Loading...

Mahashivratri mela 2026: મહાશિવરાત્રીના મેળાના રૂટમાં વાહનોના પ્રવેશ પર સંપૂર્ણ પ્રતિબંધ, વૃદ્ધો માટે ઇલેક્ટ્રિક રીક્ષાની સુવિધા

ઇન્દ્રભારતી બાપુએ કહ્યું, વાહનોના પ્રવેશ પર સંપૂર્ણ પ્રતિબંધ, નાગરિકો સહિત મંત્રીઓના વાહનો માટે પણ પ્રવેશબંધી રહેશે.

By: Purvalak DabhiEdited By: Purvalak Dabhi Publish Date: Thu 05 Feb 2026 10:57 AM (IST)Updated: Thu 05 Feb 2026 10:58 AM (IST)
junagadh-bhavnath-mahashivratri-mela-2026-route-complete-ban-on-entry-of-vehicles-686090
HIGHLIGHTS
  • મહાશિવરાત્રીના મેળામાં ટ્રાફિક સંચાલન અંગે વિશેષ આયોજન
  • મહાશિવરાત્રીના મેળામાં વાહનોના પ્રવેશ પર સંપૂર્ણ પ્રતિબંધ  
  • રાત્રિના સમયે સામાનની હેરફેર માટે પ્રક્રિયા હાથ ધરવામાં આવશે

Junagadh Mahashivratri mela: આગામી 11 ફેબ્રુઆરીથી જૂનાગઢના ભવનાથમાં મહાશિવરાત્રી મેળો યોજાશે. મિની કુંભ તરીકે ઓળખાતા આ મહાશિવરાત્રીના મેળામાં આવતા શ્રદ્ધાળુઓની સુરક્ષા અને સુવિધાને લઈને વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. મુખ્યત્વે ટ્રાફિક સંચાલનને લઈને કેટલાક મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યા છે.

વહીવટી-પોલીસ તંત્ર અને સાધુ-સંતો વચ્ચે મહત્વપૂર્ણ બેઠક

જૂનાગઢના ભવનાથ તળેટીમાં યોજનાર મહાશિવરાત્રી મેળાના સુચારુ સંચાલન માટે જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર, પોલીસ પ્રશાસન અને સાધુ-સંતો વચ્ચે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. જે દરમિયાન મહાશિવરાત્રીના મેળાના આયોજનને લઈને રૂટ અને વ્યવસ્થામાં ઘણા મોટા ફેરફારો કરવામાં આવ્યા છે.

મહાશિવરાત્રી મેળામાં વાહનોના પ્રવેશ પર સંપૂર્ણ પ્રતિબંધ  

મુખ્યત્વે ટ્રાફિક અને ભીડને નિયંત્રિત કરવા માટે ટ્રાફિક વ્યવસ્થામાં મોટો બદલાવ કરવામાં આવ્યો છે. ગિરનાર મંડળના અધ્યક્ષ ઇન્દ્રભારતી બાપુએ જણાવ્યું કે, આ વર્ષે મહાશિવરાત્રી મેળામાં વાહનોના પ્રવેશ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. સામાન્ય નાગરિકો સહિત IAS સહિતના ઉચ્ચ અધિકારીઓ અને મંત્રીઓના વાહનો માટે પણ પ્રવેશબંધી રહેશે.

ઇન્દ્રભારતી બાપુએ વધુમાં જણાવ્યું કે, મહાશિવરાત્રી મેળા દરમિયાન સ્થાનિક લોકોને જરૂરી રેશનિંગ, ગેસ સિલિન્ડર અને દૂધ જેવી આવશ્યક ચીજવસ્તુઓ મળી રહે તે માટે તંત્ર દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવશે. મુખ્ય રસ્તાઓ બંધ હોવા છતાં સામાન્ય જનજીવન પ્રભાવિત નહીં થાય.

ગિરનાર દરવાજા પાસે બસ પાર્કિંગ, ઇલેક્ટ્રિક રીક્ષાની સેવા

આ વર્ષે બસોનું પાર્કિંગ ગિરનાર દરવાજા પાસે રાખવામાં આવ્યું છે. મેળામાં આવતા વૃદ્ધ, અશક્ત સાધુ-સંતો અને વરિષ્ઠ નાગરિકો માટે ઇલેક્ટ્રિક રીક્ષાની વ્યવસ્થા કરવામાં આવી છે. જોકે, આ રીક્ષાઓની સંખ્યા અંગે હજુ સરકાર સાથે વધુ ચર્ચા કરવામાં આવશે.

પીવાનું પાણી અને શૌચાલય સહિતની સુવિધાઓ

જૂનાગઢ જિલ્લા કલેક્ટર અનિલ રાણાવસિયાએ જણાવ્યું કે, યાત્રિકો માટે પીવાનું શુદ્ધ પાણી, શૌચાલયો, છાસ-લીંબુ પાણીના વિતરણ કેન્દ્ર અને સુંદર સુશોભન જેવી સુવિધા ઊભી કરવામાં આવી છે. ઉતારા મંડળો માટે કરિયાણું અગાઉથી ભરી લેવાનું આયોજન કર્યું છે. ટ્રાફિકની અગવડ ન પડે તે માટે રાત્રિના સમયે સામાનની હેરફેર માટે મંજૂરી અને પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

રવેડી રૂટનું પગપાળા નિરીક્ષણ

કલેક્ટર અનિલ રાણાવસિયાએ વધુમાં કહ્યું કે, તમામ વિભાગના અધિકારીઓ સાથે ગિરનાર દરવાજાથી ભવનાથ મંદિર સુધીના રવેડી રૂટનું પગપાળા નિરીક્ષણ કરવામાં આવ્યું છે. મેળાના રૂટ પર પાણીના પોઇન્ટ, મોબાઈલ શૌચાલય, સફાઈ વ્યવસ્થા અને સુશોભનના સ્થળો નક્કી કરવામાં આવ્યા છે. લંબાયેલા રવેડી રૂટનું પણ બારીકાઈથી નિરીક્ષણ કર્યું છે.