Junagadh: મૃગીકુંડ ડૂબકી વિવાદનો સુખદ અંત; કીર્તિ પટેલ અને ઇન્દ્રભારતી બાપુ વચ્ચે સમાધાન, જાણો સમગ્ર મામલો

મહાશિવરાત્રી મેળા દરમિયાન કીર્તિ પટેલે મૃગીકુંડમાં સ્નાન કરતા આ વિવાદની શરૂઆત થઈ હતી.  

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Tue, 03 Mar 2026 09:51 AM (IST)Updated: Tue, 03 Mar 2026 09:51 AM (IST)
kirti-patel-and-indra-bharti-bapu-reconciliation-in-junagadh-mrigikund-bath-controversy
HIGHLIGHTS
  • મૃગીકુંડ સ્નાન વિવાદનો અંતે સુખદ અંત આવ્યો
  • કીર્તિ પટેલ અને ઇન્દ્રભારતી બાપુ વચ્ચે સમાધાન
  • કીર્તિ પટેલે ઇન્દ્રભારતી બાપુના આશીર્વાદ લીધા

Mrigikund bath controversy: જૂનાગઢમાં છેલ્લા કેટલાક સમયથી ચર્ચામાં રહેલા કીર્તિ પટેલ અને રુદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમના મહંત ઇન્દ્રભારતી બાપુ વચ્ચેના વિવાદનો અંત આવ્યો છે. બંને પક્ષો વચ્ચે સમાધાન થતાં ભક્તો અને અનુયાયીઓમાં રાહતનો માહોલ જોવા મળ્યો છે. મહાશિવરાત્રી મેળા દરમિયાન કીર્તિ પટેલે મૃગીકુંડમાં સ્નાન કરતા વિવાદ શરૂ થયો હતો.

ઇન્દ્રભારતી બાપુને પગે લાગી કીર્તિ પટેલ

કીર્તિ પટેલે ઇન્દ્રભારતી બાપુના પગે પડીને અને સાલ ઓઢાડીને તેમનું સન્માન કર્યું હતું. આ ઉપરાંત, ઇન્દ્રભારતી બાપુ તથા અન્ય સાધુ-સંતોએ પણ કીર્તિ પટેલને આશીર્વાદ આપ્યા હતા. કીર્તિ પટેલે પોતાના ગુરુ હરીહરાનંદ ભારતી બાપુ તથા જગતગુરુ મહેન્દ્રાનંદ ગીરીબાપુનું પણ આ પ્રસંગે સન્માન કર્યું હતું.

"ગિરનારી મહારાજે કોઈનો મેળ ન આવવા દીધો"

આ સમાધાન બાદ કીર્તિ પટેલે જણાવ્યું હતું કે, "ઘણા લોકોએ ભારતી પરિવારને તોડવાની કોશિશ કરી હતી પરંતુ, ગિરનારી મહારાજે કોઈનો મેળ ન આવવા દીધો". પોતાના ગુરુ હરીહરાનંદ ભારતી બાપુનું માન-સન્માન જળવાઈ રહે અને સનાતન ધર્મને કોઈ કલંક ન લાગે તે હેતુથી તેણે સાધુ-સંતો સાથેના વિવાદનું સમાધાન કર્યું છે.

આ સમાધાનથી સનાતન ધર્મની એકતા અને સંતોના માન-સન્માનને પ્રાથમિકતા આપવામાં આવી છે. હવે આ સમાધાન બાદ કીર્તિ પટેલે ભારતી પરિવાર અને સાધુ સમાજ પ્રત્યે પોતાનો આદર વ્યક્ત કર્યો છે, જેનાથી તમામ વાદ-વિવાદ પર હંમેશા માટે પૂર્ણવિરામ મુકાઈ ગયું છે.

શું હતો સમગ્ર વિવાદ?

આ વિવાદની શરૂઆત મહાશિવરાત્રી મેળા દરમિયાન ભવનાથના મૃગીકુંડમાં સ્નાન કરવાને લઈને થઈ હતી. મૃગીકુંડમાં ડૂબકી લગાવ્યા બાદ કીર્તિ પટેલે સોશિયલ મીડિયા પર વિવાદાસ્પદ પોસ્ટ કરીને ગિરનાર મંડળના અધ્યક્ષ અને મહંત ઇન્દ્રભારતી બાપુ પર ગંભીર આક્ષેપો કર્યા હતા.

  • કીર્તિ પટેલે દાવો કર્યો હતો કે ઇન્દ્રભારતી બાપુના ઇશારે જ તેને કુંડમાંથી બહાર કાઢવામાં આવી હતી, તે ભગવાનની પાછળના બધા રાજ જાણે છે, જેની સચ્ચાઈ તે પુરાવા સાથે જાહેર કરશે.
  • કીર્તિ પટેલે સવાલ ઉઠાવ્યો હતો કે, "માત્ર મને જ કેમ ટાર્ગેટ કરવામાં આવી? મારી સાથે બીજી અનેક યુવતીઓ નાઈટ ડ્રેસમાં સ્નાન કરતી હતી, શું તેઓ બાપુની સગી વહાલી હતી?".
  • પોતાના બચાવમાં કીર્તિ પટેલે કહ્યું હતું કે, તે હાલમાં વૈરાગી જીવન જીવી રહી છે અને ભવિષ્યમાં સંન્યાસ પણ લઈ શકે છે. તેણે અન્ય લોકોના સ્નાન કરતા બે વર્ષ જૂના વીડિયો શેર કરીને આક્ષેપ કર્યો હતો કે આ બધું માત્ર તેને બદનામ કરવાનું કાવતરું છે.

પોલીસ કાર્યવાહી અને જામીન

આ વિવાદો વચ્ચે, ટૂંકા ગાળામાં જ કીર્તિ પટેલ સામે ત્રણ અલગ-અલગ પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. ત્યારબાદ પોલીસે કીર્તિ પટેલની ધરપકડ કરી અને ચુસ્ત પોલીસ-બંદોબસ્ત વચ્ચે 22 ફેબ્રુઆરીના રોજ તેને જૂનાગઢ લાવવામાં આવી હતી. જોકે, 23 ફેબ્રુઆરીએ સાંજના સમયે રિમાન્ડ પૂરા થતા કીર્તિ પટેલને કોર્ટમાં રજૂ કરવામાં આવી, જેમાં કોર્ટે ખંડણી કેસમાં તેના જામીન મંજૂર કર્યા હતા.