Mahisagar River Drowning Incident: મહિસાગર નદીમાં લુણાવાડા નજીક બે યુવકો પાણીમાં તણાઈ જવાની એક અત્યંત ગોઝારી અને દુઃખદ ઘટના સામે આવી છે. આ દુર્ઘટનામાં એક યુવકનો મૃતદેહ મળી આવ્યો છે. જ્યારે ફાયર વિભાગ દ્વારા બીજા યુવકની સઘન શોધખોળ હજુ પણ ચાલી રહી છે.
મિત્રને બચાવવા જતા બંને તણાયા
પ્રાથમિક માહિતી અનુસાર, લુણાવાડા શહેરમાં રહેતા આઝમખાન ઇમ્તિયાઝ ખાન પઠાણ અને આસીફ યુસુફ નામના બે યુવકો લીંબોદરા ગામ પાસે આવેલી મહીસાગર નદીમાં ન્હાવા માટે ગયા હતા. નહાતી વખતે તેમાંથી એક યુવક ઊંડા પાણીમાં જતાં ગરકાવ થવા લાગ્યો હતો.
પોતાના મિત્રને ડૂબતો જોઈને બીજો યુવક તેને બચાવવાના પ્રયાસમાં પાણીમાં પડ્યો હતો. પરંતુ નદીના પાણીનો પ્રવાહ એટલો તેજ હતો કે બંને યુવકો તેમાં તણાઈ ગયા હતા.
ફાયર વિભાગ દ્વારા સર્ચ ઓપરેશન
આ દુર્ઘટનાની જાણ થતાં જ નદી કિનારે આસપાસના સ્થાનિક લોકો મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા. તાત્કાલિક પોલીસ અને લુણાવાડા ફાયર વિભાગની ટીમને જાણ કરવામાં આવતા તેઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા, અને બચાવ તેમજ શોધખોળની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરી હતી.
આ પણ વાંચો: Mahisagar: રિલ્સના ચક્કરમાં ભાન ભૂલ્યા નબીરા, ચાલુ કારના બોનેટ પર કર્યા સ્ટંટ; પોલીસે કરી કાર્યવાહી
ભમરા ગામ નજીકથી એક મૃતદેહ મળ્યો
લુણાવાડા ફાયર વિભાગ દ્વારા નદીમાં ચલાવવામાં આવેલા સતત સર્ચ ઓપરેશન દરમિયાન ભમરા ગામ નજીકથી બેમાંથી એક યુવકનો મૃતદેહ મળી આવ્યો છે. જોકે, અન્ય એક યુવકની શોધખોળ હજુ પણ ચાલુ જ છે.
આ કરુણ ઘટનાને પગલે સમગ્ર લુણાવાડા અને આસપાસના વિસ્તારમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે. પોલીસે આ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે તેમજ નાગરિકોને નદી કે તળાવ જેવા જળાશયોમાં નહાવા જતા સાવચેતી રાખવાની ખાસ અપીલ કરી છે.
