Junagadh: સોપારી ખાવા બાબતે ઠપકો આપતા પતિએ પત્ની પર કર્યો જીવલેણ હુમલો, સારવાર દરમિયાન મોત

જૂનાગઢના ધરાનગરમાં સોપારી ખાવા જેવી નજીવી બાબતે થયેલા ઝઘડામાં પતિ ભોલા સોલંકીએ પત્ની જ્યોતિ પર બોથડ પદાર્થથી જીવલેણ હુમલો કર્યો. રાજકોટમાં સારવાર દરમિયાન મહિલાનું મોત નિપજ્યું

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Sat, 13 Jun 2026 09:57 AM (IST)Updated: Sat, 13 Jun 2026 09:59 AM (IST)
junagadh-news-husband-arrested-for-killing-wife

Junagadh News: જૂનાગઢ શહેરમાં સોપારી ખાવા જેવી નજીવી બાબતે વચ્ચે થયેલા ઝઘડામાં પતિએ પત્ની પર જીવલેણ હુમલો કર્યાની ઘટના સામે આવી છે. પતિએ બોથડ પદાર્થનો ઘા ઝીંકી દેતા પત્ની ગંભીર રીતે ઘાયલ થઈ ગઈ હતી. જ્યાં સારવાર દરમિયાન મહિલાએ દમ તોડી દેતા બનાવ હત્યામાં ફેરવાઈ ગયો હતો. આ મામલે મૃતકના ભાઈએ પોલીસ ફરિયાદ નોંધાવતા આરોપીની પોલીસે ધરપકડ કરી.

પત્નીએ પતિને ઠપકો આપ્યો

મળતી વિગતો મુજબ, શહેરના ધરાનગર વિસ્તારમાં આરોપી યુવક ભોલા સોલંકી તેની પત્ની જ્યોતિ સોલંકી સાથે રહેતો હતો. તેઓ પોતાના પિયરે ગયા હતા. જ્યાં યુવતીએ પોતાના પતિને સોપરી ખાવાની વાતમાં ઠપકો આપ્યો હતો. બંને વચ્ચે આ બાબતે ઉગ્ર વિવાદ થયો હતો.પરંતુ પિયર પક્ષના લોકોએ વચ્ચે આવીને મામલો થાળે પાડી દિધો હતો. આ વાતને મનમાં રાખીને પતિ પત્ની સાથે પાછો ઘરે આવી ગયો હતો.

પત્ની પર બોથડ પદાર્થથી હુમલો

ઘરે પહોંચી ગયા પછી પતિ ભોલા સોલંકીએ ફરી પત્ની સાથે ઝઘડો કર્યો. ઉશ્કેરાયેલા ભોલાએ પોતાની પત્નીને બેફામ ગાળો ભાંડીને ઢોરમાર માર્યો હતો. તેમજ ઉશ્કેરાટમાં આવીને તેણે કોઈ બોથડ પદાર્થ વડે પત્ની પર ઘાતક હુમલો કરી દિધો હતો. માથાના ભાગે જોરદાર પ્રહાર કરતા પત્ની ત્યાં જ ઢળી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ પરિવારના લોકોએ તાત્કાલિક પત્નીને સારવાર અર્થે હોસ્પિટલે ખસેડી હતી.

મહિલાનું સારવાર દરમિયાન મોત

જ્યોતિને પહેલા જૂનાગઢ હોસ્પિટલે ખસેડાઈ પરંતુ કોઈ અસર ન થતાં તેને રાજકોટ ખસેડાઈ હતી. લાંબા સમય સુધી બેભાન રહેવાથી તેનું મોત થયું હતું. આ મામલે યુવતીના ભાઈએ સી ડિવિઝન પોલીસ મથકમાં આરોપી ભોલા સોલંકી વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. પોલીસે તમામ પુરાવાઓ એકત્ર કરીને વધુ તપાસ હાથ ધરી છે.