Gujarat unseasonal rain: આજે વહેલી સવારથી જ મહીસાગર જિલ્લાના વાતાવરણમાં ફરી પલટો જોવા મળ્યો હતો. સવારથી આકાશમાં ઘેરાયેલા વાદળો વચ્ચે સંતરામપુર પંથકમાં વરસાદી માવઠું થતા ખેડૂતોની ચિંતા વધી છે. બીજી તરફ પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ નોંધાયો હતો. ખાસ કરીને મોરવા અને રેણાં પંથકમાં હળવા વરસાદી ઝાપટા નોંધાયા છે.
મહીસાગર જિલ્લામાં વરસાદી ઝાપટા
મહીસાગર જિલ્લાના વાતાવરણમાં આજે વહેલી સવારથી ફરી એકવાર પલટો આવ્યો છે. હાલમાં મળતી માહિતી અનુસાર સંતરામપુર પંથકમાં હળવા વરસાદી ઝાપટા પડ્યા હતા. ઉપરાંત લુણાવાડા સહિત મહીસાગર જિલ્લાના મોટાભાગના તાલુકાઓમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું.

પંચમહાલ જિલ્લાના વાતાવરણમાં પલટો
પંચમહાલ જિલ્લાના વાતાવરણમાં આજે વહેલી સવારથી અચાનક પલટો આવ્યો છે. સમગ્ર જિલ્લામાં વાદળછાયું વાતાવરણ છવાઈ જતા હવામાનમાં ઠંડક અનુભવાઈ રહી છે. શહેરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ નોંધાયો હતો. ખાસ કરીને મોરવા અને રેણાં પંથકમાં હળવા પરંતુ ભરશિયાળે વરસાદી ઝાપટા પડતાં રસ્તા ભીંજાયા હતા.
ખેતી પર પ્રતિકૂળ અસર થવાની ભીતિ
કમોસમી વરસાદને કારણે ખેતી પર પ્રતિકૂળ અસર થવાની ભીતિ ઊભી થઈ છે. શિયાળુ પાક લેતા ખેડૂતોમાં ચિંતા વ્યાપી ગઈ છે. ઘઉં, મકાઈ અને તમાકુ જેવા મુખ્ય પાકોને નુકસાન પહોંચવાની શક્યતા સેવાઇ રહી છે. જો આવું વાતાવરણ યથાવત રહેશે તો ઉત્પાદન પર અસર પડી શકે તેમ હોવાથી ખેડૂતો આકાશ તરફ નજર માંડી બેઠા છે.

આ જિલ્લામાં માવઠાની શક્યતા
હવામાન વિભાગ દ્વારા આજે 11 વાગ્યે જારી કરવામાં આવેલા વેધર નોટિફિકેશન અનુસાર, ગુજરાતના ચાર જિલ્લામાં આગામી ત્રણ કલાક દરમિયાન હળવો વરસાદ અને ગાજવીજ સાથે પવન ફૂંકાવાની શક્યતા છે. આ આગાહી મુજબ, અરવલ્લી, મહીસાગર, દાહોદ અને પંચમહાલ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળોએ 5 મિલીમીટર પ્રતિ કલાકથી ઓછો હળવો વરસાદ પડી શકે છે.
વરસાદ સાથે હળવા ગાજવીજની સંભાવના
આ વરસાદ સાથે હળવા ગાજવીજ પણ જોવા મળી શકે છે. આ દરમિયાન સપાટી પર પવનની મહત્તમ ગતિ 40 કિલોમીટર પ્રતિ કલાકથી ઓછી (ઝડપી ઝાપટા સાથે) રહેવાની સંભાવના છે. જોકે, વીજળી પડવાની એટલે કે "ક્લાઉડ ટુ ગ્રાઉન્ડ લાઈટનિંગ" ની શક્યતા 30% થી ઓછી હોવાથી તેનું જોખમ ઓછું દર્શાવવામાં આવ્યું છે.
પાકને નુકસાન થવાની ભીતિ, ખેડૂતોની ચિંતા વધી
મહિસાગર જિલ્લામાં આ સમયે ઘઉં, ચણા અને રાઈ સહિતના રવિ પાકો ઉભા છે. આવા સમયે કમોસમી વરસાદ પડવાથી પાકને નુકસાન થવાની શક્યતા રહે છે. ખાસ કરીને જો વરસાદની માત્રા વધે તો પાકમાં રોગચાળો ફેલાવાની ભીતિ ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે. આ ઉપરાંત બાગાયતી પાકો, શાકભાજી અને ઘાસચારાને પણ અસર થવાનો ભય છે, જેના કારણે પશુપાલકો પણ ચિંતિત બન્યા છે.
