Junagadh: દંપતી વચ્ચે ઝઘડો થયા બાદ રિસામણે ગયેલી પત્નીએ ખાધા ખોરાકીનો કેસ કર્યો હતો. જેમાં ભરણપોષણ ચુકવી શકે તેમ ન હોવાથી પતિએ એસિડ પી આપઘાત કરી લેતાં ચકચાર મચી જવા પામી છે. જૂનાગઢના દોલતપરા વિસ્તારમાં રહેતાં યુવાને એસિડ પી લેતાં તેનું સારવાર દરમિયાન રાજકોટ સિવિલ હોસ્પિલમાં મોત નિપજ્યું હતું.
આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, જૂનાગઢમાં દોલતપરા વિસ્તારમાં આવેલી સ્વામીનારાયણ સોસાયટીમાં રહેતા રમેશ મનસુખભાઈ જાદવ (ઉ.40) નામના યુવાને ગઈકાલે સવારે પોતાના ઘરે એસિડ પી લેતાં તેને પ્રથમ જૂનાગઢ બાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. જેનું સારવાર દરમ્યાન આજે તેનું મોત નિપજ્યું હતું.
પ્રાથમિક તપાસમાં મૃતક રમેશભાઈ એક ભાઈ એક બહેનમાં નાનો અને હીરા ઘસવાનું કામ કરતો હતો. તેને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. વધુ તપાસમાં કોરોના સમયે કામ ધંધો ચાલતો ન હોવાથી પત્ની સાથે ઝઘડો થતાં પત્ની 2020માં જેતપુર તેના માવતરે રિસામણે ચાલી ગઈ હતી અને પતિ વિરૂધ્ધ કોર્ટમાં ભરણપોષણનો કેસ કર્યો હતો.
જો કે તે ભરણપોષણ ચુકવી શકે તેમ ન હોવાથી અને ભરણપોષણના હપ્તા ચડી જતાં ચિંતાના કારણે તેણે આ પગલું ભરી લીધાનું પરિવારજનોએ જણાવ્યું હતું. આ બનાવથી બે સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી દેતાં પરિવારમાં શોકની લાગણી છવાઈ જવા પામી છે.
