જૂનાગઢની 13 વર્ષીય દુષ્કર્મ પીડિતાને મળી ગર્ભપાતની મંજૂરી, ગુજરાત હાઈકોર્ટે કરી મહત્વની ટિપ્પણી

GMERS મેડિકલ કોલેજ હોસ્પિટલના ડોક્ટરોની ટીમે પીડિતાની મેડિકલ તપાસ કરી હતી.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Tue, 16 Jun 2026 09:21 AM (IST)Updated: Tue, 16 Jun 2026 09:21 AM (IST)
gujarat-high-court-permits-abortion-13-year-old-rape-victim-junagadh

Gujarat High Court Junagadh abortion case: જૂનાગઢની માત્ર 13 વર્ષની દુષ્કર્મ પીડિત સગીરાની માનસિક પીડા અને પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ગુજરાત હાઇકોર્ટે એક અત્યંત મહત્વપૂર્ણ અને સંવેદનશીલ ચુકાદો આપ્યો છે. ગુજરાત હાઇકોર્ટે આ સગીરાને તેના 19 સપ્તાહના ગર્ભના ગર્ભપાત માટે સત્તાવાર મંજૂરી આપી છે.

મેડિકલ બોર્ડનો રિપોર્ટ અને ગર્ભપાતને મંજૂરી

જૂનાગઢની GMERS મેડિકલ કોલેજ હોસ્પિટલના નિષ્ણાત ડોક્ટરોની ટીમ દ્વારા પીડિતાની મેડિકલ તપાસ કરવામાં આવી હતી, જેના રિપોર્ટના આધારે કોર્ટે આ નિર્ણય લીધો છે. નિષ્ણાત તબીબોના રિપોર્ટ મુજબ, સગીરાના ગર્ભનો ગર્ભપાત કરવો મેડિકલ રીતે શક્ય છે અને તેમાં જોખમનું પ્રમાણ પણ ઓછું છે, જેને કોર્ટે ગ્રાહ્ય રાખ્યું હતું.

ગુજરાત હાઈકોર્ટે જૂનાગઢ મેડિકલ કોલેજ-હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ, ત્રણ સિનિયર ગાયનેકોલોજિસ્ટ અને એક સાયકિયાટ્રીસ્ટ સહિતની વિશેષ ટીમ બનાવી ગર્ભપાતની પ્રક્રિયા હાથ ધરવા નિર્દેશ આપ્યો છે. આ સર્જરી માટે પીડિતાએ પોતાના જોખમે હોસ્પિટલમાં યોગ્ય બાંહેધરી પત્ર (Consent) પણ આપવાનું રહેશે.

સંવેદનશીલ ચુકાદા સાથે હાઇકોર્ટની ટિપ્પણી

આ ચુકાદો આપતી વખતે ગુજરાત હાઇકોર્ટ સુપ્રીમ કોર્ટના સંબંધિત ચુકાદાને ટાંકીને ગંભીર નોંધ લીધી હતી કે, દુષ્કર્મના કારણે રહેલો ગર્ભ સ્ત્રીના માનસિક સ્વાસ્થ્ય પર ગંભીર ઇજા સમાન છે. હાઈકોર્ટે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, સગીરવયની પીડિતાને દુષ્કર્મ કરનાર આરોપી (નરાધમ) ના બાળકને જન્મ આપવા માટે મજબૂર કરવી એ સંપૂર્ણપણે અમાનવીય છે.

બાળક જીવિત જન્મે તો જવાબદારી કોણ લેશે? 

ગુજરાત હાઈકોર્ટે સ્પષ્ટતા કરી છે કે જો ગર્ભપાતની પ્રક્રિયા દરમિયાન નવજાત શિશુ જીવિત જન્મે તો તેને શ્રેષ્ઠ તબીબી સારવાર પૂરી પાડવી. જો પીડિતા કે તેનો પરિવાર આ નવજાત બાળકની જવાબદારી લેવા તૈયાર ન હોય, તો રાજ્ય સરકાર અને તેની એજન્સીઓએ જુવેનાઇલ જસ્ટિસ એક્ટ હેઠળ તે બાળકની સંપૂર્ણ જવાબદારી લેવાની રહેશે. તેની તમામ તબીબી સુવિધાઓ સરકારના શિરે રહેશે.

વર્ષ 2026 માં 12 પીડિતાને ગર્ભપાતની મંજૂરી

ઉલ્લેખનીય છે કે, સગીરા પર દુષ્કર્મ આચરી તેને ગર્ભવતી બનાવવાના આ ગંભીર પ્રકરણમાં આરોપી વિરૂદ્ધ ઉના પોલીસ મથકમાં પોક્સો (POCSO) સહિતના કડક કાયદાઓ હેઠળ ફરિયાદ નોંધાઈ ચૂકી છે. અત્રે નોંધનીય છે કે, હાઇકોર્ટે વર્ષ 2026 માં માત્ર સાડા પાંચ મહિનાના ટૂંકા ગાળામાં એટલે કે 15 જૂન સુધીમાં કુલ 12 પીડિતાને ગર્ભપાત માટેની કાનૂની મંજૂરી આપી છે.