Junagadh Veraval meter gauge train: જૂનાગઢથી વેરાવળ વચ્ચે મુસાફરી કરતા લોકો માટે એક રાહતના સમાચાર છે. મીટરગેજ ટ્રેન દ્વારા જૂનાગઢથી વેરાવળ પહોંચતા સાડા ત્રણ કલાક જેટલો સમય લાગે છે અને આશ્ચર્યની વાત એ છે કે તેનું ભાડું માત્ર 25 રૂપિયા છે. મોંઘવારીના આ સમયમાં, ભાવનગર મંડળ દ્વારા ચલાવવામાં આવતી આ મીટરગેજ ટ્રેનો દૈનિક મુસાફરો અને સામાન્ય માણસ માટે અત્યંત સસ્તો અને સારો વિકલ્પ બની રહી છે.
વિવિધ વાહનવ્યવહારના ભાડાની સરખામણી
જૂનાગઢથી વેરાવળ સુધીના પ્રવાસ માટે ખાનગી બસથી લઈને વંદે ભારત સુધીના વિકલ્પો ઉપલબ્ધ છે, પરંતુ મીટરગેજ ટ્રેન સૌથી સસ્તી સાબિત થઈ છે. ભાવનગર મંડળના વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક અતુલ કુમાર ત્રિપાઠીએ આપેલી માહિતી મુજબ ટ્રેન ભાડા નીચે મુજબ છે:
- મીટરગેજ ટ્રેન: માત્ર રૂપિયા 25
- એક્સપ્રેસ ટ્રેન (સ્લીપર): રૂપિયા 180
- વંદે ભારત: રૂપિયા 440
- એક્સપ્રેસ ટ્રેન (AC): રૂપિયા 565
- ફર્સ્ટ AC: રૂપિયા 1270
જૂનાગઢ-વેરાવળ વચ્ચે માર્ગ પરિવહનનું ભાડું
બીજી તરફ, માર્ગ પરિવહનની વાત કરીએ તો, ખાનગી બસમાં જૂનાગઢથી વેરાવળ જવાનું ભાડું 100 રૂપિયા લેવામાં આવે છે. જ્યારે એસટી (ST) બસમાં વિવિધ કેટેગરી મુજબ ભાડું અલગ-અલગ છે. જેમાં લોકલ બસ માટે રૂ. 81, એક્સપ્રેસ માટે રૂ. 130, એસી લક્ઝરી માટે રૂ. 178, સ્લીપર સેટિંગ માટે રૂ. 174 અને સ્લીપર સોફા માટે રૂ. 268 જેટલું ભાડું વસૂલવામાં આવે છે. આ તમામની સરખામણીમાં મીટરગેજ મુસાફરી નોંધપાત્ર રીતે સસ્તી છે.
આ પણ વાંચો: Junagadh: ગિરનાર રોપ-વેના વાર્ષિક મેઈન્ટેનન્સને લઈને નિર્ણય, 12થી 18 એપ્રિલ સુધી સેવા બંધ રહેશે
મીટરગેજ ટ્રેનોનું સંપૂર્ણ સમયપત્રક
હાલમાં ભાવનગર મંડળ દ્વારા મીટર ગેજ સેક્શનમાં જૂનાગઢથી 8 જેટલી ટ્રેનો ચલાવવામાં આવી રહી છે. જો તમે આ ટ્રેનમાં મુસાફરી કરવાનું વિચારી રહ્યા છો, તો તેનું સમયપત્રક નીચે મુજબ છે:
- જૂનાગઢ-વેરાવળ: સવારે 06:15 વાગ્યે ઉપડી 10:25 વાગ્યે વેરાવળ પહોંચશે.
- વેરાવળ-જૂનાગઢ: સવારે 06:15 વાગ્યે ઉપડી 10:25 વાગ્યે જૂનાગઢ પહોંચશે.
- જૂનાગઢ-દેલવાડા: સવારે 08:00 વાગ્યે ઉપડી બપોરે 2:40 વાગ્યે દેલવાડા પહોંચશે.
- વેરાવળ-દેલવાડા: બપોરે 2:00 વાગ્યે ઉપડી સાંજે 5:50 વાગ્યે દેલવાડા પહોંચશે.
- જૂનાગઢ-ચાલાળા સ્પેશિયલ: સવારે 10:40 વાગ્યે ઉપડી બપોરે 2:10 વાગ્યે ચાલાળા પહોંચશે.
- દેલવાડા-વેરાવળ: સવારે 07:50 વાગ્યે ઉપડી સવારે 11:20 વાગ્યે વેરાવળ પહોંચશે.
- દેલવાડા-જૂનાગઢ: સવારે 11:00 વાગ્યે ઉપડી સાંજે 6:10 વાગ્યે જૂનાગઢ પહોંચશે.
- ચલાલા-જૂનાગઢ સ્પેશિયલ: બપોરે 2:40 વાગ્યે ઉપડી સાંજે 5:35 વાગ્યે જૂનાગઢ પહોંચશે.
મોંઘવારીના આ સમયમાં, ભાવનગર મંડળ દ્વારા ચલાવવામાં આવતી આ મીટરગેજ ટ્રેનો દૈનિક મુસાફરો અને સામાન્ય માણસ માટે અત્યંત સસ્તો અને સારો વિકલ્પ બની રહી છે. આ અત્યંત સસ્તા દરે ઉપલબ્ધ સુવિધાને ધ્યાનમાં રાખીને, ભાવનગર મંડળ રેલ પ્રબંધક દિનેશ વર્માએ મુસાફરોને અપીલ કરી છે કે તેઓ આ મીટરગેજ ટ્રેનની સુવિધાઓનો મહત્તમ લાભ લે.
