Minor Kidnapping-rape case verdict: એક 13 વર્ષ અને 8 મહિનાની સગીરાનું અપહરણ કરી, તેને 27 દિવસ સુધી ગોંધી રાખીને દુષ્કર્મ આચરનાર આરોપીને સ્પેશિયલ પોક્સો કોર્ટે કસૂરવાર ઠેરવી આજીવન કેદની સજા ફટકારી છે. બીજી તરફ કોર્ટે પીડિતાની આર્થિક સ્થિતિ અને આઘાતને ધ્યાનમાં રાખીને રૂ. 7 લાખનું વળતર ચૂકવવા પણ આદેશ આપ્યો છે.
સગીરાને ફસાવી અને હેવાનિયત આચરી
આ કેસ અંગે મળતી વિગતો અનુસાર, આરોપી ભોલા જાટવ અને તેની પત્ની રાની પીડિતાના જ બિલ્ડિંગમાં ભાડેથી રહેતા હતા. કોર્ટે નોંધ્યું છે કે આરોપી અને તેની ફરાર પત્ની રાણીએ બંટી-બબલી જેવી ભૂમિકા ભજવીને સગીરાને પ્રેમજાળમાં ફસાવી હતી. સગીરાને લગ્નની લાલચ આપીને આરોપી તેને ઉત્તરપ્રદેશ અને દિલ્હી ભગાડી ગયો હતો.
આરોપીની પત્નીએ તો હદ પાર કરી નાખી
આ દરમિયાન લગભગ 27 દિવસ સુધી આરોપીએ સગીરાને ગોંધી રાખી તેના પર વારંવાર દુષ્કર્મ આચર્યું હતું. ચોંકાવનારી બાબત એ છે કે, આરોપીની પત્ની રાની સગીરાને ઘેનની ગોળી આપતી અને સગીરાને મારી નાખવાની ધમકી પણ આપતી હતી. વધુમાં, ભોલો જ્યારે દુષ્કર્મ આચરતો ત્યારે રાની તેના હાથ પકડી રાખતી હતી. રાની સગીર છોકરીઓના વેપાર સાથે સંકળાયેલી હતી.
DNA મેચ ન થયું, પરંતુ ગૂગલ પેથી ભેદ ખુલ્યો
સગીરાને સહી સલામત છોડવા માટે આરોપીએ તેના પિતા પાસે 50 હજાર રૂપિયાની ખંડણી માંગી હતી. તબીબી તપાસમાં DNA મેચ ન થતાં કોઈ ચોક્કસ પુરાવા મળ્યા ન હતા, પરંતુ ઓનલાઈન ખંડણી માંગવાની ભૂલ આરોપીને ભારે પડી હતી. પીડિતાના પિતાએ પાડોશી પાસેથી ગૂગલ પે મારફતે પ્રથમ 1 હજાર અને બાદમાં 500 રૂપિયા આરોપીને ટ્રાન્સફર કર્યા હતા.
આ પણ વાંચો: જૂનાગઢની 13 વર્ષીય દુષ્કર્મ પીડિતાને મળી ગર્ભપાતની મંજૂરી, ગુજરાત હાઈકોર્ટે કરી મહત્વની ટિપ્પણી
ગુનેગાર ભોલાને આજીવન કેદની સજા ફટકારી
કોર્ટમાં સાક્ષી તરીકે હાજર પડોશીએ રજૂ કરેલી ટ્રાન્સફર રિસિપ્ટ અને બેન્ક સ્ટેટમેન્ટ આરોપી વિરુદ્ધ સૌથી મજબૂત પુરાવા સાબિત થયા હતા. અંતે પોલીસે ઉત્તરપ્રદેશથી આરોપી અને સગીરાને શોધી કાઢ્યા હતા. ખંડણી, અપહરણ અને પોક્સો એક્ટ હેઠળ આરોપી ભોલાને દોષિત જાહેર કરી કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે.
આકરી ટિપ્પણી: "નામ ભોલા, પણ કામ હેવાન જેવું"
ચુકાદો આપતી વખતે સ્પેશિયલ પોક્સો કોર્ટના જજ મધુર પી. મહેતાએ આરોપીના કૃત્ય પર આકરી ટિપ્પણી કરી હતી. જજે નોંધ્યું હતું કે, આરોપીનું નામ ભલે 'ભોલા' હોય પરંતુ તેનું વર્તન અને કૃત્યો છેતરામણીભર્યા છે અને તેના કામ એક હેવાન જેવા છે.
