Loading...

Mahisagar: લુણાવાડાના યુવકને 'લૂંટેરી દુલ્હન' ભટકાઈ, રૂ. 2.70 લાખ પડાવી પિયર જવાના બહાને પલાયન

ફૂલહાર કર્યા બાદ થોડા દિવસ સાસરીમાં રોકાઈને પિયરમાં કામ હોવાનું કહી ગઈ તે ગઈ. મોબાઈલ ફોન પણ બંધ કરી દીધો. વચેટિયાએ પણ પૈસા પરત આપવામાં ગલ્લાતલ્લા શરૂ કરી દીધા.

By: Sanket ParekhEdited By: Sanket Parekh Publish Date: Thu 26 Feb 2026 09:30 PM (IST)Updated: Thu 26 Feb 2026 09:30 PM (IST)
mahisagar-crime-news-groom-cheated-by-looteri-dulhan-vanishes-with-cash-and-jewelry-699255
HIGHLIGHTS
  • લૂંટેરી દુલ્હન સહિત 5 સામે લુણાવાડા ટાઉન પોલીસમાં ફરિયાદ

Mahisagar: મહીસાગર જિલ્લામાં લગ્નના બહાને લોકો સાથે છેતરપિંડી થતી હોવાના બનાવોમાં વધારો નોંધાઈ રહ્યો છે. તાજેતરમાં લુણાવાડા તાલુકાના કોલવણ ગામના એક યુવાન સાથે ખોટી લગ્ન પ્રક્રિયા દ્વારા અંદાજે રૂ. 2.70 લાખની ઠગાઈ કરાઈ હોવાનો કેસ પ્રકાશમાં આવ્યો છે. સમગ્ર મામલે લુણાવાડા ટાઉન પોલીસ સ્ટેશનમાં પાંચ લોકો વિરુદ્ધ ગુનો નોંધાઈ તપાસ શરૂ કરવામાં આવી છે.

પોલીસમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, ભરતભાઈ પટેલ લગ્ન માટે કન્યાની શોધ કરી રહ્યા હતા. આ દરમિયાન તેમના સગા ડાયાભાઈ પટેલે ગોધરાની કોકિલા નામની યુવતી અંગે માહિતી આપી હતી. ત્યારબાદ પરિવાર ગોધરા જઈ યુવતીને મળ્યો હતો અને મહાદેવ મંદિરે મુલાકાત બાદ બંને પક્ષે લગ્ન માટે સંમતિ આપી હતી.

પછી કોકિલાબેન તથા તેના સાથીદારો રેખાબેન, ડાહ્યાભાઈ, ઉદાભાઈ અને જયેશભાઈએ લુણાવાડા ખાતે સોગંદનામું તૈયાર કર્યું હતું. દેગમડા મંદિર ખાતે સરળ વિધિ દ્વારા ફૂલહાર કરાવી લગ્ન પૂર્ણ કરાયા હતા. લગ્ન પ્રસંગે ફરિયાદી દ્વારા રૂ. 1,45,000 ઓનલાઇન ટ્રાન્સફર, રૂ. 55,000 રોકડ તેમજ ચાંદીના દાગીના, કપડાં અને અન્ય ખર્ચ મળીને કુલ અંદાજે રૂ. 2,70,000 જેટલી રકમ ખર્ચાઈ હોવાનું જણાવાયું છે.

લગ્ન પછી યુવતી થોડા દિવસ સાસરિયા ગામે રહી હતી, પરંતુ પિયરમાં કામ હોવાનું કહી ગોધરા પરત ગઈ હતી. સમય જતા પણ પરત ન આવતા અને સંપર્ક કરતાં ટાળટૂળભર્યા જવાબ મળતા શંકા મજબૂત બની હતી. અંતે મોબાઇલ ફોન બંધ થઈ જતાં ફરિયાદીએ વચેટિયાઓનો સંપર્ક કર્યો, પરંતુ તેમની તરફથી પણ કોઈ સહકાર મળ્યો નહોતો.

આરોપીઓએ નોટરી કરાવેલ સોંગદનામા પર 10 દિવસમાં રકમ પરત આપવાનો વિશ્વાસ આપ્યો હતો, છતાં પૈસા પરત ન મળતાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે ગુનો દાખલ કરી આરોપીઓની શોધખોળ શરૂ કરી છે અને નાગરિકોને લગ્ન પહેલાં પૂરતી તપાસ કરવા અપીલ કરી છે.