Paresh Goswami Ni Agahi: ગુજરાત ઉપરથી એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યું હોવાથી ભરશિયાળામાં કેટલાક ભાગોમાં વરસાદી માહોલ છવાઈ રહ્યો છે. ખાસ કરીને ઉત્તર ગુજરાત અને કચ્છના કેટલાક ભાગોમાં ગઈકાલે સાંજ બાદ વાતાવરણમાં નાટ્યાત્મક પલટો પણ આવ્યો હતો અને વરસાદી ઝાપટા પણ પડ્યા હતા. કમોસમી વરસાદના પગલે ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા છે, ત્યારે જાણીતા હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ આગામી દિવસોને લઈને મોટી આગાહી કરી છે.
મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનો ટ્રફ ગુજરાત સુધી લંબાયો
પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે, હાલ ઉત્તર ભારતના પહાડો ઉપરથી મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યું છે, તેનો ટ્રફ ગુજરાત સુધી લંબાયો છે. અત્યારે ઉત્તર ભારતના જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ જેવા રાજ્યના પર્વતીય પ્રદેશોમાં બરફ વરસાદનો માહોલ છે. અનેક ભાગોમાં રેકોર્ડ બ્ક વરસાદ પણ પડી રહ્યો છે.
જો કે આ પશ્ચિમી વિક્ષોપનો ટ્રફ ગુજરાત સુધી લંબાયેલો હોવાથી રાજ્યના હવામાનમાં પણ પલટો આવ્યો છે. ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. કોઈ-કોઈ ભાગોમાં વરસાદી છાટછૂટ પણ જોવા મળી રહી છે.
પવનની ઝડપથી વધતી ગતિથી ખેતરમાં ઉભા પાકને નુકસાનની ભીતિ
આ ટ્રફના કારણે ગુજરાતમાં પવનની ગતિ ઝડપથી વધી રહી છે. અત્યારે 15 થી 20 કિમી પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. જ્યારે કેટલાક ભાગોમાં ગસ્ટિંગના કારણે પવનની ગતિ 21 થી 24 કિમી પ્રતિકલાક નોંધાઈ રહી છે. પવનની તીવ્ર ગતિ ખેતરમાં ઉભા પાક જેમ કે એરંડી, તુવેર, રાયડો, ઘઉં અને બાજરાને નુકસાન પહોંચાડી શકે છે.
પાછળ-પાછળ બીજુ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ આવી રહ્યું છે
હવામાન નિષ્ણાંતના જણાવ્યા પ્રમાણે, આગામી બે દિવસ એટલે કે 25 જાન્યુઆરી સુધી હવામાનમાં પલટો રહી શકે છે. 26 જાન્યુઆરીથી પવનની ગતિમાં ઘટાડો થઈ શકે છે. આ સાથે જ વાદળછાયા વાતાવરણ અને છાટછૂટમાંથી પણ મુક્તિ મળી શકે છે.
એટલે કે હજુ 2 દિવસ એટલે કે 24 અને 25 જાન્યુઆરી એમ બે દિવસ સુધી ગુજરાતના અલગ-અલગ ભાગોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે. આ દરમિયાન કોઈ-કોઈ ભાગમાં વરસાદી છાંટા પડવા સાથે પવનની ગતિ પણ વધારે રહેશે.
ખાસ વાત એ છે કે, વર્તમાન વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ જશે, તો તેની પાછળ-પાછળ બીજુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે. જો કે આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ગુજરાતને અસર કરશે કે કેમ તે હાલમાં કહી શકાય તેમ નથી. આમ છતાં જો ગુજરાત પર તેની અસર થાય તો 27 થી 30 જાન્યુઆરીની વચ્ચે રહી શકે છે.
