ગોધરા પાસે હાઈ ટેન્શન વીજ લાઈન તૂટતાં દિલ્હી-મુંબઈ રેલ વ્યવહાર અસરગ્રસ્ત થયો, સમારકામ બાદ ટ્રેક કાર્યરત કરાયો

ગોધરા પાસે ચંચેલાવ અને સંતરોડ રેલવે સ્ટેશન વચ્ચે વહેલી સવારે હાઈ ટેન્શન વીજ લાઈન તૂટી પડી જતા રેલ વ્યવહાર ખોરવાયો હતો

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Tue, 31 Mar 2026 04:23 PM (IST)Updated: Tue, 31 Mar 2026 04:23 PM (IST)
panchmahal-godhra-chanchelav-santroad-high-tension-line-snap-railway-affected

Godhra News: ગોધરા પાસે ચંચેલાવ અને સંતરોડ રેલવે સ્ટેશન વચ્ચે વહેલી સવારે હાઈ ટેન્શન વીજ લાઈન તૂટી પડી હતી. જેના લીધે દિલ્હી-મુંબઈ રેલ વ્યવહાર કલાકો સુધી ખોરવાઈ ગયો હતો. રેલવેનો 25 હજાર કેવીનો વીજ વાયર તૂટી ગયો હતો તેમજ વીજપોલ નમી ગયો હતો. ઉપરાંત ઘટનાસ્થળ પર એક મોરનું મોત થયું હતું. જે પરથી અનુમાન લગાવાઈ રહ્યું છે કે, મોર કોઈ ધાતુ સાથે હાઈ ટેન્શન વીજ લાઈનનાં સંપર્કમાં આવ્યો હોવાથી દુર્ઘટના સર્જાઈ હતી.

હાઈ ટેન્શન વીજ લાઈન તૂટી ગઈ

પ્રાપ્ત વિગતો મુજબ ઘટના સવારે અંદાજિત 7:00 વાગ્યાની આસપાસ બની હતી. 25 હજાર કે.વી.ના ઈલેક્ટ્રીક કરંટના લીધે ભારે દબાવ અને તણખા ઝરી રહ્યા હતા. તેમજ તેના લીધે વીજ પોલની આસપાસ જમીન પર મોટો ખાડો પડી ગયો. જોકે, તે સમયે કોઈ ટ્રેન પસાર ન થતી હોવાથી મોટી જાનહાનિ ટળી હતી.

ઘણી ટ્રેનો મોડી પહોંચી

ખામીના લીધે ઘણી ટ્રેનો ટ્રેનો મોડી પડી હતી. અપ લાઇન પર જમ્મુતાવી, ઝાંસી પશ્ચિમ, અને મેમુ પેસેન્જર ટ્રેનો 2 થી 2.30 કલાક મોડી પડી હતી, જ્યારે ડાઉન લાઇન પર દેહરાદૂન એક્સપ્રેસ અને કોટા પાર્સલ ટ્રેન 45 મિનિટ મોડી પહોચી હતી.

યુદ્ધના ધોરણે સમારકામ થયું

ઘટનાની જાણ થતાં જ OHE (ઓવરહેડ ઇક્વિપમેન્ટ) ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને યુદ્ધના ધોરણે સમારકામની કામગીરી હાથ ધરી હતી. રેલવે પોલીસ સ્થળ પર પહોંચીને કાર્યવાહી કરી હતી.