Miyazaki Mango in Gir: ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લો વર્ષોથી પોતાની પ્રખ્યાત 'કેસર' કેરી માટે વિશ્વભરમાં જાણીતો છે. પરંતુ હવે ગીરની આ ઓળખમાં એક નવું અને કિંમતી ઘરેણું ઉમેરાયું છે. ભાલચેલ ગામના યુવાન અને પ્રગતિશીલ ખેડૂત સુમિત જારીયાએ પોતાના 'અનિલ મેંગો ફાર્મ'માં જાપાનની સર્વશ્રેષ્ઠ અને વિશ્વની સૌથી મોંઘી 'ઈરવીન મિયાઝાકી' કેરીના આંબાનું સફળ વાવેતર કર્યું છે.

અઢી લાખની એક કિલો કેરી: હવે ગીરમાં લચકશે
'ઈરવીન મિયાઝાકી' કેરી તેના લાલ ચટ્ટક રંગ અને અદભૂત સ્વાદ માટે જાણીતી છે. જાપાનમાં આ કેરી અંદાજે અઢી લાખ રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાય છે. થોડા વર્ષો પહેલા આ કેરીને જોવા માટે પણ લોકોએ જાપાન જવું પડતું અથવા ઓનલાઇન ફોટા જોઈને સંતોષ માનવો પડતો હતો. સુમિત જારીયાએ ગીરના વાતાવરણમાં આ પ્રયોગાત્મક ખેતી શરૂ કરી છે. હાલ તેમના ફાર્મમાં ૨.૫ વર્ષના આંબામાં ૧૦ થી ૧૫ જેટલા તંદુરસ્ત ફળો લાગેલા જોવા મળે છે, જે આગામી વર્ષોમાં ભારતીય બજારમાં વેચાણ માટે સજ્જ થશે.

કેમ ખાસ છે મિયાઝાકી કેરી?
જાપાનના મિયાઝાકી શહેરમાં સૌપ્રથમ વાવેતર થયું હોવાથી તેનું નામ 'મિયાઝાકી' પડ્યું છે. જાપાનમાં આ ખેતી ગ્રીનહાઉસ નેટમાં કરવામાં આવે છે કારણ કે ત્યાં તાપમાન જાળવવું મુશ્કેલ હોય છે. જોકે, ગીરમાં કુદરતી રીતે જ 14 થી 20 ડિગ્રી તાપમાન જળવાઈ રહેતું હોવાથી આ આંબાને અહીંનું વાતાવરણ માફક આવી ગયું છે. આજે પણ આ કેરીના એક નંગની કિંમત ભારતીય ચલણ મુજબ 1000 થી 10,000 રૂપિયા સુધીની જોવા મળે છે.

300થી વધુ વેરાઈટી: નવાબોની પસંદ 'કોહિતૂર' પણ હાજર
સુમિત જારીયાના ફાર્મમાં માત્ર મિયાઝાકી જ નહીં, પરંતુ દેશ-વિદેશની 300થી વધુ આંબાની જાતો છે. જેમાં પશ્ચિમ બંગાળની પ્રખ્યાત 'કોહિતૂર કેરી' પણ સામેલ છે. નવાબના સમયમાં આ કેરી માત્ર રાજવી પરિવાર જ ખાઈ શકતો હતો. આ કેરી એટલી નાજુક હોય છે કે તેને કાપવા માટે સ્ટીલની નહીં પણ લાકડાની છરી વપરાય છે, જેથી તેનો સ્વાદ અને ઓક્સિડેશન પ્રક્રિયા જળવાઈ રહે.

કડવી કેરીનો અનોખો પ્રયોગ
આશ્ચર્યની વાત એ છે કે આ ફાર્મમાં ઇઝરાયેલની 'M30-1' જાતની કડવી કેરી પણ જોવા મળે છે. આ કેરી ખાવા માટે નહીં પણ તેના મજબૂત ગોટલા માટે ઉગાડવામાં આવે છે. આ જાતના ગોટલા પર અન્ય કલમ ચડાવવાથી આંબા ખારા અને ખરાબ પાણીમાં પણ ટકી શકે છે અને ઉત્તમ ઉત્પાદન આપે છે.

