5 વર્ષના દીકરાની નજર સામે પિતા મહીસાગર નદીમાં ડૂબ્યા, હાથિયો ધરો ફરી બન્યો કાળ

વડોદરાના સાવલીમાં મહીસાગર નદીના હાથિયો ધરામાં આણંદના આધેડનું ડૂબી જવાથી મોત. 5 વર્ષના પુત્રની નજર સામે પિતા નદીના પ્રવાહમાં તણાયા. 24 કલાકની શોધખોળ બાદ મૃતદેહ મળ્યો.

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Mon, 15 Jun 2026 09:33 PM (IST)Updated: Mon, 15 Jun 2026 09:33 PM (IST)
vadodara-mahisagar-river-drowning-hathiyo-dharo-news

Hathiyo Dharo Savli: વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના લાંછનપુરા ગામ પાસે આવેલો મહીસાગર નદીનો 'હાથિયો ધરો' વધુ એકવાર માતમનું કારણ બન્યો છે. રવિવારે પિકનિક મનાવવા ગયેલા આણંદના એક પરિવારે પોતાના મોભીને ગુમાવતા આખો પરિવાર શોકમાં ડૂબી ગયો છે. 5 વર્ષના માસૂમ બાળકની નજર સામે તેના પિતા નદીના તેજ પ્રવાહમાં ગરકાવ થઈ ગયા હતા.

શું હતી ઘટના?

મૂળ રાજસ્થાનના ઝાલોરના વતની અને હાલ આણંદના સરદારગંજ વિસ્તારમાં રહેતા 40 વર્ષીય મુકેશ જબરારામ સરગરા રવિવારે રજાનો આનંદ માણવા પોતાના પરિવાર સાથે સાવલીના લાંછનપુરા પિકનિક સ્પોટ પર ગયા હતા. બપોરના સમયે મુકેશભાઈ પોતાના 5 વર્ષના પુત્ર અને બે સાળા સાથે નદીમાં નહાવા ઉતર્યા હતા. દુર્ભાગ્યવશ, નહાતી વખતે મુકેશભાઈ અચાનક ઊંડા પાણીમાં ખેંચાઈ ગયા હતા. પુત્રની નજર સામે જ પિતાને ડૂબતા જોઈ બાળકની ચીસોથી વાતાવરણ ગમગીન બની ગયું હતું.

24 કલાક બાદ 2 કિમી દૂરથી મળ્યો મૃતદેહ

ઘટનાની જાણ થતા જ વડોદરા ERC ફાયર બ્રિગેડ, સ્થાનિક પોલીસ અને તરવૈયાઓની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને શોધખોળ શરૂ કરી હતી. રવિવારની મોડી સાંજ સુધી ચાલેલા ઓપરેશન બાદ આજે સોમવારે સવારે ઘટનાસ્થળથી આશરે 2 કિલોમીટર દૂર નદીના પટમાંથી મુકેશભાઈનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે પોસ્ટમોર્ટમ માટે મૃતદેહને સાવલી સરકારી હોસ્પિટલમાં ખસેડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પરિવાર પર આભ તૂટી પડ્યું

મૃતક મુકેશભાઈ તેમના પરિવારનો મુખ્ય આધારસ્તંભ હતા. તેમના પિતાનું અગાઉ નિધન થઈ ચૂક્યું હતું અને તેઓ વૃદ્ધ માતા, પત્ની તથા 5 વર્ષના પુત્રનું ભરણપોષણ કરતા હતા. એકમાત્ર કમાતા દીકરાના અકાળે અવસાનને કારણે પરિવાર નિરાધાર બની ગયો છે.

'હાથિયો ધરો' - પ્રકૃતિના ખોળામાં મોતનો ફાંદો

લાંછનપુરાનો 'હાથિયો ધરો' સહેલાણીઓ માટે અત્યંત જોખમી સાબિત થઈ રહ્યો છે. અહીં નદીના પથ્થરો વચ્ચે વહેતું પાણી અને કુદરતી સૌંદર્ય સહેલાણીઓને આકર્ષે છે, પરંતુ આ ઊંડા ધરાએ અત્યાર સુધીમાં 300થી વધુ લોકોના જીવ લીધા છે. વહીવટી તંત્ર દ્વારા અનેકવાર ચેતવણીના બોર્ડ લગાવવા છતાં અને નહાવા પર પ્રતિબંધ હોવા છતાં, પ્રવાસીઓ જોખમ ઉઠાવી પાણીમાં ઉતરે છે, જે ઘણીવાર મોતને નોતરે છે.