Mayabhai Ahir On Love Marriage: જાણીતા લોકસાહિત્યકાર માયાભાઈ આહીરે તાજેતરમાં પ્રેમલગ્ન અને ભારતીય લગ્ન સંસ્કારો અંગે યુવા પેઢીને મહત્વનો સંદેશ પાઠવ્યો હતો. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, પ્રેમલગ્ન ભલે યુવાનોની પસંદગીના હોય, પરંતુ તેમાં માતા-પિતાની સંમતિ અને આશીર્વાદ અત્યંત અનિવાર્ય છે.
માયાભાઈ આહીરે માતા-પિતાના આશીર્વાદના મહત્વ પર ભાર મુકતા જણાવ્યું કે, પ્રેમલગ્ન કોઈ ખરાબ બાબત નથી, પરંતુ માતા-પિતાની મરજી વિરુદ્ધ થતા લગ્ન ક્યારેય સફળ કે સંસ્કારી પરિણામો આપતા નથી. તેમણે ટકોર કરી હતી કે જે સંતાનો ફોન પર પોતાના પિતાને એમ કહી દે છે કે 'પપ્પા હવે અમે ઘરે નહીં આવીએ', એવા ઘરોમાં સંસ્કાર અને શૌર્યનો અભાવ જોવા મળે છે, કારણ કે ત્યાં વડીલોના આશીર્વાદ નથી હોતા.
તેમણે દીકરીઓની સામાજિક જવાબદારી પર ભાર મૂકતા કહ્યું કે, આ દેશની દીકરીઓ પર બહુ મોટી જવાબદારી છે, કારણ કે તેઓ સંસ્કારોના વાહક છે. મહાન સંતો અને શૂરવીરોની જનેતાઓએ કંઈક પુણ્ય કર્યા હોય છે ત્યારે જ તેમની કૂખે આવા રત્નો જન્મે છે. તેમણે દીકરીઓને અનુરોધ કર્યો કે તેઓ પોતાના સંસ્કારોનું જતન કરે અને એવું કોઈ પગલું ન ભરે જેનાથી માતા-પિતાની આબરૂને ઠેસ પહોંચે.
ઉત્તમ સંતતિ માટે ઘરમાં ભક્તિમય વાતાવરણ નિર્માણ કરવાની આવશ્યકતા પર પ્રકાશ પાડતા માયાભાઈએ જણાવ્યું કે, પરણીને ઘરે આવતી વહુઓને રામાયણ, ભાગવત અને ગુરુગીતા જેવા ગ્રંથો આપવા જોઈએ. જો આખું ઘર સાથે બેસીને કુળદેવી અને સદગુરુની પ્રાર્થના કરે, તો જ ઘરમાં દિવ્ય અને ઉત્તમ આત્માઓનું આગમન થાય છે, તેમ તેમણે ઉમેર્યું હતું.
માયાભાઈએ પરંપરાગત લગ્ન, લગ્નગીતો અને લગ્નની મર્યાદાઓને યાદ કરતા કહ્યું કે, સંપત્તિ આવતા-જતા વાર નથી લાગતી, પરંતુ સંસ્કારોને પેઢી દર પેઢી જતન કરવું પડે છે. તેમણે વધુમાં જણાવ્યું કે, જ્યારે ગુરુની કૃપા થાય છે, ત્યારે સ્ત્રી કે પુરુષમાં રૂપ, રંગ કે સંપત્તિનું અભિમાન રહેતું નથી અને સંસાર સુખમય બને છે, તેવો તેમનો મત છે.
