Mayabhai Ahir Bagdana Controversy: બગદાણા આશ્રમના સેવક પર હિચકારા હુમલાના સમગ્ર ગુજરાતમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. આ ઘટનાને પગલે સમગ્ર કોળી સમાજમાં વ્યાપક રોષ જોવા મળી રહ્યો છે. જેમાં ગુજરાતના જાણીતા લોકસાહિત્યકાર માયાભાઈ આહીરના પુત્ર જય આહીરની સંડોવણી હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે. એવામાં માયાભાઈ આહીરે પોતાની સત્તાવાર યુ-ટ્યુબ ચેનલ પર સોમનાથ મંદિરના 1000 વર્ષ પૂરા થવા અંગેનો વીડિયો મૂકતા યુઝર્સે તેમનો રીતસરનો ઉધડો લઈ લીધો છે.
સોમનાથ સ્વાભિમાન પર્વ’માં આવવાનું આમંત્રણ આપ્યું
હકીકતમાં માયાભાઈ આહીરે પોતાના વીડિયોમાં જણાવી રહ્યા છે કે, PM મોદીની હાજરીમાં સોમનાથ સ્વાભિમાન પર્વ ભવ્ય રીતે ઉજવાઈ રહ્યો છે. આજથી 1000 વર્ષ પહેલા સોમનાથ મંદિર પર થયેલા આક્રમણથી માંડીને આજના ભવ્ય સોમનાથના વૈભવ સુધી આ પર્વ સમગ્ર વિશ્વને આદ્યાત્મિક ચેતનાની અદ્દભૂત ઝાંખી કરાવવાનું છે.
12 જ્યોતિર્લિંગ પૈકી પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથના 1026માં વિધ્વંશ પછી આજે 2026ના વૈભવ સુધીનો આ પર્વ દેશની અડગતા, દેશની શ્રદ્ધા, સ્વાભિમાન અને દેશની સનાતન ધર્મ પ્રત્યેની મજબૂતાઈ શીખવે છે. આ પર્વ થકી વિશ્વને સનાતનતાની શક્તિનો માર્ગ મળવાનો છે, તો આ પંથે આપણે બધા જ જોડાઈએ. સોમનાથથી બીજું કોઈ તીર્થ ના હોઈ શકે, તો આ સ્વાભિમાન પર્વમાં આવવાનું ચૂકશો નહીં.
માયાભાઈના ડાયરાનો બહિષ્કાર કરો
માયાભાઈ આહીરે વીડિયો મૂકતા જ વિરોધીઓ રીતસરના તૂટી પડ્યા હતા. બગદાણા વિવાદને લઈને રોષે ભરાયેલા લોકોએ રીતસરનો કોમેન્ટનો મારો ચલાવ્યો હતો. જેમાં યુઝર્સે માયાભાઈના ડાયરાનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી હતી. જ્યારે કેટલાક યુઝર્સે માયાભાઈ આહિરના પુત્રને લઈને પ્રશ્ન પૂછ્યા હતા.
કોળી આગેવાનોની રજૂઆતના પગલે સરકારે SIT રચી
હકીકતમાં મુંબઈના એક કાર્યક્રમમાં બગદાણાના મેનેજિંગ ટ્રસ્ટીના નામ મુદ્દે લોકસાહિત્યકાર માયાભાઈ આહિરનું ધ્યાન દોરવામાં આવ્યું હતુ. જેથી માયાભાઈ આહિરે સોશિયલ મીડિયામાં પોતાની ભૂલ સ્વીકારતો એક વીડિયો શેર કર્યો હતો.

આ બાબતનો ખાર રાખી માયાભાઈ આહિરના પુત્ર જયરાજે નવનીત નામના બગદાણા આશ્રમના સેવક પર હુમલો કરાવ્યો હોવાનો આક્ષેપ થયો હતો. બીજી તરફ જયરાજ આહિરે પણ સ્પષ્ટતા કરી હતી કે, આ હુમલામાં મારો કોઈ હાથ નથી, પરંતુ સસ્તી પ્રસિદ્ધિ માટે મારું નામ ખોટેખોટું ઉછાળવામાં આવી રહ્યું છે.
આ મામલે કોળી સમાજના આગેવાનો ઉપરાંત મંત્રીઓ અને ધારાસભ્ય ઈજાગ્રસ્ત યુવકને મળવા પહોંચ્યા હતા. જે બાદ ગાંધીનગર સુધી રજૂઆત કરીને પીડિત યુવકને ન્યાય આપવાની માંગ કરી હતી. આખરે કોળી સમાજના આગેવાની રજૂઆતના પગલે ગુજરાત સરકારે જયવીર ગઢવીની અધ્યક્ષતામાં SITની રચના કરી છે, જે આ સમગ્ર પ્રકર્ણની તલસ્પર્શી તપાસ કરીને સરકારને રિપોર્ટ સોંપશે.
