Junagadh: જૂનાગઢ શહેરના કડિયાવાડ વણકરવાસ વિસ્તારમાં રહેતા અને હોટેલમાં મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા 22 વર્ષીય વિજયભાઈ પરસોતમભાઈ ચુડાસમાએ ગઈકાલે બપોરે સાડા ત્રણ વાગ્યાના અરસામાં પુનિતનગર ટાંકા પાસે આવેલા વિશ્વકર્મા મેલડી માતાના મંદિર નજીક ફિનાઈલ અને ઝેરી દવા પીને જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટના બાદ યુવકને ગંભીર હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે.
પ્રાથમિક વિગતો મુજબ, વિજયભાઈની પત્ની કિરણબેન છેલ્લા ચાર મહિનાથી પોરબંદરના મયુર નામના શખ્સ સાથે ભાગી ગઈ હોય, જેના કારણે વિજયભાઈ માનસિક રીતે ભાંગી પડ્યા હતા. બે દીકરા અને બે દીકરીના પિતા એવા વિજયભાઈ પોતાની પત્નીને શોધી રહ્યા હતા.
આ ઘટનાની વિગત એવી છે કે, ગતરોજ વિજયભાઈ પત્નીની શોધખોળ કરતા કરતા પુનિતનગર પાસે આવેલા મયુરના બીજા ઘરે તપાસ કરવા પહોંચ્યા હતા. જ્યાં પત્ની કિરણ અને મયુર ન મળી આવતા અને ઉપરથી પત્નીના મયુર સાથેના સેલ્ફી વાળા ફોટા જોતા વિજયભાઈ આઘાતમાં સરી પડ્યા હતા.
પત્નીના અન્ય શખ્સ સાથેના સંબંધો અને ઘરકંકાસથી કંટાળીને અંતે તેમણે આ અંતિમ પગલું ભર્યું હતું. હાલમાં આ મામલે પોલીસને જાણ કરવામાં આવી છે અને સિવિલ હોસ્પિટલ ખાતે યુવકની સારવાર ચાલી રહી છે.
