ટીઓને ઉખેડીને ફેંકી દીધી. 2022ની ચૂંટણીમાં 117માંથી 92 સીટો આમ આદમી પાર્ટીને મળી. હું અહીં કોઈ ખોટા વચનો આપવા આવ્યો નથી પરંતુ હું એટલું જ કહેવા આવ્યો છું કે અમે પંજાબમાં શું કર્યું અને જે અમે પંજાબમાં કર્યું છે તે જ કામ અમે ગુજરાતમાં પણ કરી શકીએ છીએ. હું માત્ર એટલું કહું છું કે ફક્ત એક વખત આમ આદમી પાર્ટીને તક આપીને જુઓ.
વધુમાં અરવિંદ કેજરીવાલે કહ્યું કે, હું બીજી મહત્વપૂર્ણ વાત કરવા ઈચ્છું છું કે જો તમારા ઘરમાં કોઈ બીમાર થઈ જાય અને તમે સરકારી હોસ્પિટલમાં જાઓ તો ત્યાં સારવાર થતી નથી, ત્યાં મશીનો કામ કરતી નથી, ડોક્ટરો આવતા નથી, નર્સ સાંભળતી નથી, ટેસ્ટ થતા નથી અને સમગ્ર સરકારી હોસ્પિટલોની સ્થિતિ ખરાબ છે. આજે અમે પંજાબમાં દરેક પરિવાર માટે 10 લાખનું ઈન્શ્યોરન્સ કરી દીધું છે. જો કોઈને કેટલીય મોટી બીમારી થઈ જાય અને તે પ્રાઈવેટ હોસ્પિટલમાં પણ સારવાર કરાવે તો પણ 10 લાખ સુધીની સારવાર મફતમાં થઈ જાય છે. મારું કહેવું છે કે મુખ્યમંત્રી અને મંત્રીઓની સારવાર મફતમાં થાય છે તો ખેડૂતો, મજૂરો અને વેપારીઓની સારવાર પણ મફતમાં થવી જોઈએ. અમારા ખેડૂતો સૌથી વધારે કામ કરે છે તો સૌથી પહેલા ખેડૂતોની સારવાર મફતમાં થવી જોઈએ અને પછી મંત્રી અને મુખ્યમંત્રીની સારવાર થવી જોઈએ. જો તમે ઈચ્છો છો કે ગુજરાતમાં પણ આવું થવું જોઈએ તો તેના માટે આમ આદમી પાર્ટીની સરકાર લાવવી પડશે.
વધુમાં કેજરીવાલે ઉમેર્યું હતું કહ્યું કે, ત્રીજી મહત્વપૂર્ણ વાત, આજે સમગ્ર પંજાબમાં ઘર માટેની વીજળી મફતમાં મળે છે. મુખ્યમંત્રી, મંત્રી અને ધારાસભ્યોની વીજળી મફત છે તો પછી ખેડૂતોને પણ મફત વીજળી મળવી જોઈએ, વેપારીઓને મફત વીજળી મળવી જોઈએ, ગરીબોને મફત વીજળી મળવી જોઈએ, સામાન્ય લોકોને મફત વીજળી મળવી જોઈએ. જો ગુજરાતમાં પણ બધાને મફત વીજળી જોઈએ તો આમ આદમી પાર્ટીની સરકાર લાવવી પડશે. પંજાબમાં ભગવંત માનની સરકારે દરેક મહિલાને દર મહિને રૂ. 1000 આપવાનું એલાન કર્યુ છે. આ ગુજરાતમાં પણ આ શક્ય છે જો તમે આમ આદમી પાર્ટીની સરકાર લાવો.

અરવિંદ કેજરીવાલે વધુમાં કહ્યું કે, પાંચમી ખાસ વાત કરવી છે, આ ખાસ કરીને આદિવાસી લોકો માટે છે. તેમણે તમારા બાળકોને બરબાદ કરી દીધા છે, અહીં સરકારી શાળાઓની સ્થિતિ ખૂબ ખરાબ છે. અમે પંજાબમાં ઉત્તમ સરકારી શાળાઓ બનાવી છે કે લોકો પોતાના બાળકોને પ્રાઈવેટ શાળાઓમાંથી કાઢીને સરકારી શાળાઓમાં મૂકી રહ્યા છે, અમારી સરકારી શાળાઓના બાળકો મોટી મોટી કોલેજોમાં ભણવા જઈ રહ્યા છે, ઈજનેર બની રહ્યા છે, ડોક્ટર બની રહ્યા છે. અમે સરકારી શાળાના શિક્ષકોને અમેરિકા, કેનેડા, સિંગાપુરમાં ટ્રેનિંગ આપીએ છીએ કારણ કે અમે તમારા બાળકોનું ભવિષ્ય બનાવવા માંગીએ છીએ.
કેજરીવાલે વધુમાં કહ્યું કે, આ વાત કોઈ કહી શકતું નથી, ફક્ત કેજરીવાલ કહી શકે છે. હું તમને વચન આપું છું કે આમ આદમી પાર્ટીને મત આપો અને હું તમારા બાળકોનું ભવિષ્ય બનાવી દઈશ, તમારા બાળકો માટે નોકરીની વ્યવસ્થા કરી દઈશ. આ વખતે તમે તમારા બાળકો વિશે વિચારો, તમારા પરિવાર વિશે વિચારો. વિચાર કરો કે કઈ પાર્ટી તમારા બાળકોના ભવિષ્યને વધુ સારું બનાવી શકે છે, એક જ પાર્ટી છે અને તે છે આમ આદમી પાર્ટી.
અરવિંદ કેજરીવાલે ગુજરાતમાં આવનારી ચૂંટણી વિશે કહ્યું કે, હાલમાં ગુજરાતમાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત તેમજ નગરપાલિકાઓની ચૂંટણી આવવાની છે અને આ ચૂંટણીમાં અમે અમારા બાળકોને ટિકિટ નહીં આપીએ, અમે તમારા બાળકોને ટિકિટ આપશું. મારી અપીલ છે કે વધુમાં વધુ લોકો ટિકિટ માટે અરજી કરે અને તમે લોકો સરકાર ચલાવો, જનતાની સરકાર હશે અને જનતાના કામ થશે. જેમ ખેડૂતના દીકરા ભગવંત માને પંજાબ સંભાળી રાખ્યું છે, તેમ આદિવાસીનો દીકરો પોતાનો વિસ્તાર સંભાળશે. અમે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં ભ્રષ્ટાચાર ખતમ કરીશું.
વિજય વિશ્વાસ સભામાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન સહિત ગુજરાત પ્રદેશ પ્રભારી ગોપાલ રાય, સહ પ્રભારી દુર્ગેશ પાઠક, સહ પ્રભારી ગુલાબ સિંહ યાદવ, પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી, ધારાસભ્ય ચૈતર વસાવા, યુવા નેતા યુવરાજસિંહ જાડેજા, ઇસ્ટ ઝોન ઇન્ચાર્જ અશોક ઓઝા, ઇસ્ટ ઝોન સંગઠન મંત્રી નરેશ બારીયા સહિત પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં દાહોદ તથા આસપાસના વિસ્તારના સ્થાનિક ખેડૂતો, મજૂરો, યુવાનો, મહિલાઓ સહિત હજારોની સંખ્યામાં તમામ જાતિ-ધર્મ અને વર્ગના લોકો સ્વયંભૂ ઉપસ્થિત રહ્યા હતા.
