Loading...

ઘેડમાં જળબંબાકારની સમસ્યાના ઉકેલની કામગીરી, કેન્દ્રીયમંત્રી ડો. મનસુખ માંડવિયાએ યોજનાનું સ્થળ નિરીક્ષણ અને સમીક્ષા કરી

કેન્દ્રિય મંત્રીએ ફુલરામા, બગસરા ઘેડ, ઘોડાદર જેવા ગામોની મુલાકાત લીધી. મેખડી ગામ નજીક સાબલી નદી પર ફેઝ-1 અંતર્ગત નદી ઊંડી ઉતારવા સહિતની કામગીરીનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું.

By: Rakesh ShuklaEdited By: Rakesh Shukla Publish Date: Mon 16 Mar 2026 04:19 PM (IST)Updated: Mon 16 Mar 2026 04:19 PM (IST)
mansukh-mandaviya-inspects-ghed-waterlogging-project-in-junagadh-district-709276

Junagadh News: ભારત સરકારના શ્રમ અને રોજગાર તથા યુવા બાબતો અને રમત ગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ આજે જૂનાગઢ જિલ્લાના પ્રવાસ દરમિયાન ઘેડ પંથકની મુલાકાત લીધી હતી. તેમણે ઘેડ વિસ્તારમાં વરસાદી પાણી ભરાવાની વર્ષો જૂની સમસ્યાના કાયમી ઉકેલ માટે ચાલી રહેલી યોજનાના ફેઝ-1 હેઠળની કામગીરીનું સ્થળ નિરીક્ષણ કર્યું હતું. આ ઉપરાંત, કેશોદ ખાતે પદાધિકારીઓ અને અધિકારીઓ સાથે બેઠક યોજી યોજનાની સર્વગ્રાહી સમીક્ષા કરી ગુણવત્તાયુક્ત અને સમયબદ્ધ કામગીરી સુનિશ્ચિત કરવા નિર્દેશ આપ્યા હતા.

કેન્દ્રિય મંત્રીએ ફુલરામા, બગસરા ઘેડ, ઘોડાદર જેવા ગામોની મુલાકાત લીધી હતી. તેમણે ખાસ કરીને મેખડી ગામ નજીક સાબલી નદી પર ફેઝ-૧ અંતર્ગત નદી ઊંડી ઉતારવા સહિતની કામગીરીનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું. ફુલરામા ગામ નજીક ચાલતા કામોનું પણ તેમણે અવલોકન કર્યું હતું.

નિરીક્ષણ દરમિયાન, કેન્દ્રીય મંત્રીએ અધિકારીઓને સૂચના આપી હતી કે, ઘેડ પંથકમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યાનો કાયમી ઉકેલ આવે તે કામની ગુણવત્તા જળવાઈ રહે, કામ સુવ્યવસ્થિત રીતે થાય અને નિર્ધારિત સમયમર્યાદામાં પૂર્ણ થાય. તેમણે સંલગ્ન અધિકારીઓને કામ પર સતત દેખરેખ રાખવા અને સ્થળ નિરીક્ષણ નિયમિતપણે કરવા તાકીદ કરી હતી, જેથી પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ થઈ શકે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, વિકાસના કામોની ગુણવત્તા સાથે કોઈ બાંધછોડ ચલાવી લેવામાં આવશે નહીં.

આ પ્રવાસ દરમિયાન મંત્રીએ સ્થાનિક ગ્રામજનો અને આગેવાનો સાથે પણ સંવાદ સાધ્યો હતો. ફુલરામા ગામ ખાતે ગ્રામજનો સાથે વાતચીત કરીને તેમણે તેમના પ્રશ્નો અને રજૂઆતો સાંભળી હતી. તેમણે ગ્રામજનોને વિકાસના કામો ઝડપથી આગળ વધે તે માટે પરસ્પર સહકાર કેળવવા પ્રેરિત કર્યા હતા, અને ખાતરી આપી હતી કે લોકોની આકાંક્ષાઓ સંતોષાય તે રીતે કામગીરી થશે.

સિંચાઈ વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર પાર્થ કોઠીયાએ મંત્રીને ઘેડ વિસ્તારમાં વરસાદી પાણી ભરાવાના કાયમી ઉકેલ માટે નદીઓને ઊંડી ઉતારવા, પહોળી કરવા અને નદી આસપાસના ઝાડી-ઝાંખરા દૂર કરવા સહિતની કામગીરી તથા આયોજનો અંગે વિસ્તૃત જાણકારી આપી હતી. નદીઓના કાંઠાને મજબૂત કરવા પ્રોટેક્શન વોલ સહિતની કામગીરી પણ તબક્કાવાર કરવામાં આવશે.

સ્થળ નિરીક્ષણ બાદ, કેન્દ્રીય મંત્રીએ કેશોદ પ્રાંત ઓફિસ ખાતે ઉચ્ચ અધિકારીઓ અને પદાધિકારીઓ સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં જૂનાગઢ અને પોરબંદર જિલ્લામાં પ્રથમ તબક્કામાં થયેલી કામગીરીની પ્રગતિની વિગતો મેળવી હતી, અને ફેઝ-2ના કામગીરીના આયોજનની પણ સમીક્ષા કરી હતી. તેમણે સિંચાઈ ઉપરાંત પંચાયત વિભાગ હેઠળ ગ્રામ્ય વિસ્તારમાં થતા વિકાસના કામોની ગુણવત્તા જળવાઈ રહે તે માટે પણ ખાસ તકેદારી લેવા સૂચના આપી હતી. નેશનલ હાઈવે અંતર્ગત રોડ-પરિવહન સંલગ્ન પ્રશ્નોની પણ તેમણે સમીક્ષા કરી હતી.

ઉલ્લેખનીય છે કે, રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઘેડ વિસ્તારના વરસાદી પાણી ભરાવાના વર્ષો જૂના પ્રશ્નોનો કાયમી ઉકેલ લાવવા કટિબદ્ધતા દર્શાવી છે. આ માટે સોરઠ અને બરડા ઘેડ વિસ્તાર માટે ફેઝ-1 અને ફેઝ-2 કામગીરી માટે રૂપિયા 1534.19 કરોડની માતબર રકમ ફાળવવામાં આવી છે.

આ બેઠકમાં અને પ્રવાસ દરમિયાન જિલ્લા કલેકટર અનિલ રાણાવસિયા, જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશ ઠુંમર, ધારાસભ્ય દેવાભાઈ માલમ, કેશોદ નગરપાલિકાના પ્રમુખ મેહુલ ગોંડલીયા, જિલ્લા ભાજપ પ્રમુખ ચંદુભાઈ મકવાણા, નિવાસી અધિક કલેકટર બી. એસ. બારડ, નાયબ વન સંરક્ષક અક્ષય જોશી, કેશોદ પ્રાંત અધિકારી અને આસિસ્ટન્ટ કલેકટર વંદના મીણા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક પી.એ. જાડેજા, સિંચાઈ વિભાગના જૂનાગઢ અને પોરબંદર જિલ્લાના અધિકારીઓ સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.