Loading...

અરવિંદ કેજરીવાલ ગુજરાતના પ્રવાસેઃ 8 માર્ચે ગાંધીનગર ખાતે ખેડૂતો મુદ્દે આયોજિત જનસભામાં હાજરી આપશે

અરવિંદ કેજરીવાલે કહ્યું કે, હાલ હું ત્રણ દિવસ માટે ગુજરાત પધાર્યો છું. 8 માર્ચે ગાંધીનગરમાં સભા છે અને સોમવારે સુરતમાં સભા છે. અમે લોકો સાથે વાતચીત કરીશું.

By: Rakesh ShuklaEdited By: Rakesh Shukla Publish Date: Sun 08 Mar 2026 10:24 AM (IST)Updated: Sun 08 Mar 2026 10:24 AM (IST)
arvind-kejriwal-gujarat-visit-to-address-farmers-rally-in-gandhinagar-on-march-8-704649

Ahmedabad News: આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનું અમદાવાદ ખાતે આગમન થયું હતું. આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી અને વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયા સહિત પ્રદેશના તથા સ્થાનિક પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓએ અરવિંદ કેજરીવાલનું અમદાવાદ એરપોર્ટ ખાતે સ્વાગત કર્યું હતું. અરવિંદ કેજરીવાલ તારીખ 8 અને 9 માર્ચના રોજ ગાંધીનગર અને સુરત ખાતે કાર્યક્રમમાં હાજરી આપશે. 8 માર્ચના રોજ “પરિવર્તન લાવો, કિસાન બચાવો યાત્રા”ના સમાપનમાં યોજાઇ રહેલ જનસભામાં અરવિંદ કેજરીવાલ હાજરી આપશે અને સમગ્ર ગુજરાતના ખેડૂતો માટે અવાજ ઉઠાવશે. ત્યારબાદ 9 માર્ચના રોજ સુરત ખાતે અરવિંદ કેજરીવાલ ક્ષેત્રીય બૂથ કાર્યકર્તા સંમેલનમાં હાજરી આપશે.

એરપોર્ટ પર આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય નેતા અરવિંદ કેજરીવાલએ જણાવ્યું હતું કે થોડા સમય પહેલા જ આપણે જોયું કે ખેડૂતોએ પોતાનો અવાજ ઉઠાવ્યો હતો તો તેમના પર લાઠીચાર્જ કરવામાં આવ્યો, ખેડૂતો પર ખોટા કેસ કરવામાં આવ્યા, કેટલાય ખેડૂતોને મહિનાઓ સુધી જેલમાં નાખવામાં આવ્યા. એવી જ રીતે ગુજરાતના યુવાનો રોજગારી માંગે કે પછી પેપર લીક સામે અવાજ ઉઠાવે અથવા તો કોઈ ફેસબૂકમાં કંઈ લખે તો પણ તેને જેલમાં નાખવામાં આવે છે.

વધુમાં આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલએ જણાવ્યું હતું કે, મારા અને આમ આદમી પાર્ટીના પ્રદેશ નેતૃત્વ પર પણ “શરાબ કૌભાંડ”નો ખોટો કેસ કરવામાં આવ્યો હતો અને કોર્ટનો ચુકાદો આવ્યો કે આખો કેસ ફર્જી હતો. કદાચ ભારતના ઇતિહાસમાં પહેલી વખત થયું કે એક સીટિંગ ચીફ મિનિસ્ટરને કેટલાય મહિનાઓ સુધી જેલમાં રાખવામાં આવ્યા. તો આ રીતે ખોટા કેસમાં જેલમાં નાખવામાં આવે છે તે આખા દેશ માટે ખૂબ જ ખતરનાક વાત છે અને દેશના લોકતંત્ર માટે ખતરનાક વાત છે.

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, હાલ હું ત્રણ દિવસ માટે ગુજરાત પધાર્યો છું. 8 માર્ચે ગાંધીનગરમાં સભા છે અને સોમવારે સુરતમાં સભા છે. અમે લોકો સાથે વાતચીત કરીશું. હાલ આખું ગુજરાત પરિવર્તન માંગી રહ્યું છે. પહેલા ગુજરાતના લોકો પાસે કોઈ વિકલ્પ ન હતો કારણ કે કોંગ્રેસ પણ આ લોકો સાથે મળેલી હતી. પરંતુ હવે આમ આદમી પાર્ટીના નેતા ઈસુદાન ગઢવી, ધારાસભ્ય ગોપાલ ઇટાલીયા સહિત તમામ લોકોને જે રીતે જનતાનું સમર્થન મળી રહ્યું છે તેનાથી દેખાઈ રહ્યું છે કે આ વખતે ચોક્કસ પરિવર્તન આવશે.