Paresh Goswami Forecast For Monsoon 2026: આ વર્ષે 2026માં ચોમાસું કેવું રહેશે એ અંગે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી દ્વારા મહત્વની અપડેટ આપવામાં આવી છે. તેમણે કરેલી આગાહી ખેડૂતો માટે સારા સમાચાર સમાન છે. આ વખતે ચોમાસું સમયસર અથવા તો ધાર્યા કરતા ચારેક દિવસ વહેલું આવી શકે છે. જૂન અને જુલાઇમાં અતિભારે વરસાદ થઇ શકે છે. જ્યારે ઓગસ્ટમાં મધ્યમ અને સપ્ટેમ્બર મહિનામાં સામાન્ય કરતા ઓછો વરસાદ થવાની શક્યતા છે. તેમણે સ્પષ્ટતા કરી છે કે આ તેમનું સૌપ્રથમ અને પ્રાથમિક અનુમાન છે. આગામી સમયમાં હજુ પણ સચોટ માહિતી આપવામાં આવશે.
ચોમાસા અંગે વૈજ્ઞાનિક ઢબે અપાયેલી પ્રથમ અપડેટ
હવામાન પરેશ ગોસ્વામીએ સોશિયલ મીડિયામાં એક વીડિયો પોસ્ટ કરીને જણાવ્યું છે કે 2026 ના ચોમાસા વિશેની આ પ્રથમ અપડેટ છે અને અત્યાર સુધીમાં વૈશ્વિક સ્તરે કોઈપણ વેધર એક્સપર્ટે આ પ્રકારની આગાહી કરી નથી. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે આ આગાહી સંપૂર્ણપણે લાંબા ગાળાના વૈજ્ઞાનિક પેરામીટર્સને આધારે કરવામાં આવી છે. આ એક વૈજ્ઞાનિક ઢબે અપાયેલી પ્રથમ અપડેટ છે.
ચોમાસું સમયસર અથવા 4 થી 5 દિવસ વહેલું બેસી શકે
ગોસ્વામીના અનુમાન મુજબ, 2026 માં ચોમાસાની શરૂઆત 12 જૂનથી લઈને 16 જૂન વચ્ચે થઈ શકે છે. આનો અર્થ એ થયો કે ચોમાસું સમયસર અથવા તો સામાન્ય કરતાં 4 થી 5 દિવસ વહેલું બેસી શકે છે, જે એક શુભ સંકેત છે. જૂન મહિના દરમિયાન ખૂબ સારો વરસાદ થવાની સંભાવના છે અને જુલાઈ મહિનામાં પણ અતિ સારો તથા ભારે વરસાદ થાય તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. એટલે કે, જૂન અને જુલાઈ એમ દોઢ મહિના સુધી અતિ ભારે વરસાદ અને ખૂબ સારા વરસાદ સાથે 2026 ના ચોમાસાનો પ્રારંભ થશે.
સપ્ટેમ્બર મહિનામાં નોર્મલ કરતાં ઓછો વરસાદ પડી શકે
વરસાદના વિતરણ અંગે વાત કરતા ગોસ્વામીએ જણાવ્યું કે ઓગસ્ટ મહિનો મધ્યમ રહેવાનો છે. જોકે, સૌથી મહત્વપૂર્ણ અને રાહતદાયક સમાચાર સપ્ટેમ્બર મહિના માટે છે. તેમણે આગાહી કરી છે કે સપ્ટેમ્બર મહિનામાં નોર્મલ કરતાં ઓછો વરસાદ પડી શકે છે. છેલ્લા પાંચથી સાત વર્ષથી દર વર્ષે સપ્ટેમ્બરમાં થતા વધુ વરસાદને કારણે તૈયાર થયેલા પાકને ભારે નુકસાન થતું હોય છે. 2026 માં સપ્ટેમ્બરમાં સામાન્ય અથવા સામાન્યથી ઓછો વરસાદ પડવાની સંભાવના હોવાથી, ખેડૂતોને આ નુકસાનીમાંથી મુક્તિ મળી શકે છે. આનાથી પાકને થતું નુકસાન અટકશે અને ખેડૂતોને મોટો ફાયદો થશે.
પરેશ ગોસ્વામીએ સ્પષ્ટતા કરી કે હાલ ચોમાસાને શરૂ થવામાં લગભગ સાડા પાંચ મહિના જેવો સમય બાકી છે. આવા લાંબા ગાળાના અનુમાનમાં ઘણી વખત ફેરફાર થઈ શકતા હોય છે, પરંતુ આ ફેરફાર સામાન્ય (લગભગ 10-20%) જ હોય છે અને તેમાં કોઈ મોટા બદલાવની સંભાવના નથી. આ એક કાચું અનુમાન છે, જે પ્રથમ ચરણનું છે. ભવિષ્યમાં વધુ વિગતવાર અપડેટ્સ પણ આપવામાં આવશે. ગોસ્વામીના જણાવ્યા અનુસાર, જાન્યુઆરીમાં અપડેટ આપ્યા બાદ માર્ચમાં પણ એક અપડેટ આપવામાં આવશે. ત્યારબાદ, એપ્રિલના અંત અથવા મે મહિનાની શરૂઆતની અંદર વાર્ષિક કાર્યક્રમ મુકવામાં આવશે, જેમાં તારીખ અને વાર સહિતના ચોક્કસ આંકડાઓ સાથે વિગતવાર આગાહી રજૂ કરવામાં આવશે.
